શનિવાર, 23 જૂન, 2018

દેવ ટિબ્બા બેઝ કેમ્પ ટ્રેક(હિ.પ્ર) ના અનુભવો (૪)

દેવ ટિબ્બા બેઝ કેમ્પ ટ્રેક(હિ.પ્ર) ના અનુભવો (૪)

આજ ના દિવસ થી ખરું ટ્રેકીંગ શરૂ થવાનું હતું.આજે અમારી DT-19 બેચ બેઝકેમ્પ છોડી હાયર કેમ્પ તરફ પ્રયાણ કરવાની હતી.પહાડ પર જરૂર પડે તેટલા કપડા અને આવશ્યક વસ્તુઓ સાથે દરેક ટ્રેકર પોતાના રક્સેક સાથે તૈયાર હતો.જે વધારા નો અને અનાવશ્યક લાગે તે સામાન બેઝકેમ્પ ના સ્ટોરરૂમ મા જમા કરાવી દીધો હતો.આઠ વાગ્યે સવારે સૌ પોતાના પેકલંચ લઇને,પાણી ની બોટલ ભરીને તૈયાર હતા.બસ આવી અને આખી બેચ તેમા જગતસુખ સુધી પહોંચી.બસ મા બધાએ અંતાક્ષરી ની ધૂમ મચાવી અને ચાર્જ્ડ થઇ ગયા.ફરી એકવાર ૪૪ ની સંખ્યા નું કાઉન્ટીંગ થયું અને ત્યાર બાદ પોતાના પગ ના જોરે દરેક ટ્રેકરે આજ ના રીઅલ ટ્રેકીંગ ના શ્રીગણેશ કર્યા.

પહાડી ગામ ના પગથિયા અને ઢોળાવો વાળા રસ્તે અમે ઉંચે ને વધુ ઉંચે પહોંચી રહ્યા હતા.ગામ મા સમય જાણે કે થંભી ગયો હતો.શહેર કરતા પહાડી ગામોમા સમય ઘણો મંદ ચાલતો રહે છે.લગભગ દરેક ઘરો ના આંગણાંમા ફૂલો ના સ્પેશિયલી ગુલાબ ના પ્લાન્ટ્સ હતા.સ્લેટિયા પથ્થરોની ચોરસ ટાઇલ્સ મઢ્યા છાપરાઓની ચિમનીઓ માં થી સફેદ ધુમાડો નીકળી રહ્યો હતો.શેરી મા અલસાતા બેઠેલા રુંછાદાર-ઘના વાળ વાળા મજબૂત પહાડી કૂતરાઓ શાંતિ થી અમારી ચહેલ-કદમી જોઇ રહ્યા હતા.અહીંના કૂતરાઓ કદ-કાઠી મા પડછંદ ખરા,પણ ઍક્ટિવ નથી હોતા.અને અજાણ્યા સામે તો ક્યારેય ભસતા મેં સાંભળ્યા નથી.અહીંના કૂતરાઓ પણ અહીંના લોકો ની જેમ ટૂરિસ્ટ-ફ્રેન્ડલી છે.ગામ ની શૉપ આગળ નાના-મોટા રેસ્ટીંગ બ્રેક થતા રહ્યા.મોમોઝ–કોલ્ડ ડ્રીંક ની ઉજાણી થતી રહી.જે લોકો પોતાની વૉકીંગ સ્ટીક નહોતા લાવ્યા તેમના માટે થોડા-થોડા અંતરે ગામની બૂઢી સ્ત્રીઓ વુડન સ્ટીક વેચી રહી હતી.પોતાની ખાલી થયેલી વૉટરબોટલ ને ટ્રેકર્સ ગામ ના આંગણામા રહેલા વૉટર ટેપ માં થી ઠંડું પાણી ભરી રહ્યા હતા.ટ્રેકીંગ નો એક સીધો-સાદો નિયમ છે કે જ્યાં વૉટર પોઇન્ટ મળે ત્યાં પાણી પી લો અને અધૂરી બોટલ ભરી લો.આગળ ક્યાં વૉટર પોઇન્ટ મળે તેની પહાડોમાં કોઇ જ ખાતરી નથી હોતી તેથી આ નિયમ જવાબદારીપૂર્વક પાળવો પડે છે.ઘણાં લોકો રક્સેક ના બન્ને બાજુ બે બોટલ રાખતા હોય છે. એક મા સાદું પાણી અને બીજા મા ગ્લુકોઝ નાંખેલું પાણી જે એનર્જી નો ત્વરિત સૉર્સ છે.

હવે ગામ ઘણાં નીચે રહી ગયા છે અને અમે ઘણી ઉંચાઇએ આવી ગયા છીએ.ક્યારેક દેવદાર ના વૃક્ષો ની વનરાજી આવે તો ક્યારેક લીલોતરી વાળો ખૂલ્લો પઠાર આવે.હાંફતા,ચઢતા,થાકતા અમે સૌ આખરે અમારા ટ્રેક ના પહેલા લંચ-પોઇન્ટ પર આવી પહોંચીએ છીએ.ખૂલ્લા લીલા મેદાન ની ધારે ઉગેલા દેવદારવૄક્ષો ની નીચે અમે અમારા પેક લંચ ખોલ્યા.વર્ષો ના અનુભવ પછી હું શીખ્યો છું કે છીછરા પ્લાસ્ટીક ના લંચ-બૉક્સ મા શાક-અથાણાં ના તેલ નો લીક થવાનો પ્રશ્ન રહેતો હોય છે આથી આ વખતે હું ઍર-ટાઇટ વર્ટીકલ ડબ્બો લાવ્યો હતો અને મારે અમારા ત્રણેય જણાંનું શાક-અથાણું મારા ડબ્બામા લેવું,શ્રુતિ અને હિમાંશું તેમના ડબ્બામા રોટી-પરાઠા વગેરે લે તેવું આપસ મા અમે નક્કી કર્યુ હતું.તેથી દરેક ને ઑઇલ વાળા ડબ્બા ધોવામા પણ મુક્તિ રહે અને ત્રણેય ફરજિયાતપણે સાથે જ જમવા બેસીએ એ પણ નિયમ જળવાય.
લંચ પોઇન્ટ ની આસપાસ ખાસી સંખ્યામા વૄક્ષછેદન થયેલું જોવા મળ્યું.લગભગ સો થી ઉપરની સંખ્યા મા વિશાળ દેવદારના થડીયા ને મશીન કટ કરી દેવામા આવ્યા હતા.અને નિશાની રૂપે રહી ગયા હતા સૂકાયેલા ઝાડ ના બેઠક સમા થડિયા.મને તો તે થડિયાવાળી બેઠક જોઇને મારી ફેવરિટ-મોસ્ટ સિરીયલ “ગેમ ઑફ થ્રોન્સ“ યાદ આવી ગઇ.તે સિરીયલ મા પણ આવી જ બેઠકવાળું કાંટાદાર,હથિયારો સજ્જ સિંહાસન દર્શાવવામા આવે છે.લંચ પછી અમે પણ એ સિંહાસન પર અમારા ફોટોગ્રાફ્સ પાડ્યા.અને ત્યાંથી જ મે મારા મિત્રો માટે ફેસબુક મા અપડેટ પણ કર્યા.(જૂઓ ફોટો-૧)

લંચ પછી એકાદ-દોઢ કલાક ની મધ્યમ ગ્રેડ ની ચઢાઇ પછી અમે અમારી પહેલી કેમ્પ સાઇટ પર પહોંચ્યાં.તે કેમ્પસાઇટ નું નામ છે તિલગન કેમ્પસાઇટ.સરસ,ઢોળાવવાળા ગ્રીન ચોપાટીનુમા જગ્યા થી સોએક ફૂટ નીચે ઉતરતા જ આ રમણીય કેમ્પસાઇટ પહેલી જ નજરે સૌને પસંદ આવી ગઇ.ફેન્સીંગ કરેલા ઉભા પટ્ટા મા ફૈલાયેલી આ કેમ્પસાઇટમાં ઉંચાઇ તરફ અમારા ટેન્ટ તો નીચે તરફ ટોઇલેટ ટેન્ટ્સ હતા.વચ્ચે કીચન અને કેમ્પ લીડર ટેન્ટ હતા.મારા આશ્ચર્ય વચ્ચે આ કેમ્પ ના કેમ્પ લીડર હતા હરિયાણા ના રામફલ.આ એ જ રામફલ છે જે ૨૦૦૫ મા અર્થાત ૧૩ વર્ષ પહેલા મારા હર-કી-દૂન ટ્રેક વખતે સીમા કેમ્પસાઇટ પર થયેલા પૅરાનોર્મલ અનુભવ ના સાક્ષી રહ્યા છે.અમને બન્ને ને થયેલા એ અનુભવ ની તીવ્રતા જોતા બીજા જ વર્ષ થી તે કેમ્પસાઇટ બંધ કરી દેવામા આવી અને હર-કી-દૂન ટ્રેક ને ટૂંકો કરી દેવામા આવ્યો.એ રહસ્યમય ભૂતાવળ ના સાક્ષી અમે બન્ને તેર(અપશૂકનિયાળ નંબર,ખરું ને!) વર્ષ પછી ફરીથી આમને-સામને થયા હતા.જેવા અમે બન્નેએ એકબીજા ને જોયા અને બન્ને આનંદ થી ઉછળી પડ્યા અને દિલ થી ભેટ્યા.સેલ્ફી લીધી.અને એક ખૂણા મા-ખોપચા મા જઇને ઘણી માહિતી ની આપ-લે કરી લીધી.( જૂઓ ફોટો-૨)

યુથ હૉસ્ટેલ ના વર્ષોજૂના ટ્રેકર હોવાનો ફાયદો એ રહે છે કે દરેક ટીમ માં કે કેમ્પસાઇટ પર તમારું ઓળખીતું તમને ભટકાઇ જ જાય.બેઝકેમ્પ મા લક્ષ્મી અને અનિલ પાઠક બાદ અહીં રામફલ જી ને મળવું આનંદીત કરી ગયું.

વેલકમ ડ્રીંક અને ચાય-નાસ્તો પત્યા બાદ અમે સૌ કેમ્પસાઇટ ની ઉપર તરફની ગ્રીન-ચોપાટીમા ફરવા ગયા.અને ત્યાં વાત-વાત મા શારિરીક ક્ષમતાની વાત થી પ્લૅન્ક ચૅલેન્જ ની વાત નીકળી ત્યારે મે ચાર મિનીટ ની પ્લૅન્ક ચૅલેન્જ કરી બતાવી.થોડીવાર મા મોબાઇલ અને બ્લ્યૂ-ટુથ સ્પીકર ની સંગત ના કારણે ચોપાટી જાણે કે ડાન્સ ફ્લૉર બની ગઇ.બધા મસ્તી થી જુમ્યા.(જૂઓ વિડીયો) 

સૂરજ ડૂબ્યા પછી અંધારા ના ઓળા ઉતર્યા અને રમણિય લાગતી આ કેમ્પસાઇટ સહેજ હૉન્ટીંગ લાગવા લાગી.ફેન્સીં ગ ના ગેટ પર ત્રણ આડા થડિયા લગાવી ને કેમ્પસાઇટ ને સુરક્ષિત કરી લેવાઇ.ડિનર બાદ મોડે સુધી સૌ એ આશા,લતા,રફી અને કિશોર ના જૂના બેમિસાલ ગીતો સાંભળ્યાં અને થાક્યા ત્યારે સૌ ટેન્ટ મા જઇ ને પોઢી ગયા.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો