શનિવાર, 23 જૂન, 2018

દેવ ટિબ્બા બેઝ કેમ્પ ટ્રેક(હિ.પ્ર) ના અનુભવો (૫)

દેવ ટિબ્બા બેઝ કેમ્પ ટ્રેક(હિ.પ્ર) ના અનુભવો (૫)

બીજા દિવસ ની ખૂશનુમા સવાર પડી.આકાશ સ્વચ્છ હતું.દેવદાર ની ઝીણી ડાળખીઓમાં થી સૂર્યપ્રકાશ રેલાઇ ને ટેન્ટ્સ પર આવે તે સમયે અમારે આ રમણિય તિલગન કેમ્પસાઇટ છોડવાનો સમય આવી ગયો.આઠ વાગતા સુધી માં સૌ એ બ્રેકફાસ્ટ પતાવીને પેકલંચ પણ ભરી લીધું.બેચ આખી લાઇનબંધ ફૉલ-ઇન થઇ ગઇ.પાર્ટિસિપન્ટ્સનું કાઉન્ટીંગ થઇ ગયું.અમારું ગઇકાલ નું ડિનર અહીંના કીચન સ્ટાફે ખૂબ ટેસ્ટી બનાવ્યું હતું અને આજનો બ્રેકફાસ્ટ પણ એટલો જ સરસ બન્યો કે મેં સૌ કીચન સ્ટાફ નો આભાર માન્યો.અમે સૌએ પ્રસ્થાન કર્યું અને કેમ્પલીડર રામફલજી મારી સામે આવ્યા અને હેત થી ભેટી પડ્યા.ફોન પર સંપર્ક મા રહેવાની ખાતરી અપાઇ અને રામફલજી અને તિલગન કેમ્પસાઇટ ને છોડી ને અમે સૌએ હાયર કેમ્પ તરફ ચઢાઇ શરુ કરી.

આ લેખમાળા મા દરેક હપ્તા મા હું આપ સૌ ને ટ્રેકીંગ/માઉન્ટેનીયરીંગ ના નવા શબ્દો ની જાણકારી આપતો રહું છું યા તો પહાડો ની તાસીર અને તેના બાબતે ધ્યાન રાખવા જેવી બાબતો થી અવગત કરાવતો રહું છું.પહાડો પર ના “Do’s & Don’ts“ થી વાકેફ કરાવીને પહાડો પ્રત્યે પૂરા સન્માન ની ભાવના કેળવાય તે બાબતે પ્રયત્નશીલ હોઉં છું.આજે મારે આ બધા થી હટ કે વાત કરવી છે.બે દાયકાથી વધુ પહાડો પર ભ્રમણ કરી ને મે પહાડો પાસેથી જે ખૂશી મેળવી છે અને પ્રકૃતિ પાસે જે નિજાનંદ મેળવ્યો છે તો મારી પણ ફરજ બને છે કે હું મારા તરફ થી કાંઇક નાનો સરખોય પ્રતિભાવ આપું.એટલા માટે હું મારા દરેક ટ્રેક મા કે પહાડો પરની મારી દરેક વિઝીટ દરમિયાન હું વિવિધ બિયારણ લઇ જતો હોઉં છું.આ ટ્રેક મા પણ હું લગભગ એકાદ કિલો બીજ-બિયારણ લેતો આવ્યો હતો.આખા વરસ દરમિયાન ઘરવપરાશ મા આવતા તમામ ફળો જેવા કે તરબૂચ,સીતાફળ,ટેટી,લીંબુ,ચીકુ,જાંબુ વગેરે ના બીયા ફેંકી ના દેતા હું તેને સૂકવી ને સંઘરું છું.આ ટ્રેક દરમિયાન પણ મારા જેકેટ મા અને કાર્ગો પેન્ટ ના ખીસા મા હું તે બીયા ભરી ને ચાલતો.અને પહાડો માં જ્યાં પણ ફાટ,તિરાડ,ભીની-આદ્ર જગ્યા દેખાય ત્યાં હું બે-ચાર બીજ વેરતો રહ્યો છું.આ રીતે પહાડો પર બીજ ના ફેલાવાથી પર્યાવરણીય વિવિધતા મા ફાળો આપું છું.

સવારે અમે નીકળ્યા ત્યાર થી અમારો રૂટ એકદમ મનમોહક વનરાજીઓની વચ્ચેથી પસાર થતો રહ્યો છે.ચોગરદમ ઉંચા દેવદારોની ઘટાટોપ કૅનોપી થી છવાયેલા રૂટ પર અમે ચાલી રહ્યા છીએ.(ફોટો નં-૧).ક્લાઇમ્બીંગ બહુ જ મોડરેટ છે તેથી કોઇને ખાસ શારિરીક શ્રમ નથી પડી રહ્યો.વચ્ચે-વચ્ચે આખી ખીણ દેખાતી હોય અને ખીણ મા વસેલા ગામો દેખાતા હોય,તેના બેકસ્ટેજ મા બર્ફ મઢ્યા ઉત્તુંગ શિખરો દેખાતા હોય તેવા મનોરમ નજાર આવતા ગયા.આખી બેચ બેસી શકે તેવી સરસ જગ્યા આવે એટલે અમારા ગાઇડ પણ ઑફીશીયલ બ્રેક જાહેર કરીને બધાને સુંદર દ્રશ્ય નો લ્હાવો લેવા દે.અમારા બન્ને ગાઇડ પણ ૨૦ થી ૨૫ વર્ષ ના તરવરાટભર્યા હિમાચલી યુવાનો હતા.બન્ને માં થી એક તો જાણે “હિમાચલી હન્ક” નું બિરુદ આપવું પડે તેટલો સ્માર્ટ,ચુસ્ત શરીરવાળો અને દેખાવડો હતો.(ફોટો ન-૨ મા જમણી સાઇડે છેલ્લે ટોપી અને કાળા ચશ્મા પહેરી ને ઉભો છે તે અમારો ગાઇડ)

ખૂલ્લા લીલાછમ્મ ઢોળાવવાળા મેદાનોની ધારે ધારે અમારી બેચ ચાલતી જતી હતી અને ડાબી તરફ સોએક મિટર દૂર અન્ય કોઇ ટ્રેકીંગ સંસ્થાની કેમ્પસાઇટ દેખાઇ રહી હતી.ત્યાંના સામાન શિફ્ટ કરવા માટેના ઘોડાઓ સાથે સ્થાનિક મજૂરો પણ દેખાઇ રહ્યા હતા તેવામા અમારી પાછળ થી વીસેક ઘોડાઓનું બેકાબૂ ટોળું ધમપછાડ રીતે દોડતું અમારી બાજુંમાં થી હણહણાટી સાથે દોડતું નીકળ્યું અને અમે સૌ હબક ખાઇને એક તરફ થઇ ગયા.બે ઘડી તો જાણે આતંક છવાઇ ગયો.ઘોડાઓ તેની પૂરી તાકાત થી દોડતા હતા.તેમના સુગઠીત સ્નાયુબધ્ધ શરીર ની અંગભંગિમાઓ પોસ્ટર દ્રશ્યો ની અને એમ.એફ.હૂસેન ની યાદ અપાવી ગઇ.નસીબજોગે અમે સૌ તેમનાથી ઉપલી કેડી પર સલામત અંતરે હતા.(ફોટો નં-૩)
હવે અમારા ટ્રેકર્સ નો જાણે હનીમૂન કાળ સમાપ્ત થતો હોય તેમ નાની-મોટી ચટ્ટાનો સભર રસ્તો શરૂ થયો.વેર-વિખેર પડેલી શિલાઓને આમ-તેમ ઓળંગીને જવા મા લોકો હાંફવા માંડ્યા.માઉન્ટેનિયરીંગ ની ભાષા મા આ મૉરેન પેચ(Morrain Patch) હતો. નાના-મોટા પત્થરો, શિલાઓનો કાટમાળ અને બૉલ્ડર્સ ને લાર્જ સ્કેલ મા મૉરેન કહેવાય છે.અને આવા પથરિલા પટ્ટા ને મૉરેન પેચ/સ્ટ્રેચ કહે છે.(ફોટો નં-૪)

આખરે મેદાન આવ્યું અને ગ્રીન મેદાન ની ટોચે રહેલા વૃક્ષ નીચે અમારો લંચ પોઇન્ટ હતો.જમ્યા બાદ એ જ વૃક્ષ ના થડિયા ને અઢેલી ને અમે લોકો એ બે-ઘડી વામકુક્ષી કરી લીધી.બપોરા કર્યા બાદ ફરી એકાદ-દોઢ કલાક ની ઉંચી-નીચી ચઢાઇઓ બાદ અમને અમારી સરોટુ કેમ્પસાઇટ દેખાઇ ગઇ.સરોટુ કેમ્પસાઇટ હવે નજરો ની રેન્જ મા જ હોવાથી અમે સૌ આશ્વસ્ત હતા અને અમે સૌએ રૉક પર ચઢીને ફોટોગ્રાફી શરૂ કરી.લાયન કીંગ ફિલ્મ ની યાદ અપાવે તેવા પ્રાઇડ રૉક પર ચઢીને મેં,શ્રુતિએ અને પ્રગતિએ વિવિધ પૉઝ આપીને ઢગલો ફોટોગ્રાફી કરી.આખી બેચ કેમ્પ ના ટેન્ટ માં પહોંચી ચૂકી હતી અને અમારા ત્રણ ની ફોટોગ્રાફી નો પાર નહોતો આવતો.કેમ્પ નજીક ની એક શિલાના ટોચે બેઠેલો ગાઇડ દર દસેક મિનીટે હળવી સાંકેતિક સિટી મારી ને અમને હવે ટેન્ટ મા આવી જવા સૂચના આપી રહ્યો હતો.પણ જ્યારે આટલું સરસ વાતાવરણ,આટલું સુંદર લૉકેશન અને આટલી નજીક કેમ્પસાઇટ હોવાના કારણે અમને હવે ખાસ કોઇ ચિંતા નહોતી અને અમે લગભગ પિસ્તાલીસ મિનીટ સુધી ફોટોગ્રાફી કરી અને પછી કેમ્પ સાઇટે પહોંચ્યા.ગાઇડ બેઠો હતો તે શિલા ક્રોસ કરી અને અમને સરસ ગ્રીન મેદાન મા ટેન્ટ બિછાવેલી અમારી સરોટુ કેમ્પસાઇટ ના દર્શન થયા.ખૂબ મોટું મેદાન હતું અને પવન જોરદાર વહી રહ્યો હતો.

સરોટુ કેમ્પ લીડરે અમને સૌને સ્પષ્ટ સૂચના આપી કે ટોઇલેટ ટેન્ટ માટે ના ડબ્બા-બોટલ્સ ખૂલ્લા મા ના મૂકતા ટેન્ટમા જ રાખશો જેથી આટલા પવનમા ઉડી ના જાય.સૂરજ ડૂબ્યો અને પવનનું જોર અચાનક વધી ગયું.ઠંડી પણ અચાનક વધી ગઇ.રાત્રે સૂતા પહેલા સિંગલ વિઝીટ માટે દૂર ટોઇલેટ ટેન્ટ તરફ ગયો.ટેન્ટ માં થી બહાર આવ્યો ત્યારે પવન ના બેહદ વધી ગયેલા જોર મા ફફડાતા અને હચમચતા ટેન્ટ અને દૂર અંધારી ખીણ મા વસેલા કોઇક ગામમાં થી ભસતા બેઝ અવાજવાળા કૂતરાઓનો આછેરો અવાજ,મેદાન મા રાત્રે પણ ચરી રહેલી ગાયોની સસ્તી ઘંટડીઓ નો બોદો સૂર અને આંખો ભરી દેતા પહાડોના કાળા ધબ્બ ઓળા મને જાણે વિસ્ફારિત કરી ગયા.આ એક અલગ જ દૂનિયા છે.ચહેરામાં થી નમી શોષી લેતા કાતિલ પવનોની લપડાકો વચ્ચે પણ હું સ્તબ્ધ બનીને આ અંધારી દુનિયા ને માણી રહ્યો.




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો