શનિવાર, 23 જૂન, 2018

દેવ ટિબ્બા બેઝ કેમ્પ ટ્રેક(હિ.પ્ર) ના અનુભવો (૨)


દેવ ટિબ્બા બેઝ કેમ્પ ટ્રેક(હિ.પ્ર) ના અનુભવો (૨)

બીજા દિવસ ની સવારે છ વાગ્યા મા તો સૌ બેઝ્કેમ્પ મા ટ્રેક શૂટ અને સ્નીકર્સ પહેરીને ફૉલ ઇન થઇ ગયા.દેવટીબ્બા ટ્રેક ની અમારી બેચ ૧૯ તારીખ વાળી ટીમ હોવાથી DT-19 બેચ તરીકે ઓળખાશે.દરેક ટ્રેકર હાજર થયા બાદ કાઉન્ટીંગ શરૂ થયું અને અમને ખ્યાલ આવ્યો કે અમારી બેચ ૪૪ મેમ્બરો ની છે.જેમા છ મહિલા સદસ્યો છે.સૌને જોગીંગ કરાવતા નદીકાંઠા ના એક મેદાન તરફ લઇ ગયા અને ત્યાં અર્ધો કલાક વિવિધ કસરતો કરાવડાવી.શરીર ના બધા સાંધા ને કસરત મળે તે પ્રકાર ની કસરત ખાસ હેતુ થી કરાવવામા આવે છે.જેની ચર્ચા આ જ લેખ મા આગળ કરીશું.

એકાદ કલાક પછી થાકી ને નરમ ઘેંસ થઇ ને સૌ નદીકાંઠા થી બેઝકેમ્પ પરત ફર્યા,અર્ધા કલાકના સમયગાળા મા અમારે સૌ એ ચા-નાસ્તો પતાવવાનો હતો કેમ કે તેના પછી તરત પાછું બીજું શિડ્યૂલ અમારી રાહ જોઇ રહ્યું હતું.ચા,બટાકા પૌંઆ,શિર-કુરમા(સેવ નાંખેલું ગળ્યું દૂધ),બૉઇલ્ડ ઇંડા વગેરે નાસ્તો કરી ને ફરી પાછા અમે સૌ ટ્રેકર્સ નિર્ધારિત સમયે સાડા આઠે ફરી થી ફૉલ ઇન થઇ ગયા.સૌ એ ખભે નાનો બેગ-પેક અથવા સ્લીંગ બેગ ભરાવી ને પાણી ની એકાદ લિટર ની બોટલ સાથે રાખવાની હતી અને હવે અમે સૌ ઍક્લીમેટાઇઝ વૉક માટે નીકળવા ના હતા.

પહાડો પર ની ટર્મિનોલોજીનો આજ નો નવો શબ્દ “ઍક્લીમેટાઇઝેશન” (Acclimetaization) સમજીએ.
પહાડો પર ફરવા કે ટ્રેકીંગ માટે જનારા મોટાભાગ ના સૌ મેદાની ઇલાકાઓમાં થી અર્થાત લગભગ સમુદ્રતલ ના લેવલે રહેતા રહેવાસીઓ હોય છે.આવા લોકો જ્યારે પહાડો પર જાય ત્યારે તેમણે સૌ એ પહાડો પર ઉંચાઇ ના કારણે પાતળી હવા,ઑક્સીજન ની કમી,ઠંડું વાતાવરણ વગેરે તમામ બાબતો સાથે ધીમે ધીમે અનુકૂલન સાધવું પડે છે.ઠંડી આબોહવા ને કારણે તમને તરસ નથી લાગતી પણ તમારા શરીર મા ઠંડી નો સામનો કરવા અને અન્ય વિષમતાઓ થી જૂજવા શરીર નું તરલ સતત ઘટતું રહે છે તેના માટે તમારે સતત પાણી પીતા રહેવાનું હોય છે.થાક/ઠંડી ના કારણે ઘણાં લોકો કંબલ ઓઢી ને ટુંટીયું વાળીને રૂમ મા કેદ થઇ જાય છે તે પણ ગલત છે.ઠંડીથી રક્ષણ આપતા પૂરા કપડા પહેરી ને તમારે ઍક્ટીવ રહેવાનું હોય છે.હરતા–ફરતા રહેવાનું હોય છે તો જ આ વાતાવરણ મા તમે જલદી ઍડજસ્ટ થઇ શકશો.લોકો કાન મા રૂ ના પૂમડાં ભરાવી દે છે તે પણ ગલત છે.ઍક્લીમેટાઇઝેશન પ્રોસેસ દરમિયાન તમારા ખૂલ્લા કાન પહાડ પર ના અનુકૂલનની ગતિ વધારી ને તમને વધુ સ્વસ્થ રાખે છે. તેથી પહાડ પર વુલન કેપ કે સ્કાર્ફ પહેરો પણ કાન ખૂલ્લાં રાખવા હિતાવહ છે.શરીર ને ટાઢ અને ઠંડી માથા ની ટોચે થી અને પગ ના તળિયે થી લાગતી હોય છે.તે બન્ને જગ્યાઓ બેશક રક્ષિત રહેવી જોઇએ.

અમારી DT-19 બેચ બેઝકેમ્પ ના પાછળ ના રસ્તે વિવિધ ફળો–શાકભાજીની વાડીઓની વચાળે સિમેન્ટ ની પાકી પગદંડીને માર્ગે ગામ મા પથરાયેલી વાંકીચૂંકી ગલીઓ સર કરી ને પહાડ પર લગભગ ચારસો-પાંચસો ફીટ ની હાઇટ ગેઇન કરી ચૂકી છે.આંગણા મા રમતા ભૂલકાઓ હાય કહી ને અમારી સાથે ખૂશી-ખૂશી શૅકહેન્ડ કરવા આવતા.સુઘડ–સ્વચ્છ ઘરો કંપાઉન્ડ ની ધારે ઉગાડેલા મોટી સાઇઝના વિવિધ રંગ ના ઘેરા તાજા ગુલાબ થી શોભી રહ્યા છે.રંગો ની વિવિધતા અને ગુલાબની બહુતાયત એક દિલકશ રંગીનીયત ફેલાવી દે છે માહૌલ મા…પહાડ પર થી આખી વેલી ગુનગુની ધૂપ મા અગેઇન્સ્ટ લાઇટ મા દેખાઇ રહી છે.આખા રૂટ મા ત્રણ લેમર્જીયર(દાઢીવાળા ગીધ,બીઅર્ડેડ વલ્ચર) ઉડતા નજરે ચઢી રહ્યા છે.મારી અત્યાર સુધી ની લાઇફ મા તેમને આટલી નીચી હાઇટે ઉડતા કદી જોયા નથી .તેમને હંમેશા દસ-બાર હજાર ફીટ અલ્ટીટ્યૂડ પછી જ જોયા છે.આ અલભ્ય દ્રશ્ય અને ત્રણ ત્રણ સ્પેશિયલ ગીધ ને જોઇ હું રોમાંચિત થઇ ગયો. વિજય તેંડૂલકર લિખીત મરાઠી નાટક “ગિધાડે” નું શિર્ષક મારા મન મા તે ત્રણ ગીધ ની જેમ જ સૉરીંગ કરતું રહ્યું.

પહાડ પર ના રેસ્ટીંગ પોઇન્ટ પર જઇ ને ગાઇડ ના કહેવાથી અમે સૌ મેમ્બરોએ આપસ મા પોતાનું ઇન્ટ્રોડક્શન આપ્યુ,અને એક સરસ “બ્રેકીંગ ધ આઇસ” થઇ ગયું.હવે બધા એકબીજા સાથે સહજતાથી વાત કરવા લાગ્યા.ઍક્સપિરીયન્સ ની દ્રષ્ટિ એ હું સૌથી સિનીયર હોવા છતા અન્ય કોઇને ચાન્સ મળે તે હેતું થી પૂણે ની વૈશાલી ને અને કાઠગોદામ ના ગુરુ ને અનુક્રમે ગ્રુપ લીડર અને ઍન્વાયર્નમેન્ટ લીડર ઘોષીત કર્યા.આખા ગ્રુપે એક સાથે બેસીને ગ્રુપ ફોટો લીધો. DT-19 બેચ હવે ધીરેધીરે જોમવંતી બની રહી હતી.આખી બેચ ના તમામ મિત્રો ઉત્સાહી,મન-મોજિલા અને તરવરાટભર્યા હતા.સૌના મન મા આશ્વાસન હતું કે ચાલો અમારી આખી બેચ ખૂબ સરસ પાર્ટિસિપેન્ટ થી ભરેલી છે.હજુ કાલ નો એક દિવસ બેઝકેમ્પ મા છે.વધુ સામાન લઇ ને વધુ ઉંચાઇએ આવતીકાલે ઍક્લેમેટાઇઝ વૉક માં થી પસાર થવાનું છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો