મંગળવાર, 26 જૂન, 2018

BORASU PASS DISASTER.(PART-1)

BORASU PASS DISASTER.(PART-1)

મુંબઇ,મહારાષ્ટ્ર નો ટ્રેકર મિત્ર જયેશ લિમયે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ ની સરહદે આવેલા બોરાસુ પાસ નામના ટ્રેક પર જઇને પરત આવતા વખતે તેણે ફેસબુક પર સ્ટેટસ લખ્યું.દિલ્હી ના એરપોર્ટ થી મુંબઇ આવી રહ્યો હતો મિક્ષ મેમરીઝ સાથે અને તે ટ્રેક મા તેણે પોતાની ટીમ નો એક દિલોજાન ટ્રેકર મિત્ર હર્ષદ આપ્ટે ગુમાવ્યો તે મતલબ ના ફેસબુક સ્ટેટસ વાંચીને સવારે સાડા પાંચ થી હું વ્યાકુળ થઇ ઉઠ્યો.
મુંબઇ આવી ને,હર્ષદ ના ક્રિયાકર્મ પતાવીને બે દિવસ બાદ જ્યારે જયેશે મને વિગતવાર કોલ કર્યો ત્યારે તે કોલ બે કલાક લાંબો ચાલ્યો અને મેં લગભગ દોઢસો જેટલા સવાલ પૂછી નાંખ્યા અને સામી આવી એક દિલ દહેલાવી દે તેવી પહાડ પર ઘટેલી એક કરુણાંતિકા.
બધું જ બરાબર ચાલી રહ્યું હતું.બધા ટ્રેકર્સ ની તબિયત,ખાણી-પીણી અને પરફોર્મન્સ બાબતે પણ કોઇ સવાલ નહોતા.સવારે ચારેક વાગ્યે ઉઠીને ટ્રેક શરૂ કરી ને દસેક વાગ્યા સુધીમા ટીમ પોતાના પોર્ટર્સ(પહાડી મજદૂર) સાથે છેક બોરાસુ પાસ સુધી આવી પહોંચી હતી.બોરાસુ પાસ ના આ છેડે ઉત્તરાખંડ રાજ્ય છે અને ચઢાઇ વટાવી ને પેલી તરફ ઉતરતાં જ હિમાચલ પ્રદેશ રાજ્ય મા પ્રવેશ થવાનો હતો.વચ્ચે હતી ૮૦ ડીગ્રી ના ઑલમોસ્ટ ઉભા કોણ વાળી ઉંચી ખડકાળ બરફમઢી ચઢાઇ...સ્વાભાવિક છે કે હવે ટીમ ને “ઍઇડ ક્લાઇમ્બીંગ” અર્થાત દોરડા,હાર્નેસ,જુમાર,કેરેબિનર જેવા સાધન-સામગ્રીની મદદ થી ખડી ચઢાઇ વળોટવાની હતી.બે ટ્રેકર સાથે બે પોર્ટર્સ અર્ધો કલાક પહેલા ચઢાઇ કરીને પેલે પાર ઉતરી ને ઘણે આગળ પહોંચી ગયા હતા.અનુભવી ટ્રેકર હોવાના નાતે જયેશ લીડ-પર્સન તરીકે સૌથી પહેલા ચઢ્યો અને નવેસર થી આઇસ પિટન અને રોપ ફીક્સ કરીને અન્ય ટ્રેકર્સ માટે ચઢાઇ નો માર્ગ સુગમ કર્યો.રીના અને પ્રશાંત હવે ચઢાઇ કરવાના હતા પણ હર્ષદ આપ્ટે એ જીદ કરી કે જયેશભાઇ કે બાદ અબ મૈં સેકન્ડ નંબર પે જાઉંગા.એણે સીટ હાર્નેસ ચઢાવ્યું,કેરેબીનર લૉક કર્યુ અને જુમારીંગ કરતાં-કરતાં તે ધીમેધીમે ઉપર ચઢવા લાગ્યો.બધું જ બરાબર જઇ રહ્યું હતું.નીચે ઉભેલી ટીમ,ટ્રેક લીડર અને પોર્ટર્સ જોઇ રહ્યા હતા કે હર્ષદ આપ્ટે એ ખાસી ઉંચાઇ સર કરી લીધી હતી.અને એક ઠેકાણે હર્ષદ ધીરો પડવા લાગ્યો.થાકવા લાગ્યો.બીલકુલ ઉંચી અને તીવ્ર કોણ વાળી ચઢાઇ પછી બર્ફ છવાયેલો સહેજ સમતલ ભાગ આવ્યો ત્યાં દોરડા અને હાર્નેસ થી બંધાયેલી અવસ્થામાં જ હર્ષદ તે અચાનક ઉભો રહી ગયો.નીચે થી ટ્રેક લીડર સહીત સૌ તેને એન્કરેજ કરી રહ્યા હતાં.ઉપર ઉભેલાં જયેશે પણ તેને સમજાવ્યો કે ફક્ત ૩૦ જ ફૂટ ની ચઢાઇ બાકી છે તો હિંમત રાખીને અહીં સુધી આવી જા.હર્ષદે જવાબ આપ્યો કે “જયેશ ભાઇ,મૈં નહીં આ પાઉંગા,આપ નીચે આ જાઓ”.જયેશ તેને ઉપર આવી જવા મનાવતો રહ્યો કેમ કે જયેશ પણ જાણતો હતો કે માંડ માંડ હિંમત જુટાવી ને અહીં સુધી આવી ગયા પછી ફરીથી નીચે ઉતરવું એટલે શારિરીક શક્તિનો વ્યય કરવાનું સાબિત થશે.એટલે હર્ષદ પોતે ઉપર આવે તેમા જ તે બન્ને ની ભલાઇ છે.સાડા અગિયાર વાગી ચૂક્યા હતા.
હર્ષદ ને બેસી પડેલો જોઇ તળેટી માં બાકી ની ટીમ સાથે ઉભેલા અને પરિસ્થીતી ને સતત મૉનિટર કરી રહેલા ટ્રેકલીડર કલમસિંઘ બિષ્ટ ને કાંઇક ગરબડ હોવાનો એહસાસ થઇ ગયો અને તે ઝટપટ ક્લાઇમ્બીંગ કરતો હર્ષદ પાસે પહોંચ્યો.તેણે જોયું કે હર્ષદ થાક થી ચૂર થઇ ગયો હતો.ટોટલ ઍક્ઝૉસ્ટ થઇ ગયો હતો.પણ ગનીમત હતી કે સભાન હતો.બિષ્ટે હર્ષદ ને પાણી પીવડાવ્યું.સમય પારખીને બિષ્ટે ઉપર ટોચ પર રહેલા જયેશ ને નીચે હર્ષદ પાસે આવી જવા જણાવ્યું.આથી ઉપર રહેલા જયેશ ને માટે હવે ફક્ત આઇસ–ઍક્સ (બર્ફ-કોદાળી) ના સહારે અતિ જોખમી ઉતરાણ કરવાની નિયતિ ઘડાઇ રહી હતી.કલમ સિંઘ બિષ્ટે પોતાની પાસે રહેલી આઇસ ઍક્સ જયેશ તરફ ઉપર પૂરી તાકાત થી નાંખી જે જયેશ થી ખાસી દૂર જઇને પડી.મહામહેનતે જયેશે તે આઇસ ઍક્સ લાવી ને જોખમ નો પૂરો અંદાજ રાખીને બહુ જ સાવચેતી થી ડિસેન્ડીંગ શરૂ કર્યું.થોડો વધુ સમય લાગ્યો પણ જયેશ આખરે હર્ષદ અને બિષ્ટ જ્યાં હતા ત્યાં આવી પહોંચ્યો.તેઓ દોરડા થી બંધાયેલી હાલત માં સેફ ઉભા હતા.જયેશે જોયું કે હર્ષદ થાક થી બિલકુલ નિઢાલ થઇ ચૂક્યો હતો.તેની આંખો વિસ્ફારિત થઇ ગઇ હતી.તેની નાડી ધીમે-ધીમે મંદ થતી જતી હતી.બેભાન થવા ની અણી પર તે હતો.સમય ગુમાવ્યા વગર તે બન્ને જણાંએ હર્ષદ ને સહેજ લેટાવી ને સી.પી.આર દેવાનું શરૂ કર્યું.હર્ષદ ના શરીર તરફ થી કોઇ રિસ્પૉન્સ નહોતો આવી રહ્યો.
નીચે રાહ જોઇને ઉભેલી ટીમ ને ખરેખર કોઇ જ અંદાજ નહોતો આવી રહ્યો કે આખરે ઉપર થઇ શું રહ્યું છે ? ? અને નીચેની ટીમે અને પોર્ટર્સે સીટ હાર્નેસ લગાવી ને ઉપર તરફ ચઢાઇ શરૂ કરી.જયેશ અને બિષ્ટ પણ જાણતા હતા કે પહાડ પર બપોર ના બાર-એક વાગ્યા પછી વાતાવરણ ગમે ત્યારે પલટાઇ શકે છે અને આખી ટીમ મુશ્કેલી મા મૂકાઇ જશે.તેથી તેમણે બન્નેએ નીચે રાહ જોઇને ઉભેલી ટીમ ને ઝડપથી ક્લાઇમ્બીંગ કરવાની સૂચના આપી દીધી.અચાનક ઠંડી વધી ગઇ અને હવે વાતાવરણ બગડવાના આસાર દેખાવા ના શરૂ થઇ ગયા.
આ બાજુ જયેશ પોતાના થી બનતા બધા જ પ્રયત્ન કરી રહ્યો હતો.સી.પી.આર આપવાનું ચાલું જ હતું.હર્ષદ ના શ્વાસ ની અનિયમિતતા જોઇને કલમસિંઘ બિષ્ટે તેને માસ્ક લગાવી મિની ઑક્સિજન સિલીન્ડર થી બચાવવાના પૂરા પ્રયત્નો મા લાગી ગયા.હર્ષદ ક્રમશઃ સિન્ક થઇ રહ્યો હતો.ડૂબી રહ્યો હતો.શ્વાસ ની અનિયમિતતા વધતી ચાલી.નાડી અતિ મંદ પડવા લાગી.અને બન્ને ની નજર સામે હર્ષદ ના શ્વાસ અટકી ગયા.તેના પ્રાણ ઉડી ગયા.દોઢ-પોણા બે નો સમય અને ટીમ ની મુસીબત મા વધારો કરતો સ્નૉ-ફૉલ શરૂ થઇ ગયો.પહાડ પર ના ઠંડા વાતાવરણ ના કારણે હર્ષદ નું અચેતન શરીર ઝડપથી બ્લ્યૂ પડવા લાગ્યું.રીના આ ત્રણેય ની બાજુમાંથી ધીમે ધીમે ક્લાઇમ્બીંગ કરતી ચાલુ સ્નૉ ફોલ મા આગળ વધી અને ટોચ સુધી પહોંચી ગઇ.ક્રમશઃ આખી ટીમ ઉપર પહોંચી અને ત્યારે જયેશે ઉપર જઇ ને સૌને આ હાદસા બાબતે જણાવ્યું. બધા આઘાત થી દિગ્મૂઢ થઇ ગયા પણ વધતા જતા સ્નૉ-ફોલ મા વધુ ચર્ચા ને અવકાશ નહોતો.બાજુ મા ઉભેલો વ્યક્તિ પણ ના દેખાય એટલી માત્રા મા ભારે સ્નૉ–ફોલ શરૂ થઇ ગયો.આખા એરિયા મા વ્હાઇટ-આઉટ છવાઇ ગયો.આખી ટીમ ની સાથે મળીને હર્ષદ ની ડેડ બૉડી ને તેની જગ્યા એ થી ૩૦ ફૂટ ઉપર ખેંચી લેવા પ્રયત્ન કર્યો પણ અતિશય ઠંડી,વ્હાઇટ આઉટ ના પ્રતિકૂળ સંજોગો સામે ટીમ હિંમત હારી ગઇ.સ્નૉ ફોલ ના કારણે ગ્લૉવ્ઝ અને દોરડા લીસા થઇ જવાના કારણે વજન ઉપર ખેંચવું મુશ્કેલ બની રહ્યું હતું વળી તેમા હર્ષદ ના પહેરેલા જેકેટ અને વિન્ડચીટર ના પલળવાના કારણે ડેડબૉડી અતિશય ભારે બની ગયું હતું.ઝંઝાવાતી સ્નૉ ફોલ મા વધારે સમય ત્યાં રોકાવાય તો અન્ય એકાદ–બે ટ્રેકર ની હાલત મૃતઃપાય થઇ શકે તેમ હતી.એક જણ ના લૉસ પછી હવે તેઓ વધુ લોકો ની હાલત કથળે તેમ જરાય ઇચ્છતા નહોતા.
સ્નૉ થી છવાયેલા શરીરે ઠંડી મા ઠૂંઠવાતી હાલત મા આખરે જયેશ અને બિષ્ટ ને એક કઠોર ફેંસલો લેવાની ઘડી આવી ગઇ.
એ ફેંસલો એ કે હર્ષદ નું બૉડી અત્યારે જ્યાં પડ્યું છે ત્યાં જ રહેવા દેવું અને આવતીકાલે સવારે ફરી થી વધુ પોર્ટર(મજૂરો)સાથે આવી ને તેને પરત મેળવવાનો પ્રયત્ન કરવો.અને ભારે હ્રદયે તે સૌ નજીક ની ટેમ્પરરી કેમ્પસાઇટ બાંગા પર પહોંચ્યા.ભારે સ્નૉફોલ આજે રોક્યો રોકાય તેમ નહોતો.પહાડ ની બીજી તરફ અત્યારે તેઓ હિમાચલ પ્રદેશ રાજ્ય માં હતાં.
તે રાત આખી ટીમ માટે ભારે રહી.રીનાએ તો જ્યારે જાણ્યું કે તે પોતે ક્લાઇમ્બીંગ વખતે જ્યારે હર્ષદ ની બાજુ માંથી પસાર થઇ ત્યારે તે થોડીક મિનીટો પહેલા જ મૃત્યુ પામ્યો હતો અને પોતે તેના ડેડ બૉડી પાસેથી પસાર થઇ હતી તે વાતે તો તે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી.લાગણી,ગિલ્ટ ફીલ અને મૃત્યુ પામેલો તે સાથી અત્યારે રાત્રે એકલો ત્યાં પહાડ પર અધવચ્ચે આખી રાત પડ્યો રહેશે તે વાતે તેનું રડવું અટકતું નહોતું.જયેશ,બિષ્ટ અને પોર્ટરો ને પણ એ વાત ની ચિંતા કોરી ખાતી હતી કે તેનું બોડી રાત્રે કોઇ જાનવર નું ભક્ષ્ય ના બની જાય.આખા ટેન્ટ માં છુપુ રુદન અને ડૂસકાં આખી રાત ચાલું રહ્યાં.કોઇએ આંખ નું મટકું પણ માર્યું નહોતું.આવી સ્થિતી મા કોઇને ઉંઘ પણ આવે તેમ નહોતી.ટેન્ટ ની બહાર સ્નૉફોલ નું જોર વધુ ને વધુ તેજ થતું જતું હતુ,.ઠંડી માં સૌ કોઇ ઠરી રહ્યા હતા.બિષ્ટે અને પોર્ટરો એ મળી ને આ દુર્ઘટના,વાતાવરણ અને ટીમ ની સ્થિતી અંગે પોતાની સંસ્થા ને S.O.S કોલ કરી દીધો હતો.
સૌ કોઇ બીજા દિવસ ની સવાર ની આશા માં બેચેન હાલત માં જાગી રહ્યા હતા.
ફોટો ૧ – ટ્રેક ની શરૂઆત મા લીધેલી હર્ષદ આપ્ટે ની તસવીર.
ફોટોઃ૨ - બર્ફ પર નિશ્ચેતન પડેલો હર્ષદ,તેની બાજુ મા લાલ જેકેટ મા ટ્રેકલીડર કલમસિંઘ બિષ્ટ અને સાથે લોકલ ગાઇડ રાજેશ.
(બન્ને તસવીર સૌજન્ય: જયેશ લિમયે)




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો