શનિવાર, 23 જૂન, 2018

દેવ ટિબ્બા બેઝ કેમ્પ ટ્રેક(હિ.પ્ર) ના અનુભવો (૧)


દેવ ટિબ્બા બેઝ કેમ્પ ટ્રેક(હિ.પ્ર) ના અનુભવો (૧)

અંગ્રેજી મા એક કહેવત છે કે દરેક વ્યક્તિએ પોતાનું સામર્થ્ય અને દમખમ ચકાસવા પણ પહાડ ચઢવો જોઇએ.(One has to climb mountain to check his own caliber !)

પહાડ તમારી કાટ ખવાઇ ગયેલી રુટિન જિંદગી ને ફરીથી કુદરત સાથે સાંધી આપે છે.પહાડ એ કુદરત નું રિફ્રેશ બટન (F5) છે.અમે પણ હિમાલય ના ખોળે ટ્રેકિંગ કરવાનું આ વર્ષે નક્કી કર્યું.
અમદાવાદ થી હું અને હિમાંશું એમ બન્ને ગુજરાતી ફોટોગ્રાફર મિત્રો અને મુંબઇથી આવતી મરાઠી ફોટોગ્રાફર મિત્ર શ્રુતિ એમ ત્રણેય જણાં દિલ્હી મા એકઠા થયા અને અગાઉ થી રેડ બસ મા કરાવેલા બુકીંગ મુજબ રાત્રે નવ વાગ્યા ની દિલ્હી-મનાલી ની વૉલ્વો પકડી.

આખી રાત ની બસ મુસાફરી પછી બીજા દિવસે સવારે આઠ-સાડા આઠે કુલ્લુ અને મનાલી વચ્ચે કટરૈન નામના સ્થળે યુથ હૉસ્ટેલ ના બેઝકેમ્પ આગળ બસમા થી ઉતર્યા.મનાલી અહીંથી વીસ કિમી દૂર છે.કટરૈન પૉસ્ટ ઑફિસ ની સામેની મોટી સફરજન ની વાડી(એપલ ઑર્ચાર્ડ) મા અમારો બેઝ કેમ્પ હતો.
ટ્રેકીંગ અને માઉન્ટેનિયરીંગ ના વિષય થી અપરિચીત મિત્રો ને હું આ લેખમાળા મા વિવિધ શબ્દો અને બાબતો પ્રત્યે પણ માહિતગાર કરતો જઇશ જેથી તેઓ વધુ ને વધુ “માઉન્ટેન માણીગર” બને અને પહાડ પર પગ મૂકવા ઉત્સાહિત થાય.

આજ નો શબ્દ “બેઝ કેમ્પ“ છે.બેઝ કેમ્પ એ કોઇ પણ ટ્રેકિંગ/માઉન્ટેનિયરિંગ/ મિશન માટે નું એવું થાણું કે રોડ,રસ્તા,રેલવે થી સુચારુ રીતે પહોંચી શકાય,માલ-સામાનની હેરફેર કરી શકાય.ટ્રેકર અને માઉન્ટેનિયર ની આવતી ટુકડીઓ માટે ત્યાં એકોમોડેશન અને ભોજન ની સંપૂર્ણ વ્યવસ્થા જાળવી શકાય,ખૂટતી-કરતી ચીજવસ્તુઓ માટે નજીક મા બજાર ઉપલબ્ધ હોય.પહાડો પર વધુ ઉંચાઇએ આવેલી કેમ્પ-સાઇટો તરફ રવાના થતા પહેલાં અહીં બે-ત્રણ દિવસ વિતાવવા જરૂરી હોય છે જેથી મૈદાની ઇલાકાઓ માં થી આવતા મોટાભાગના ટ્રેકરો પહાડની આબોહવામા ઍડજસ્ટ થઇ શકે.બેઝકેમ્પ હંમેશા બે-ત્રણ અપવર્ડ બેચ અને એકાદ ડાઉનવર્ડ બેચ થી ભરપૂર ટ્રેકરો થી છલકાતો મેળો હોય છે.અહીં વીસ –પચ્ચીસ એકોમોડેશન ટેન્ટ્સ,રજિસ્ટ્રેશન રૂમ,કિચન ટેન્ટ્સ,ડાયનીંગ એરિયા,ઍક્ટિવીટી ઍરિયા,પાકા ટોઇલેટ/બાથરૂમ્સ,સ્ટોર રૂમ,મેડિકલ ટેન્ટ વગેરે સગવડો હોય છે.આખા ટ્રેક ની બધી પાંચ-છ હાયર કેમ્પ સાઇટો ના ભોજન અને અન્ય વ્યવસ્થા નું વિતરણ/સંચાલન બેઝકેમ્પ થી થતું હોય છે.દરેક ટ્રેક મા પહાડ ઉપર ની કેમ્પસાઇટો ને “હાયર કેમ્પ” કહેવાય છે .અને તે ચાર-પાંચ કે વધુ હોઇ શકે પણ બેઝ કેમ્પ તો એક જ હોય.બેઝકેમ્પ માં સૌથી ઉપરી અધિકારી “ફિલ્ડ ડિરેક્ટર” હોય છે.
અમે ત્રણે જણાં બસમાં થી ઉતરી ને જેવા રજિસ્ટ્રેશન રૂમ તરફ વળ્યા  કે તરત રજિસ્ટ્રેશન રૂમ મા બેઠેલી યુવતિ “ઑહ્હો શશિકાન્તભાઇ!“ કહી ને ખૂશીથી દોડી ને આવી ને હુંફાળા આલિંગન સાથે વળગી પડી.તે મુંબઇ ની લક્ષ્મી મોરડેકર હતી.મારી સાથે તે પશ્ચિમ બંગાળ ના સાંદકફૂ-ગુરદૂમ ટ્રેક મા હતી.અને અમે ખૂબ સારા મિત્રો બની શક્યા હતા.લક્ષ્મી મુંબઇ હાઇકોર્ટ ની ધૂંઆધાર વકીલ છે.અને અત્યારે લક્ષ્મી તેની કોર્ટ ના ઉનાળું વેકેશન મા મુંબઇની રુટિન જિંદગી છોડી ને પહાડોમા વૉલન્ટીયર બનીને આ બેઝકેમ્પમા સેવા માટે આવી ગઇ છે.વાત-વાત મા જાણવા મળ્યું કે ફિલ્ડ ડાયરેક્ટર મિ.અનિલ પાઠક છે ત્યારેતો ઓર ખૂશી થઇ કેમ કે તેઓ પણ ઘણા ટ્રેક મા અલપ-ઝલપ મળતા રહેતા મિત્ર જ છે.મને તો જાણે મોસાળમા મા પિરસનાર હોય તેવું સૂખદ લાગી રહ્યું હતું.

અમારા ત્રણેય નું રજિસ્ટ્રેશન અને આવશ્યક પેપરવર્ક કર્યા બાદ મને અને હિમાંશું ને ટેન્ટ નં-૮ અને શ્રુતિ ને લેડિઝ ટેન્ટ નંબર-૪ ફાળવવામા આવ્યો અને અમે સૌ અમારા સાજોસામાન સાથે જે-તે ટેન્ટ મા પહોંચ્યા..આજે રજિસ્ટ્રેશન ડે અને મિત્રો નું આગમન હોવાથી બીજો કોઇ ખાસ કાર્યક્રમ નહોતો.આવતી કાલ થી ટ્રેકીંગને લગતી ઍક્ટિવીટીઝ શરૂ થવાની હતી.

બપોર નું લંચ લઇ ને કટરૈન મા ફર્યા.ટેન્ટ મા બીજા મિત્રો પધાર્યા.તેમની સાથે ઓળખાણો થઇ.રાત નું ભોજન લઇને કેમ્પ ફાયર નો આનંદ માણ્યો.રાત્રે દસ પછી ફરજિયાત બધા ટેન્ટ મા પોઢી ગયા.ઠંડી ના આછેરા ચમકારા વચ્ચે સફરજનની વાડી મા રાત જામી રહી હતી.


2 ટિપ્પણીઓ: