શનિવાર, 23 જૂન, 2018

દેવ ટિબ્બા બેઝ કેમ્પ ટ્રેક(હિ.પ્ર) ના અનુભવો (૩)

દેવ ટિબ્બા બેઝ કેમ્પ ટ્રેક(હિ.પ્ર) ના અનુભવો (૩)

બીજો દિવસ ઉગ્યો અને આગલા દિવસ ની જેમ જ સૌ સવાર થી વિવિધ ઍક્ટિવીટીમા લાગી ગયા.યુથ હૉસ્ટેલ ઍસોસિએશ ન ના નિયમાનુસાર હિમાલય ના કોઇપણ નેશનલ ટ્રેક માટે રિપોર્ટીંગ ડે ને બાદ કરતા અન્ય બે દિવસનું ફરજિયાત રોકાણ બેઝકેમ્પ મા કરાવવામા આવે છેઅને આ રીતે અને ઍક્લીમેટાઇઝેશન મુદ્દે ધ્યાન અપાય છે જેથી કોઇપણ પાર્ટિસિપેન્ટ ને હાયરકેમ્પ તરફ જતા કોઇ જ પ્રકાર ની શારિરીક અગવડ ના વેઠવી પડે.આ રીતે કટરૈન બેઝકેમ્પ મા અમારો આ ત્રીજો દિવસ હતો.

સવારે ચાય-નાસ્તા દરમિયાન શ્રુતિ દ્વારા જાણવા મળ્યું કે તેમના ટેન્ટ મા DT-19 ની છ યુવતિઓ ઉપરાંત અન્ય એક યુવતિ ને ગઇકાલે સાંજે ઍકોમૉડેટ કરવામા આવી છે કે જે ચાર દિવસ અગાઉની બેચ નો ડ્રોપ કેસ છે.તે યુવતિ ભારેખમ કાયા અને ૧૧૦ કિલો વજન ની હતી જે બે હાયર કેમ્પ વટાવી ને ત્રીજા દિવસની ખડી ચઢાઇ ના દિવસે હિંમત હારી ગઇ અને ટોટલ ઍક્ઝૉસ્ટ અવસ્થા મા બે ગાઇડ તેને અને તેના રક્સેક ને પીઠ પર લાદી ને મહામહેનતે બેઝકેમ્પ પરત લાવ્યા છે.શ્રુતિ ના કહેવા મુજબ તે યુવતિના પરત આવ્યા બાદ તેની વાતો થી ટેન્ટ મા એક માયુસી અને નેગેટિવ વાઇબ્રેશન્સ આવી ગયા છે તેથી તે પોતે આજ ની ઍક્લીટાઇઝેશન વૉક માટે વધુ પડતી સિન્સીયર હતી.

આજ ની બીજા દિવસ ની પહાડી વૉક માટે અમારે સૌએ પોતાના રક્સેક મા ઓછા મા ઓછા બે વુલન કંબલ અને પાણી ની બૉટલ(૧ લિટર) જેટલું વજન તો કૅરી કરવાનું જ હતું.પોતાની યૉગ્યતા અને ઇચ્છાનુસાર વધુ વજન લઇ શકાય.આજ નો પહાડ ઉંચો હતો,ચઢાઇ વિકટ હતી.દરેક ની પીઠ પર ગઇકાલ કરતા વજન વધું હતું,પણ ફરક એ વાત નો હતો કે હવે સૌ પાર્ટિસિપેન્ટ એકબીજા ની સાથે હળી-મળી ચૂક્યા હતા.અંતરંગ બની ચૂક્યા હતા.પહાડો મા નવી દોસ્તીઓ પનપી રહી હતી.નવી ઓળખાણો અંકુરિત થઇ રહી હતી.અમદાવાદ ની પાંચ ફિજીયોથેરાપિસ્ટ પટેલ છોકરીઓ અને તેમના ત્રણ પટેલ યુવકમિત્રોવાળુ ગ્રુપ પોતાના મોબાઇલ અને બ્લ્યૂટુથ સ્પીકર ની સંગત મા એક-એક થી ચઢિયાતા પગ થિરકતા સોંગ વગાડી રહ્યું હતું.એમાય હદ તો ત્યારે થઇ કે પહાડ પરની ચઢાઇ ઑલમોસ્ટ પૂરી થઇ અને ફ્લેટ ટેરેઇન પર થાક ખાવા નો સમય આવ્યો ત્યારે જ બ્લ્યૂ-ટૂથ સ્પીકર માંથી ચાર બંગડીવાળા ઔડી ના ગીત સાથે કિંજલબેન ટહૂક્યા અને વાતાવરણ ચીચીયારીઓ થી ચાર્જ થઇ ગયું.કેમ કે બધા નોન-ગુજરાતીઓ પણ આ ગીત ના પ્રભાવ મા તો હતા જ ! અને મે જિંદગી મા પહેલીવાર ખભે રક્સેક સાથે ટ્રેકર્સો ને ગરબા ગાતા જોયા.ધન્ય ઘડી,ધન્ય ગુજરાત,ધન્ય કિંજલ દવે !

પછી તો બાકી ની ચઢાઇ દરમિયાન પણ અન્ય લોકો ની ફરમાઇશ થી આ ગીત બે-એક વાર રિપીટ થયું અને લોકો એ ગીત ના કેફ મા સારી એવી ઉંચાઇ પર પહોંચી ગયા.(જૂઓ વિડીયો(૧) !વિડીયો માં લાલ ટી-શર્ટ મા સૌ પ્રથમ શ્રુતિ,ત્યારબાદ ત્રીજા નંબરે ગળા મા સ્કાર્ફ સાથે ચશ્મા ચઢાવેલો હિમાંશું અને ચોથા નંબરે બ્લ્યૂ ટ્રેકશૂટ મા હું પોતે !)

નીચે ઉતરતા જોયું કે ગઇકાલ ની જ જગ્યા એ બે લેમર્જીયર્સ(દાઢીવાળા ગીધ)હવા મા સરસ રીતે સૉરીંગ કરી રહ્યા હતા.હું પોતે કોલેજ લાઇફ મા N.C.C. AIRWING નો કૅડેટ રહી ચૂક્યો છું અને ગ્લાઇડીંગ/ઍરોમોડેલિંગ કરી ચૂક્યો હોવાથી ખ્યાલ આવી ગયો કે પહાડોના અમુક ઉજ્જડ કે ઓછી વનસ્પતિ ધરાવતા ઢોળાવો કે સપાટ મેદાનો પરથી ગરમ થતી હવા ના થર્મલ આકાશમા ઉંચે ચઢે છે અને સમડી-ગીધ જેવા સતત ચકરાવા મારતા પક્ષીઓ આવા ગરમ હવા ના થર્મલ ને પામી ને એના દ્વારા લિફ્ટ મેળવીને આસાન ઉડ્ડયન કરતા રહે છે.આ ગીધ ને પણ અહીં આસપાસ સારું થર્મલ મળી રહેતું હશે.

આજે સાંજ ના કેમ્પ ફાયર મા અમારી બેચ નો રાઉન્ડ હતો.બપોરે લંચ પછી અમે સૌ તેની તૈયારી મા પડ્યા.ગુરુ,કૌસ્તુભ અને હિમાંશું એક પંજાબી ગીત પર ડાન્સ કરવાના હતા તો પ્રગતિ,હિના,વૈશાલી અને શ્રુતિ “દિલ ધડકને દો” ના ગીત પર ડાન્સ પરફોર્મ કરવાના હતા.પ્રેક્ટિસ વખતે જ શ્રુતિ ના ઘૂંટણ મા દર્દ થવા લાગ્યું.આજ ના પહાડ ના વૉક દરમિયાન તેને દૂખ્યું જ હતું પણ તેણે ઇગ્નૉર કર્યું.અને હવે ડાન્સ પ્રેક્ટિસ મા તે દર્દ વધુ પ્રબળ થવા લાગ્યું.ફિજીયોથેરાપિસ્ટ ગર્લ્સ પ્રગતિ અને નેહા એ શ્રુતિ ને ઘૂંટણ મા આંગળીઓ થી હલકો મસાજ આપી ને રેલી સ્પ્રે લગાવી ને બેન્ડેજ લગાવી દીધો.મે પણ શ્રુતિ ને આજે ડાન્સ પરફોર્મ નહીં કરવા સૂચના આપી.

રાત્રે ડિનર પછી ઍક્ટિવીટી એરિયા બધી જ હયાત ત્રણ-ચાર બેચ ના જ ટ્રેકર્સ થી ભરાઇ ગયો.વન બાય વન પરફોર્મન્સ થતા રહ્યા.જોર મા આવી ને,મારી સૂચના ને અવગણીને પણ શ્રુતિએ ધમાકાભેર ડાન્સ પરફોર્મન્સ આપી જ દીધું.પણ મને ચિંતા પેઠી કે હિમાંશુ અને શ્રુતિ એ બન્ને મારા જ સહારે ટ્રેકીંગ મા આવ્યા છે.બન્ને માંથી કોઇને કાંઇ પણ થાય તો નૈતિક રીતે મારે પણ ટ્રેક અધૂરો મૂકીને તેમને સાથ આપવો પડે.સિનીયર ટ્રેકર તરીકે મારી ચિંતા જાયઝ હતી તો નવા-ઉત્સાહી ટ્રેકર તરીકે શ્રુતિ નું વલણ પણ વ્યાજબી હતું.આવનારા દિવસોની શક્યત: કઠિનાઇઓ બાબતે હું મનોમન મજબૂત થવા લાગ્યો હતો.કેમ્પ- ફાયર મા છેવટે ગરબા શરૂ થયા અને ઑલમોસ્ટ બધા જ ટ્રેકર્સ ગરબા ના તાલે સારું એવું ઝુમ્યા.કાન્તા ઓ બૂન કાન્તા થી માંડી ને ટોડલે બેઠો મોર અને ચાર બંગડી ના ગીતો લોકો ને નચાવી ગયા.(જૂઓ વિડીયો(૨) !)અને છેલ્લે “સૈરાટ” ફિલ્મ ના ઝિંગાટ ગીતે તો લોકો ને ઇલેક્ટ્રીફાઇંગ કરી નાંખ્યા.લોકો પાગલ ની જેમ નાચ્યા.મન મૂકી ને,ભાન ભૂલી ને નાચવું શું કહેવાય એ ત્યાં તાદ્રશ થયું.

કેમ્પ ફાયર પત્યા ને અર્ધોકલાક બાદ એ જ એક્ટિવીટી એરિયા મા હું,શ્રુતિ અને હિમાંશું ઉભા હતા,ચારેબાજુ સન્નાટો છવાઇ ગયો હતો,રાત ઘેરી બની રહી હતી અને ઠંડી ની ચમક ક્રમશઃ વધી રહી હતી.છેલ્લી–છેલ્લી મારી સૂચનાઓ તે બન્ને ને આપી.શ્રુતિને તેના ઘૂંટણ માટે વધુ કાળજી લેવાની સ્પષ્ટ હિદાયત આપી.તે મારી નારાજગી પારખી ગઇ હતી,તેને ગુડ નાઇટ કહીને હું અને હિમાંશું અમારા ટેન્ટ તરફ ફર્યા.અર્ધા જ કલ્લાક પહેલા ઉત્સાહ થી થનગનતો એરિયા અત્યારે આછેરા ચંદ્રપ્રકાશ ના અજવાળે ઝાડવાઓ ની ચિત્ર-વિચિત્ર પરછાંઇઓમા સૂમસામ અને ડરામણો ભાસી રહ્યો હતો.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો