મંગળવાર, 26 જૂન, 2018

BORASU PASS DISASTER (PART-2)

BORASU PASS DISASTER (PART-2)

તે રાતે બર્ફના તોફાન વચ્ચે ફસાયેલા સૌ ટેન્ટ મા બધા હર્ષદ સાથેની પળો યાદ કરતા રહ્યા અને ડૂસકાં ભરતા રહ્યા.તેના ટેન્ટ-મેટ પ્રશાંતે જણાવ્યું કે ટેન્ટમા છેલ્લી રાતે તે થોડોક વ્યાકુળ તો હતો જ.પાંચ વર્ષની તેની નાની બેબી સ્પૃહા નો ફોટો જોઇને તેને સતત યાદ કરતો હતો અને બધાને કહ્યું પણ ખરું કે હું તેને બહુ મિસ કરું છું,ટ્રેક ખતમ થાય કે તરત ઘેર જઇને બેટીને તેડી લેવી છે અને ખૂબ વ્હાલ કરવું છે.પરિવારની યાદ મા તે સહેજ ઢીલો પડી રહ્યો હતો,નબળો પડી રહ્યો હતો.
ઘંટીના બે પડ વચ્ચે પિસાયેલી અસહ્ય યાતનાસભર રાત આખરે પૂરી થઇ અને બોરાસુ પાસ પર બીજો દિવસ ઉગ્યો.રાતભર ચાલેલા તીવ્ર સ્નૉ-ફોલના કારણે છવાયેલા ગાઢા ધુમ્મ્સમા વિઝીબિલીટી સાવ નહીવત હતી.ચારે તરફ વ્હાઇટ-આઉટ છવાયેલો હતો.ટેન્ટથી વીસ ફૂટ આગળનું દ્રશ્ય પણ માંડ દેખાય તેટલું ગાઢ ધુમ્મ્સ જામેલું હતું.શુકર હતો કે સ્નૉફોલ બંધ થઇ ગયો હતો અને વાતાવરણમાં એક ટાઢોબોળ સન્નાટો હતો.(ફોટો-૧)
ટ્રેક લીડર કલમસિંઘ બિષ્ટ તેના લોકલ ગાઇડ રાજેશ અને અન્ય બે પોર્ટર્સ(પહાડી મજૂર)સાથે બોરાસુ પાસ પર જવા નીકળી પડ્યો.આખી રાત બર્ફનું તૂફાન ઝેલતી નધણિયાતી પડી રહેલી હર્ષદની ડેડબોડી ને વહેલી તકે આ ટેમ્પરરી ટેન્ટ-સાઇટ સુધી લઇ આવવી હતી.જયેશ અને તેના ટ્રેકર મિત્રો આ ટીમને પહાડ તરફ જતી જોઇ રહ્યા અને પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા કે કોઇ રાની પશુ હર્ષદ ની ડેડબોડી ને ક્ષત-વિક્ષત ના કરી ગયું હોય.ટેન્ટ ની સામેના પહાડની રીજ(ધાર)પર જયેશ અને તેના સાથીદારોએ I.T.B.P ની ટીમ પણ ઉભેલી જોઇ.તે ટીમ ટ્રેકર્સ લોકો તરફ મીટ માંડીને જોઇ રહી હતી.થોડીવારમા તે ટીમ પહાડની પાછલી તરફ ઉતરી ગઇ. અને એકાદ કલાક મા જયેશ અને બાકીના ટ્રેકર્સે પણ નીચેની તરફ ઉતરાણ શરૂ કર્યું.(ફોટો-૨)
S.O.S ના સંદેશા ની અસર હેઠળ દિલ્હી ના ગૃહવિભાગ થી તાત્કાલિક આદેશો છૂટ્યા.I.T.B.P ના પચાસ જવાનો ની પ્લાટૂન બોરાસુ પાસ તરફ રવાના તો થઇ પણ ગાઢ ધુમ્મસ ના કારણે તે પહાડો મા આથડી રહી હતી.
બોંગા કેમ્પસાઇટ સુધી નો ઉતરવાનો રસ્તો પણ છૂટાછવાયા પથ્થરો થી છવાયેલો (મોરેન પેચ) હતો.(ફોટો-૩).ઉખડ–ખાબડ પથરિલા ઢોળાવ ને ઉતરી ને તેઓ બોંગા કેમ્પસાઇટ થી માંડ બે-ચાર કિમી દૂર હશે ત્યાં I.T.B.P ની ટીમ તેમને સામે મળી.પ્રાથમિક પૂછપરછ કરીને સૌને નજીક મા ઉભી કરેલી રાહતછાવણી તરફ લઇ ગયા.પૂછપરછ મા I.T.B.P ને ખ્યાલ આવ્યો કે એક ટ્રેકર નું આકસ્મિક મોત થયું છે.સૌ ટ્રેકર્સ અને પોર્ટર્સ ને ત્યાં ચાય-નાસ્તો સર્વ થયો પણ સાથે એ આદેશ પણ થયો કે જ્યાં સુધી હર્ષદ ની બોડી અહીં સુધી નહી પહોંચે ત્યાંસુધી અમે તમને અહીંથી આગળ પ્રસ્થાન ની અનુમતિ નહીં આપીએ.હવે આખી ટ્રેકર્સ અને પોર્ટર્સ ટીમ બહુ જ સૉફિસ્ટીકેટેડ રીતે I.T.B.P ની નજરકેદ માં હતી.અને જયેશ એક માત્ર એમનો સહારો હતો.
આ બાજુ કલમસિંઘ બિષ્ટ આણિ મંડળી બોરાસુ પાસના પેલે પાર જઇને ત્રીસ ફૂટ નીચે ઉતરીને હર્ષદની બૉડી સુધી પહોંચ્યા,આખી રાત બર્ફના હેલસ્ટૉર્મમા નીચે ખૂલ્લા મા પડી રહીને થીજીને કડક થઇ ગઇ હતી.ભગવાનનો પાડ કે કોઇ જંગલી જાનવર આ તરફ ભટક્યું નહોતું અને બૉડી સલામત હતી.ચારેય જણાંએ ભેગા મળીને તેને સ્લીપીંગબેગમા મૂકી અને ચારે તરફ રોપ બાંધી ને ઝોળીનુમા સ્ટ્રક્ચર તૈયાર કર્યુ.અને રોપ,કેરેબિનર,જુમાર ની મદદ થી ઠંડીમા થીજીને કડક થઇ ગયેલી ભારેખમ કાયાને બોરાસુ પાસના ટોપ સુધી લાવતા તો ચારેય જણના મોતિયા મરી ગયા.પહાડ પર આટલો થાક તેમને કદીયે લાગ્યો નહોતો.હજુતો તે ચારેય જણને ભેગા મળીને હર્ષદ નું બોડી બે હજાર ફૂટ નીચે રાતવાસો કરેલી ટેમ્પરરી ટેન્ટસાઇટ પર લાવવાનું હતું.અથડાતા-કૂટાતા,થાકતા,હાંફતા તે ચારેય જણ આખરે બોડી સાથે સાંજના ચાર-પાંચ વાગ્યે ટેન્ટસાઇટ સુધી આવી પહોંચ્યા જે જગ્યાએથી જયેશ અને તેની બાકીની ટીમ સવારે અહીંથી નીચેની તરફ નીકળી ગઇ હતી.અને હવે વધુ નીચે તરફ બોડીને લઇ જવાની કોઇની હિંમત રહી નહોતી તેથી કલમસિંઘે એક પોર્ટરને બોડી સાથે ત્યાં જ ટેન્ટમા રાતવાસાનું કહીને બાકી ના ત્રણ જણાં નીચેની તરફ ઝડપથી ઉતરાણ કરવા લાગ્યા.ફરી એકવાર હર્ષદ ની બોડી પહાડો મા તેના સાથીદારો કરતા એક સ્ટેપ પાછળ રહી ગઇ.
આ બાજુ રાહત છાવણી પર ની I.T.B.P ટીમ ને ખ્યાલ આવી ગયો કે આજે રાત સુધીમા હર્ષદ નું બોડી નીચે આવે તેવા કોઇ જ આસાર લાગતા નથી અને આખી ટીમને અહીં રોકી રાખવાનો કોઇ જ મતલબ નથી આથી રાણીકંડા I.T.B.P કેમ્પ પરના કમાન્ડન્ટ દૌલતસિંઘના આદેશથી ટ્રક મા બધા લોકો ને ચિટકુલ તરફ ના રસ્તે રાણીકંડા શિફ્ટ કર્યા.અહીં બધા ટ્રેકર્સ ને સ્વચ્છ સુઘડ રૂમ,ગરમ પાણી, ચા-નાસ્તો અને કૉઝી-કમ્ફર્ટેબલ એટમોસ્ફીયરનો દિવસો પછી એહસાસ થયો.અહીં બધા ટ્રેકર્સની વિગતવાર પૂછપરછ,દરેકનું લેખિત બયાન,હર્ષદના મોત પરની એફ.આઇ.આર માટેની કાર્યવાહી પર સહિયારા દ્સ્તખત,મિડીયાકર્મીઓ સાથે વાર્તાલાપ અને બાઇટીંગનો ઘટનાક્રમ થકવી દેનારો રહ્યો.મોડી રાતે કલમસિંઘ પણ તેના સાથીદારો સાથે રાણીકંડા સુધી આવી પહોંચ્યો.
બીજા દિવસે જેમને ફ્લાઇટના શિડ્યૂલ્સ હતા તેઓ ભારે હૈયે છૂટા પડ્યા.ફક્ત જયેશ,પ્રસાદ અને કલમસિંઘ આગળની કાર્યવાહી માટે રોકાયા.જે રસ્તે ગઇકાલે સાંજે પહાડો પરથી ટ્રક મા આવ્યા હતા તે જ રસ્તે આજે ફરીથી જયેશ,પ્રસાદ,કલમસિંઘ I.T.B.P ની જીપ માં પહાડો કી ઓર જઇ રહ્યા હતા.કમાન્ડન્ટ દૌલતસિંઘ ખૂદ જીપ ડ્રાઇવ કરી રહ્યા હતા.પાછળ સરકારી ઍમ્બ્યુલન્સ અને તેની પાછળ ટ્રક ભરીને જવાનો આવી રહ્યા હતા.રાહતછાવણી પાસે પહોંચી ને જીપવાળા અને એમ્બ્યુલન્સ નો સ્ટાફ રોકાયા.કલમસિંઘ સૌ જવાનો સાથે પહાડ પર હર્ષદની બોડી લેવા રવાના થયો.એકાદ દોઢ કલાક ના સમય મા દૌલતસિંઘ ના કહેવાથી I.T.B.P ને ક્રેડીટ આપતા હોય તે રીતે જયેશ ના મોઢે બોલાતા બાઇટ નો મોબાઇલ થી વિડીયો ઉતારવામા આવ્યો.(જે પછી I.T.B.P દ્વારા મિડીયાને આપવામા આવ્યો…જૂઓ તે વિડીયો).દોઢ-બે કલાક બાદ I.T.B.P ના ચાર જવાનો દ્વારા ખભે ઉંચકાઇને હર્ષદ ની બોડી એમ્બ્યુલન્સ સુધી લવાઇ.અને પછી બધો કારવાં રાણીકંડા પહોંચ્યો.દૌલતસિંઘ અને જવાનો અહીં છૂટા પડ્યા અને એમ્બ્યુલન્સ મા એક જવાન,જયેશ,પ્રસાદ,કલમસિંઘ બૉડી સાથે સાંગલા તરફ રવાના થયા.સાંગલાની સરકારી હૉસ્પીટલ નાની હતી અને અહીં પૉસ્ટમોર્ટમ કરી શકાય તેવી કોઇજ સુવિધા નહોતી તેથી હિમાચલ પ્રદેશના અન્ય બે પુલીસકર્મી ને સાથે લઇને એમ્બ્યુલન્સ સીધી શિમલા તરફ દોડી.જો સાંજે પાંચ વાગ્યા સુધી શિમલા પહોંચાય તો જ આજે બૉડીનું પોસ્ટમોર્ટમ થઇ શકે તેમ હતું,પણ કમનસીબે એમ્બ્યુલન્સ સાંજે પોણા સાતે પહોંચી.અહીં હર્ષદના જીજાજી અને મામા આવી પહોંચ્યા હતાં.તેમણે પુલીસ સમક્ષ હર્ષદને ઓળખી બતાવ્યો.પુલીસ અને મેડીકલ કાર્યવાહી મા તેમના દસ્તખત લઇને બૉડીને આજની રાત માટે મોર્ગ મા મૂકી દેવાઇ.હર્ષદ ની બોડી મૃત્યુ પછી આજે ત્રીજી રાત્રે પણ રઝળી રહી હતી.
બીજા દિવસે ફોર્મેલીન ની અછત ને લઇને તેનો જુગાડ કરવામા છેક બારેક વાગ્યે પોસ્ટમોર્ટમ થયું અને પોસ્ટમોર્ટમના રિપોર્ટમા મોતનું કારણ લખાયું “High Altitude Pulmonary Edema (H.A.P.E). ફેફસામા પાણી ભરાઇ જવાથી શ્વાસમા પડેલી મુશ્કેલી અને છેવટે ઑક્સિજનના અભાવે મૃત્યુ.”(પહાડો મા H.A.P.E અને H.A.C.E થી થતા મૃત્યુ દર્દનાક હોય છે તેની છણાવટ ફરી ક્યારેક).
પોસ્ટમોર્ટમ રિપોર્ટ,ડેથ સર્ટિફીકેટ,I.T.B.P રિપોર્ટ,પુલિસ રિપોર્ટ વગેરે જરૂરી તમામ દસ્તાવેજો સાથે પોસ્ટમોર્ટમ કરેલી અને ડિકોમ્પોઝ ના થાય તેના માટે ઇન્જેક્શન્સ મારેલી હર્ષદની બૉડી કોફીનમા પેક કરાવીને મારતી એમ્બ્યુલન્સે દિલ્હી પહોંચ્યા ત્યારે કોફીનને કાર્ગો મા રવાના કરવાનો સમય વિતી ગયો હતો.એરઇન્ડિયાએ સવિનય ના પાડી.હર્ષદની બોડીને હજુ ઘણી કઠણાઇનો સામનો કરવાનો જાણે કે બાકી હતો.એક કલાક પછીની ઇન્ડિગોની ટિકીટ બુક કરાવી ને મામા ને નેક્સ્ટ ફ્લાઇટ મા કાર્ગો ચઢાવી ને આવવાની ગોઠવણ કરીને જીજાજી,પ્રસાદ અને જયેશ એર ઇન્ડિયા મા બેઠા અને બધા આખરે મુંબઇ પહોંચ્યા અને તે જ દિવસે હર્ષદના દેહ ને મુખાગ્નિ અપાયો.તેના અંતિમ સંસ્કાર વખતે આખુ બદલાપુર ભેગું થયું હતું.
હર્ષદ આપ્ટે બત્રીસ વર્ષનો નવલોહીયો બિઝનેસમેન હતો.તેના કેમિકલ બિઝનેસ મા પચાસ થી સાઠ ઘરનું ગૂજરાન ચાલતું હતું.મા-બાપનો એક નો એક દિકરો હતો અને તે પોતાની પાછળ બૂઢા મા-બાપ,પત્ની અને પાંચ વર્ષની નાની દિકરી સ્પૃહાને વિલાપ કરતા મૂકીને ચાલ્યો ગયો.પચાસ–સાઠ ફેમિલીનો તારણહાર ગયો.( ફોટોઃ ૪.જેમા હર્ષદ આપ્ટે બ્લ્યૂ કેપ પહેરીને સ્નૉ પર બેઠો છે અને કેડબરી ચોકલેટ ખાઇ રહ્યો છે.હર્ષદની આ છેલ્લી તસવીર).
સમય મળે તો આખા ઘટનાક્રમ મા જયેશ લિમયે એ દોસ્ત માટે કરેલા અથાક પ્રયત્નો બાબતે પણ વિચારી જોજો.પોતાની જાતને જયેશના સ્થાને મૂકીને કલ્પી જોજો કે પહાડોની તદ્દન વિષમ પરિસ્થિતીમા થયેલી દોસ્ત ની મોત બાદ શું આપ આટલી દોડધામ કરી શક્યા હોત ???
(છેલ્લી તસવીર- જયેશ લિમયે..દોસ્તી નિભાવવાનું કોઇ તેની પાસે થી શીખે ! )
તમામ તસવીર અને અહેવાલ સૌજન્ય :-  જયેશ લિમયે
મોરેન પેચ તસવીર સૌજન્ય :- કલમસિંઘ બિષ્ટ









ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો