સોમવાર, 17 જૂન, 2024

SAHASTRA TAAL TRAGEDY 03/03

 

SAHASTRA TAAL TRAGEDY

0૩/03

પહાડો પર ટ્રેકીંગ પર જાઓ છો ત્યારે તમે ફક્ત અને ફક્ત તમારી શારીરિક સજ્જતા(Endurance) અને હવામાનના જ હવાલે હો છો.કપડાં,સાધન-સામગ્રી,અનુભવ બધુ જ તેના પછી આવે છે.
આના પહેલાંના બે ભાગમાં પહાડોની સુપ્રીમસી ઉપર લખી ચુક્યો છું એટલે પુનરાવર્તન ટાળું છું પણ પહાડો પર જાઓ છો ત્યારે પ્રકૃતિના એ વિરાટ સ્વરૂપ માટે મનમાં આદરભાવ સાથે જાઓ,એમની સંમતિ છે ત્યારે જ તમે ત્યાં વિચરણ કરી રહ્યા છો.એ હંમેશા યાદ રાખો કેમકે પહાડો એ પ્રકૃતિનું એકદમ જીવંત ભૃપૃષ્ઠ છે.આપનું પદ,આપનો હોદ્દો,આપની સામાજીક પ્રતિષ્ઠા બધુ એક કોથળામાં પેક કરીને ખીણમાં છુટ્ટો ઘા કરીને ફેંકી દીધા પછી નિર્મળ,નિર્ભેળ અને નિષ્પાપ મન,વચન,કરમથી પહાડ ચઢજો કેમકે પર્વતરાજ આગળ આપ કીટ,પતંગા,પક્ષીઓની જેમ જ એક જીવ માત્ર છો.એ જીવો પહાડોને અનુકુળ ઢળીને સરસ જીવનયાપન કરી રહ્યા છે તો તમારે પણ પહાડોના કાયદા માનવા જ પડશે.
The Great Himalayas નું ઘેલું સૌને હોય પણ એના માટેની શારીરિક અને માનસિક અને જો આપ થોડા ઘણાં આધ્યાત્મિક ઝોક ધરાવતા હો તો ચૈતસિક તૈયારી જરૂરી બની જાય છે.
મનાલીમાં ABVIMAS (Atal Bihari Vajpayee institute Of Mountaineering & Allied Sports) નામની પર્વતારોહણ શીખવતી સંસ્થા છે ત્યાં એકદમ કડક અને કમાન્ડો પધ્ધતિથી પર્વતારોહણ શીખવવાંમાં આવે છે ત્યાં 2009 માં અઠ્ઠાવીસ દિવસનો બેસિક માઉન્ટેનીયરીંગ કોર્સ અને પછીના વર્ષે 2010 માં પચ્ચીસ દિવસનો એડવાન્સ માઉન્ટેનીયરીંગ કોર્સ મેં પૂરા કર્યા છે.તે તમારા મગજમાં પહાડો વિશેની રજેરજ માહિતી,સર્વાઇવલ,રેસ્ક્યુની તાલીમ સાથે તમને પહાડો સાથેની દિવાનગીમાં જરા વધુ કરીબ લઇ જાય છે.
પહાડો પર આવો ત્યારે અમુક વાક્યો તમારે બિલકુલ યાદ રાખવા જોઇએ.આવા ઘણાં બધા વાક્યો અનુભવનો નિચોડ છે.આપણે અહીં ફક્ત બે જ વાક્યો સમજીશું.
૧.પહેલું વાક્ય છે. ટ્રેકર કા એક વક્તકા ખાના પેટ મેં ઔર દુસરે વક્તકા ખાના પીઠ પે!
આનો મતલબ એ છે કે પહાડો પર કદી ખાલી પેટ ના રહો.તમે નદી કિનારે શાંત બેઠા છો કે ટેન્ટમાં આરામ કરી રહ્યા હો ત્યારે તમને બિલકુલ અંદાજ નથી હોતો કે તમારું બોડી પહાડોની ઠંડી આબોહવા સામે પોતાની જાતને પૂરતી ગરમ રાખવા ઝઝુમી રહ્યું હોય છે.ઓછા ઓક્સીજન સામે ઝઝુમી રહ્યું હોય છે એટલે તમારી જાણ બહાર તમારા શરીરમાં ઉર્જાની ખપત વધુ માત્રામાં થઇ રહી હોય છે એને જરા પણ અવગણો નહીં અને ખોરાક અને ઉંઘ પૂરતી માત્રામાં લેતા રહો,મેગી અને પોટેટો ચિપ્સ પર ના રહો.ખાલી પેટ બિલકુલ ના રહો.અને જ્યારે રક્સેક ઉઠાવીને ટ્રેકીંગ રૂટ પર હો ત્યારે તમારા એ રક્સેકમાં બીજા ટંક માટે અથવાતો આકસ્મિક પરીસ્થિતિ માટે એકાદ લિટર પાણી/પેક લંચ/ફ્રુટ્સ/બિસ્કીટ્સ/સૂકો નાસ્તો/ડ્રા્ય ફ્રુટ્સ/ચોકલેટ્સ-પ્રોટીન બાર્સ વગેરે અવશ્ય રાખો..તમને કદી ખબર નથી કે એની ક્યારે/કેવા સંજોગોમાં સંકટમોચક તરીકે જરૂર પડી શકે.રસ્તામાં ખરીદી લઇશું,બીજા કેમ્પ પર પહોંચીને ખાઇશું,અત્યારે ભૂખ નથી એવું બિલકુલ ના વિચારો.પહાડ તમને બીજી કેમ્પસાઇટ પર કદાચ ચાર દિવસ પછી પહોંચાડે અથવા ના પણ પહોંચાડે ! હાજર સો હથિયાર માં માનો.
એટલે પહેલું વાક્ય મનમાં જડી લો…એક વક્તકા ખાના પેટ મેં ઔર દુસરે વક્તકા ખાના પીઠ પે.
૨.બીજુ વાક્ય છે.Climb High,Sleep Low !
એટલે કે તમે દસ હજાર ફૂટની હાઇટ પરની કેમ્પ સાઇટ પર પહોંચ્યા છો.તો રિલેક્સ થઇને,સહેજ આરામ કરીને,પાણી પી ને(હાઇડ્રેટેડ થઇને) હળવે કદમે નજીકના પહાડ પર પાંચસો–સાતસો ફૂટ સુધીની ચઢાઇ(એક્લીમેટાઇઝેશન વૉક) કરીને ત્યાં એકાદ કલાક ગાળીને શરીરને 10,500 થી 10,700 ફૂટની ઉંચાઇ માટે અનુકૂળ બનાવો.પછી તમે તમારી કેમ્પસાઇટ પર આવીને ટેન્ટમાં ઉંઘ લેશો તો ત્યારે તમને મજ્જાની ઉંઘ આવશે.એટલે Climb High,Sleep Low..જો આવું ના કરો તો રાત્રે તમારું શરીર દસ હજારની હાઇટ માટે એડજસ્ટ થવામાં તમારી ઉંઘ જરૂર ખરાબ કરશે.જેની અસર તમારા બીજા દિવસના સ્ટેમીના પર પડશે.
આવા તો ઘણાં ઉપયોગી વાક્યો પહાડોમાં અનુસરવામાં આવે છે પણ તેની વાત ફરી ક્યારેક!
હવે આવીએ સહસ્ત્રતાલ દુર્ઘટના ના આકલન તરફ !
આ તબક્કે એક સ્પષ્ટતા કરવી ખૂબ જરૂરી બની જાય છે કે અત્રે જે આકલન હું કરીશ એ મારા માઉન્ટેનીયરીંગના વર્ષોના અનુભવ અને અભ્યાસથી અનુમાનિત છે.એના વિશે કોઇજ આધિકારીક વાત મીડિયામાં પ્રકાશિત થઇ નથી કે મારા ધ્યાનમાં આવી નથી એટલે આ જે નિષ્કર્ષ છે એ અભ્યાસના આધારીત છે.એની સત્યતા બાબતે દાવો ના કરી શકાય.
સૌ પહેલાંતો એક વાક્ય જાણીલો કે મોટી દુર્ઘટના અચાનક નથી ઘટતી પણ એ બહુ બધી નાની-નાની ભૂલોનો સરવાળો થઇને ઉભરતી હોય છે..
  • અગાઉના બે ભાગમાં આપે જાણ્યું એમ કર્ણાટક માઉન્ટેનીયરીંગ એસોસિએશનના ૧૯ જણાં અને ત્રણ ગાઇડ એમ ૨૨ જણનું ગ્રુપ સહસ્ત્રતાલ ગયું એ તમામ લોકો ખૂબ જ અનુભવી અને વેલ–ઇક્વિપ્ડ હતાં.ફિઝીકલી ફીટ હતાં,પણ તે છતાં હેવી બ્લિઝાર્ડ ડિઝાસ્ટરમાં માનવ ખુવારી થઇ.એની પાછળ અમુક ન્યુઝચેનલોમાં કહ્યાં મુજબ તેઓ સૌ ફિઝીકલી ફીટ હતાં એટલે એમણે પોતે અને તેમની લોકલ ટ્રેકીંગ એજન્સી (હિમાલયન વ્યુ ટ્રેકીંગ એજન્સી,માનેરી ગામ,ભટવાડી,ઉત્તરકાશી) એ ત્યાં પહોંચીને પુરતું મેડીકલ ચેકઅપ કર્યાના અહેવાલો નથી.બધાં જ ઓલમોસ્ટ ફોર્ટી પ્લ્સ ઉંમરના પડાવે હતાં એટલે ડાયાબિટીસ,બ્લડપ્રેશર,કાર્ડીઆક ઇશ્યુઝ વગેરે હશે જ અને કદાચ તેમને અવગણવામાં આવ્યા હોય અને એટલે કદાચ આવી ફેટલ સિચ્યુએશનમાં વધુ સમય ટકી રહેવા માટે સક્ષમ ના રહ્યા હોય.
મેં પોતે અત્યારે 54 પૂરા કર્યા છે પણ શારીરિક રીતે એકદમ ચુસ્ત-દૂરુસ્ત છું.ડાયાબિટીસ,બી.પી,કાર્ડીઆક જેવા ઉંમરને લગતા કોઇ જ ઇશ્યુઝ બિલકુલ નથી છતાં પણ 80 Litre ના રક્સેક સાથે પહાડો ચઢવામાં સ્વાભાવિક રીતે જ મારો પણ શ્વાસ ફૂલી જાય છે અને જાન નીકળી જવાની હોય એમ ધમણની જેમ છાતી ચાલતી હોય છે.પણ ચાલવાની પેટર્ન,આરામ કરવાની પેટર્ન અને શરીરને હાઇડ્રેટેડ રાખવાની પેટર્નથી ટ્રેકીંગ પૂરા કરીએ છીએ.
  • જે છેલ્લી કેમ્પસાઇટ પર થી નીકળીને જે તે ગંતવ્ય સ્થાન,પાસ,તળાવ,શિખર સર કરીને પાછું એ કેમ્પસાઇટ પર આવી જવાનું હોય એવી સાઇટને એડવાન્સ્ડ બેઝકેમ્પ કહે છે.અને ટ્રેકિંગનો સીધોસટ્ટ નિયમ એ છે કે સૂરજ ઉગે એ પહેલાં,શક્ય હોય તો મધરાતે કે ભળભાંખળી સવારે એડવાન્સ્ડ કેમ્પ સાઇટ પરથી નીકળી જાઓ અને ગંતવ્ય સ્થાન પર ઉગતા સુરજે પહોંચી જાઓ.અને સૂરજ માથે ચઢે એ પહેલાં અર્થાત અગિયાર–બાર વાગ્યાની આસપાસ પરત કેમ્પસાઇટ પર આવી જાઓ.સૂરજ ઉગી જાય પછી બરફ ઓગળવાનો શરૂ થઇ જાય છે.સૂરજ માથે આવે ત્યાં સુધી તો પરત ફરવાના રસ્તે કાદવ-કીચડ અથવા એકદમ નરમ બરફ થઇ જાય જે આપને પરત ફરવામાં બાધારૂપ બને અને બાર હજાર ફૂટની ઉપર એટલે અલ્પાઇન લાઇનની ઉપરના ભાગમાં બપોરે બાર–એક વાગ્યા પછી મૌસમનો મિજાજ બદલાય અને બદલાય જ છે.સ્નોફોલ અને વરસાદ હંમેશ માફક પડે જ છે. આ ટીમનો એડવાન્સ્ડ કેમ્પ લંબતાલ હતો અને ગંતવ્ય સ્થાન સહસ્ત્ર તાલ હતું.જે રીતે આ ટીમ અઢી ત્રણ વાગ્યે પરત ફરતાં વખતે વરસાદ અને બ્લીઝાર્ડમાં ફસાઇ એ મુજબ એ ટીમ લંબતાલથી સૂરજ ઉગી ગયા પછી આરામથી આઠ-નવ વાગ્યે જ નીકળી હોવી જોઇએ.મોડા નીકળ્યા એ તો ઠીક,પરંતું સહસ્ત્ર તાલ પર પણ જરૂર કરતાં વધુ સમય વ્યતીત કરીને મધ્યાહ્ન સુધીમાં એડવાન્સ્ડ બેઝ કેમ્પ પર પરત આવી જવાના ટ્રેકીંગ નિયમની વિરુધ્ધ જઇને પાછળ આવતી મુશ્કેલીને બિલકુલ નજરઅંદાજ કરી દીધી હશે.કેમકે અઢી–ત્રણ વાગ્યે એ લોકો પરત આવવામાં પણ અર્ધે રસ્તે હતાં,એ વાત માની ના શકાય તેવી રહી છે.વળી સૌથી આઘાતજનક વાત તો એ નીકળી છે કે રેસ્ક્યુ મિશને જ્યારે એ લોકોને બચાવ્યા ત્યારે તે ટ્રેકરો પોતાના કેમ્પથી માત્ર એકાદ કલાકના જ રસ્તે ફસાયેલાં હતાં.આનો સીધો મતલબ એ નીકળે કે વહેલી સવારે નીકળવાથી માંડીને,તાલ પર સમય વ્યતીત કરવાથી માંડીને પરત ફરવાનું શરૂ કરવા સુધીના સમયગાળામાં જો સહેજ સાવધાની રાખી હોત તો એ રહી ગયેલો એક કલાક એમને સમયસર ટેન્ટ સુધી લઇ આવ્યો હોત.
  • સહસ્ત્રતાલ જવાના દિવસે(૩જી જુને) વાતાવરણ ખુશનુમા હોવાના લીધે કદાચ તેઓએ આવો ભયાનક વાતાવરણ પલટો એક્સ્પેક્ટ જ નહીં કર્યો હોય.સવાર ના ફૂલગુલાબી વાતાવરણ ના કારણે શક્ય છે કે મોટાભાગના ટ્રેકરોએ પોતાના નાના બેગપેકમાં ગરમ કપડાં,રેઇનકોટ,ગ્લોવ્ઝ વગેરે લઇ જવાની દરકાર ભાગ્યે જ કરી હશે.નાસ્તા કે અન્ય ખાધાખોરાકી પણ તેમાં ભરી હશે તેવી શક્યતા સાવ નહીંવત છે.તેમના માટે આજે તો સહસ્ત્ર તાલ ”યું ગયે ઔર યું આયે” પ્રકારની બે-ચાર કલાકની નાની ચઢાઇ રહી હશે.અને એ દિવસને લાઇટલી લેવાનો તેમનો અભિગમ આખી ટીમને બહુ જ ભારે પડી ગયો હશે.
  • પહાડો પર ટ્રેકીંગ હોય કે માઉન્ટેનીયરીંગ મિશન,તેનું સંખ્યાબળ ગાઇડો સાથે ગણીને વધી વધીને દસ–બાર લોકોનું હોય છે.માપમાં રહેલા સભ્યોના દળને નેવિગેટ કરવું,મેનેજ કરવું અને રેસ્ક્યુ કરવું સહેજ આસાન રહે છે.એવા સંજોગોમાં બાવીસ લોકોનું દળ એ પહાડોની ટેકનાલિટીમાં તો ઘણું વધારે અનમેનેજેબલ હતું.
  • ટ્રેકર–ગાઇડ રેશિયો પણ અહીં ભાગ ભજવી ગયો.સિરીયસ અલ્પાઇન મિશન જેવાં કે એવરેસ્ટ,અન્નપૂર્ણા,મનાસ્લુ,નંગા પર્બત,K2 જેવા મિશનોમાં 1:1 નો ટ્રેકર–ગાઇડ રેશિયો હોય છે અર્થાત દરેક માઉન્ટેનીયર દીઠ એક ગાઇડ તેની સેવામાં તહેનાત રહે છે.અલ્પાઇન રેન્જથી નીચેના મિશનોમાં અથવાતો અન્ય ટ્રેકીંગ પ્રોગ્રામોમાં આ રેશિયો 3:1 એ આદર્શ ગણી શકાય અર્થાત ત્રણ ટ્રેકર દીઠ એક ગાઇડ મુકવો જોઇએ.KMA ના આ પ્રોગ્રામમાં ઓગણીસ જણાં વચ્ચે ત્રણ ગાઇડ હતાં એ રેશિયો કેટલો પૂઅર અને કેટલો ભયજનક હતો તેની આપ કલ્પના કરી લો.
  • ઉપર ચર્ચેલા બધા જ મુદ્દે બધુ જ બરાબર હોત તો પણ સૌથી ઉપર આવે છે હવામાન.મૌસમના મામલામાં પહાડ “બેવફા પ્રેમી“ છે.તમે કલ્પી પણ ના શકો એટલી હદે ડ્રાસ્ટીક ચેન્જ લાવીને તમને અચંબિત કરી દે છે.માથે તડકો તપતો હોય અને બીજી જ ક્ષણે વરસાદની બુંદાબાંદી શરુ થઇ શકે છે.તમારા રિએક્શન કરતાં પણ ભયાનક ઝડપે પહાડી મૌસમ પોતાનો રૂખ બદલે છે.પહાડ પર બગડેલું હવામાન પાંચ મિનિટમાં પણ સુધરી જાય અથવા તો પાંચ દિવસ પણ લગાડે ! એવા સંજોગોમાં બધી જ વાતે કોઇ પણ ભૂલ ના પણ કરી હોય તો પણ આખરે તો ટ્રેકર–માઉન્ટેનીયરની દરેક ટીમ ઓલમાઇટી ગોડ અને સુપ્રીમ નેચર પાવરના હાથમાં છે.
  • સ્કિઇંગ,સ્નો-બોર્ડીંગ,પેરાસેઇલીંગ,પેરામોટરીંગ જેવી દરેક ઍડવેન્ચર સ્પોર્ટ એકાદ-બે કલાકથી એકાદ દિવસની હોય પણ ટ્રેકર–માઉન્ટેનીયર બે-પાંચ દિવસથી માંડીને દસ-બાર દિવસ સુધી પ્રકૃતિમાતાના ખોળે હોય છે એ દરમિયાન અન્ય સ્પોર્ટની સરખામણીએ આ ટીમને બગડેલા મૌસમનો મિજાજ જોવાના ચાન્સીસ વધુ રહે છે.અને એકવાર મૌસમ બગડે પછી બધું જ અનિશ્ચિત થઇ જાય છે.અને ક્યારેક કોઇક ટીમની માઠી દશા બેઠેલી હોય ત્યારે બધુ જ રામભરોસે થઇ જાય છે,આપણી કોઇ જ કારી ફાવતી નથી.KMA ના સભ્યો પાસે હિંમત,હૌંસલા,અનુભવ બધુ જ હતું પણ તે છતાંયે ઘટ્ટ વ્હાઇટ આઉટ તેમને એક પગલું આગળ ભરવાની પરમિશન આપતો નહોતો.અચાનક વધી ગયેલી ઠંડી,ધોધમાર વરસાદ અને સ્લીપરી ગ્રાઉન્ડ તેમને નીચે ઉતરવામાં બાધારૂપ થઇ બેઠું હતું.કદાચ તેમની જાણ બહાર થયેલી ઘણી બધી નાની-નાની ભૂલોના કારણે તેઓ સૌ ગલત સમય પર ગલત જગ્યાએ હતાં.અને આ અજાણપણે થયેલી નાની ભૂલો તેમને એક મોટા ડિઝાસ્ટર તરફ દોરી ગઇ હતી.
  • આ તારણ અને આકલન વખતે પણ એક ટ્રેકર–માઉન્ટેનીયર તરીકે મારા મનમાં એક ગિલ્ટની ભાવના છે કે મારા તારણમાં કોઇ એકાદ વિગત અસત્ય રહી હોય તો હું એમની સાથે અન્યાય તો નથી કરી રહ્યો અને જો એવું રખેને થયું હોય તો લેખનું સમાપન કરતા પહેલાં એ પ્રકૃતિપ્રેમી,પહાડી દિવંગતોને બે હાથ જોડીને નિર્મળ હ્રદયે માફી પણ માંગી લઉં છું.આજે ફરીથી તેઓના આત્માના કલ્યાણ અને મોક્ષ માટે પ્રાર્થના કરું છું.તેઓ પણ જાણતા હશે કે મારો આશય પ્રમાણિક છે.મારા ગુજરાતી સાહસિકમિત્રોને સાચી રાહ બતાવીને પ્રકૃતિની વધુ નજીક લઇ જવાનો,પ્રકૃતિ તરફ સન્માન પેદા કરવાનો,પ્રકૃતિ તરફ હંમેશા નત-મસ્તક રહીને જ તેમાં વિચરણ કરવાનો.
  • છેલ્લે, પ્રકૃતિને જ સર્વોપરી માનો.તેના સંરક્ષણમાં હંમેશા આગળ રહો. જય પ્રકૄતિમાતા,જય હિંદ,જય ભારત!
* શશિકાંત વાઘેલા.
(માઉન્ટેનીયર અને ટ્રેકર)
( દેશના વિવિધ અખબારોના અહેવાલો અને ન્યુઝ ચેનલોના કવરેજ પરથી માહિતી એકત્ર કરીને આ સિરીઝ ગુજરાતીમાં લખીને ગુજરાતી વાંચકોને માઉન્ટેનીયરીંગ વિષય બાબતે સાચી માહિતી આપવાનો પ્રયાસ છે.ક્યાંક કોઇ સરતચૂક કે માહિતીદોષ રહી જાય તો દરગૂજર કરશો.)
તસવીરોઃ વિવિધ વેબસાઇટ પરથી.
SOURCES :
Times Of India, The Hindu, Deccan Chronicle, Amar Ujala, Indian Express, kmaindia.org, Indiahikes, Outlook india, Hindustan Times,
Lokmattimes,Patrika News & many more News Channel.






ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો