શુક્રવાર, 29 જૂન, 2018

૨૯ મે , ઍવરેસ્ટ આરોહણ ની તિથી.


૨૯ મે ,
ઍવરેસ્ટ આરોહણ ની તિથી.
૧૯૫૩ મા માણસજાત ના પ્રચંડ પુરૂષાર્થ ના કારણે અજેય ઍવરેસ્ટ ને જીતી શકાયો.
દિલ ના ચાર ખાનામાં થી એક ખાનું એવરેસ્ટ ને આપી દીધુ છે વર્ષો પહેલા.
ઍવરેસ્ટ,સાગરમાથા,ચૉમોલુંગમા...આઇ લવ યુ....વર્ષો સુધી પહાડો મા ભટકી ને જાત ને ખડતલ બનાવી છે.માઉન્ટેનિયરિંગ ના અનુભવ પાછળ ઘણાં રૂપિયા નું પાણી કર્યુ છે.બેઝિક અને ઍડવાન્સ્ડ કોર્સ ના ટફ શિડ્યુલ્સ પણ પૂરા કર્યા છે. હિમાલય ના ઘણાં પહાડો મા મારો પરસેવો પડ્યો છે.ત્યાંની હવા મા આજે પણ મારો અવાજ ઘુમરાતો હશે.બધી જ પૂર્વતૈયારી સાથે સંપૂર્ણ રીતે તૈયાર હોવા છતાયે ફદીયાં માટે ગાડું અટકી પડ્યું છે.ચાર વર્ષ થી વિચરતી જાતિ અને ખાનાબદોશ ની જેમ સરકાર અને કોર્પોરેટ ઑફિસો મા ભટક્યો છું મારા વાટકા મા સ્પૉન્સરશીપ નંખાવવા માટે...જે સરકારી ખાતા માં આવી ઍક્સ્ટ્રીમ સ્પોર્ટ્સ અને હાર્ડકોર મર્દાનગી ને ટેકલ કરવાનુ કામ કરવાનું છે અને અરજી સ્વીકારવાની હોય છે ત્યાંના ઋજુ સ્વભાવ અને કવિહદય સાહેબ શાયદ આ વાત સમજી શકતા નથી,પચાવી શકતા નથી અને અવ્યવહારુ દલીલો સાથે મારી બે વખત થયેલી દળદાર અરજીનો વીંટો વળાઇ ગયો છે.અને એ સાહેબ મુશાયરાઓ મા વાહવાહી વચ્ચે "શ્યામ ને SMS બંધ કરવાની અને રૂબરૂ મા આવવાની અને મોરલી ને મોબાઇલ જેવી રાખવાની" એ જ વર્ષો જુની કવિતા ચારેકોર ગાયા કરે છે.પહાડો મા સનસનાતી હવા ના થપેડાં અને પાની ના એક એક કતરાં માટે ની કિંમત અને હાઇ અલ્ટીટ્યૂડ પલ્મોનરી ઇડીમા ની ગંભીરતા કદાચ તે નહી સમજી શકે.સાત દિવસ ના ઍક્સ્પિડીશન મા દસ કિલો નો થતો વેઇટ લૉસ તેમની સમજ ની બહાર નો વિષય છે શાયદ....રાધા અને મોરલી મા મસ્ત સાહેબો સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સુધી ઠીક છે મારા ભ'ઇ ..પણ જ્યારે ઍડવેન્ચર,ઍન્ડ્યોરન્સ અને એક્સ્ટ્રીમ સ્પોર્ટ્સ ની વાત આવે ત્યારે ધણખૂંટ અને માઉન્ટેન મિજાજી અમલદાર હોવો ઘટે.બાવીસ લાખ નો જુગાડ કરવો મારા હાથ ની વાત નથી.આ તિથી ની એક જ દિવસ અગાઉ મારો જન્મદિવસ હોવો એ પણ કદાચ કુદરતી સંકેત હોઇ શકે.
૪૬ ની ઉંમરે પણ શરીર આટલું ચુસ્ત-દૂરુસ્ત રાખવું એ ખાવા ના ખેલ નથી જ.મહાન સ્વપ્ન આ ભોગ માંગે છે અને હું એ ભોગ ધરી પણ રહ્યો છું.ટકી રહ્યો છું.
હંમેશા એવો ખ્યાલ રહ્યો છે કે આંખ મિચાઇ જાય ત્યારે પણ આટલો જ ફીટ અને તંદુરસ્ત હોઉં....જેથી જતા જતા પણ એવરેસ્ટ ને કહી શકું કે જો ગાંડા, તારા માટે હું છેલ્લી ઘડી સુધી આટલી હદે તૈયાર હતો.આખરી સમયે પણ હું મારો આ જ કલંદરી મિજાજ ઇચ્છું છું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો