શુક્રવાર, 29 જૂન, 2018

ગિરનાર આરોહણ પછી ના વિચારો.


ટ્રેકીંગ અને માઉન્ટેનિયરીંગ ના મારા અન્ય અનુભવ ની સાપેક્ષે ગિરનાર પર્વત નું મારું આરોહણ જગ્યા,પ્રભાવ અને વાઇબ્રેશન્સ ની બાબતે કેવું રહે છે એવો સવાલ મિત્ર ભવેનભાઇ એ તાજેતર મા કર્યો એ અનુસંધાને હું આ વિગત જણાવી રહ્યો છું.
પહાડો એ અતિજાગૃત અને જીવંત ભૃપૃષ્ઠ છે.આ વિશે મે "Mountain Madness,જુઝાર લોકો ની દિવાનગી" ની મારી લેખન સિરીઝ મા બહુ જ વિગતવાર અને ઉત્કટતા થી લખ્યું છે.જો તમે સંવેદનશીલ હો તો પહાડો ના ઉર્જાસભર તરંગો જરૂર પામી શકો.
મારી દસ વરસ ની ટ્રેકીંગ અને માઉન્ટેનીયરીંગ ની પાગલ સફર મા જમ્મુ-કાશ્મીર થી નોર્થ- ઇસ્ટ મા દાર્જીલિંગ સુધી ની ધ ગ્રેટ હિમાલયન રેન્જ ખુંદી નાંખી છે અને દેશ ના અન્ય ખૂણે-ખૂણે પણ પહાડી રખડપટ્ટી કરી ચુક્યો છું.ટેકનીકલ ભાષા મા જોઇએ તો પીરપાંજાલ રેન્જ,ધૌલાધાર રેન્જ,શિવાલીક રેન્જ,ગઢવાલ હિમાલયા,લદ્દાખ રેન્જ,વેસ્ટર્ન ઘાટ્સ,અરાવલી રેન્જ,વિંધ્ય રેન્જ,સતપૂડા રેન્જ,સહ્યાદ્રી રેન્જ ના પહાડો પર અલગારી રખડપટ્ટી અને માઉન્ટેનિયરીંગ કરી ચુક્યો છું.
પહાડો તમને બોલાવે તો જ તમે ત્યાં જઇ શકો છો.તેની મરજી વિરુદ્ધ કાંઇ થઇ શકતું નથી.બે વરસ પહેલા લદ્દાખ મા સ્ટૉક કાંગરી પીક ના મારા ઍક્સ્પીડીશન મા હું હોઠે આવી ગયેલો પ્યાલો પીધા વિના પાછો આવ્યો છું.આ કરારી નિષ્ફળતા પચાવવાનું પહાડો એ જ શીખવ્યું છે અને કંઇક અંશે ઉદ્દંડ,બેફીકરાના અને કલંદરી મિજાજ થી જીવવાનું પણ એણે જ શીખવ્યું છે.
મને જાણીતા સ્થળો કરતા અજાણ્યા શિખરો આકર્ષે છે.અને હું ફક્ત અને ફક્ત કુદરત ને જ ધ્યાન મા રાખી ને રખડું છું.ધાર્મિક ટોળાબાજી,જય-જયકાર અને બાધા-આખડી-ચુંદડીવાળા પહાડો પર જવાનું હું સદંતર ટાળું છું.અને બસ ફક્ત એ જ કારણસર મે કદી અમરનાથ કે વૈષ્ણોદેવી જવાનું નથી વિચાર્યુ.અને આ જ કારણસર ગુજરાત મા પણ હું અંબાજી,પાવાગઢ,ચોટિલા ખાસ નથી જતો.ઠેઠ ૨૦૧૪ સુધી ગિરનાર પણ આ જ કારણસર રહી જતો હતો કે પછી શાયદ ઉનકી તરફ સે બુલાવા હી નહી આયા હોગા !
આટલી લાંબી પ્રસ્તાવના પછી હવે મૂળ વાત....
એક તબક્કે મને લાગ્યું પણ ખરું કે દેશ ના આટલા પહાડો ચઢેલો માણસ ગિરનાર બાબત મા રહી જાય તે ના ચાલે તેથી હજુ ગયા જ વર્ષે જિંદગી મા સૌપ્રથમવાર ગિરનાર આરોહણ કર્યું.અને મારા નિયમ પર ગિરનાર ની જીત થઇ.અને શક્ય ત્યા સુધી એક ની એક જગ્યાએ હું ફરી વાર જવાનું ટાળું છું,કેમ કે દુનિયા મા સાલ્લુ કેટલુ બધું જોવાનું હજું બાકી છે.તેમ છતા ગયા વરસે જઇ આવ્યો હોવા છતા હું ફરી થી ગિરનાર સહકુટુંબ જતો આવ્યો એટલું જ નહીં આ વરસે મહાશિવરાત્રી પ્રસંગે સંત-સમુદાય ની કરીબ થી ફોટોગ્રાફી કરવાની મંછા હું યોગીભાઇ પઢીયાર ને જણાવતો આવ્યો છું.એકવાર હિમાલય જઇ આવેલા ને દર વરસે હિમાલય બોલવતો જ રહે છે એ વાત ગિરનાર માટે પણ સાચી હોવાનું હું અનુભવી રહ્યો છું.ગિરનાર તમને થકવાડી દે છે જરૂર પણ તમારી હિંમત નથી તોડી નાંખતો.નાની અમથી આસ્થા ના ટીમટીમાતા અજવાસ ને આધારે તમે દેરાસર,પછી અંબાજી,પછી ગોરખનાથ પછી કમંડળ કુંડ અને છેલ્લે ગુરુદત્તાત્રેય ના પાવન ચરણો સુધી પહોંચી જ જાઓ છો.ગિરનાર તમારી આંતર-ચેતના ને પ્રજ્વલિત રાખતો રહે છે.અંબાજી પછી નો બન્ને તરફ ખીણ પર નો કમાલ નો ખૂબસુરત બ્રીજ અને ગોરખનાથ પછી નો ૧૦૦૦ પગથિયા નો સીધો ડાઉનફૉલ અને પછી તરત ૫૦૦ પગથિયા ની ઉચ્ચભ્રુ ચઢાઇ નો એ રોંમાંચિત કરનારો વિસ્તાર મારા પસંદીદા સ્થળો છે.
કોટિ વર્ષોથી અડિખમ ઉભેલો ગિરનાર એ તો ઉંમર મા દાદાજી છે.હિમાલય તેની સરખામણીએ પા-પા પગલી માંડતું ભટુરિયું કહેવાય.એક રીતે તો મારી યાત્રા યોગ્ય જ ગણાય કે બાળકો સાથે રમ્યા બાદ,પડતા-આખડતા,છોલાયા બાદ દાદાજી ના ખોળામા આવવાનું સદનસીબ મળ્યું.
આવા ગર્વિષ્ઠ દાદાજી ગુજરાત મા વિદ્યમાન હોવાનું મને ગૌરવ છે.ગુજરાતી હોવાનું પણ મને પારાવાર અભિમાન છે.


1 ટિપ્પણી:

  1. સાચી જ વાત છે. ગિરનાર ભૂસ્તરશાસ્ત્ર ની દ્રષ્ટિએ હિમાલય કરતાં ય જૂનો પર્વત ગણાય છે. આપણે ત્યાં લોકકથાઓ માં ય આ વાત વણી લેવાઈ છે. આ બ્લોગ આખરે શરૂ કરવા માટે દિલી અભિનંદન. :)

    જવાબ આપોકાઢી નાખો