બુધવાર, 12 જૂન, 2024

SAHASTRA TAAL TRAGEDY 01/03

 SAHASTRA TAAL TRAGEDY

01/03
ઉચ્ચ હિમાલયના બર્ફમઢ્યા ઉત્તુંગ શિખરો જનમાનસને હંમેશા આકર્ષતા રહ્યા છે અને સાહસિકોને ત્યાં ટ્રેકિંગ કરવા મજબૂર કરતા રહ્યા છે.ત્યાંનું જનજીવન,હવા-પાણી,લીલીછમ વનરાજી,પહાડોની કરાડોમાંથી વહેતા ઝરણાં,રંગબેરંગી પક્ષીઓ,વહેતા પવનની સાથે સરસ મજાની ખીલેલી ધૂપ પ્રવાસીઓને પોતાના તરફ કાયમ આકર્ષિત કરતી રહે છે.
પણ પ્રકૃતિનું આ સુંદર અને સૌમ્ય રૂપ અચાનક ક્યારે વિકરાળ અને વિનાશક બની જશે તેની કોઇને પણ કલ્પના નથી હોતી.પળવારમાં પ્રકૃતિ તમને બિલકુલ અસહાય અને અનિશ્ચિત બનાવી દે છે.અને એનો સાક્ષાત અનુભવ કર્યો કર્ણાટકના એક ટ્રેકિંગ દલે.ભા્રતીય પર્વતારોહણના ક્ષેત્રે વર્ષો સુધી ભૂલી ના શકાય એવી ભયાનક દુર્ઘટના ઘટી આ ટીમ સાથે.બહુ મોટી કિંમત ચુકવી આ લોકોએ.
પહાડો પ્રત્યે જબરદસ્ત આકર્ષણ ધરાવતો આસુરી-ચાહક અને ઢીટ પહાડપ્રેમી હોવા છતા હું મારા બ્લોગમાં અને મારા લખાણોમાં હંમેશા કહેતો આવ્યો છું કે પહાડો તમને જાનથી મારી નાંખવાના હજારો કારણો પોતાની અંદર દબાવીને બેઠા હોય છે.એના નિયમો અને એના મિજાજને અનુરૂપ વર્તવામાં એક નાની-સરખી ભૂલ કરી કે તરત જ,ત્યાં જ તમારો ખાત્મો! પહાડો તમને તમારી ભૂલ માટે માફ કરતા નથી. હવામાન અને મૌસમના મામલે પહાડો હંમેશા હરફન મૌલા હોય છે.સતત પોતાની ધૂનમાં અને પોતાની જ મસ્તીમાં મસ્ત-કલંદર રહેતા અઘોરી જેવા હોય છે પહાડો.
આગળનો લેખ વાંચતા પહેલા એક વિનંતી છે કે અહીં રજુ થતા એક્-એક આંકડાંને અને અન્ય વિગતોને ચીવટથી વાંચીને યાદ રાખવાનો પ્રયત્ન કરજો કે જેથી આ ભયાનક દુર્ઘટનાનો મસમોટો લાંબો અધ્યાય સમજવામાં આસાની રહે.
કર્ણાટક માઉન્ટેનીયરીંગ એસોસિએશન (KMA) તરફથી આયોજિત ટ્રેકિંગ દલ ઉત્તરાખંડમાં ઉત્તરકાશી-ટિહરી સીમા પર સ્થિત સહસ્ત્રતાલ (અલ્ટિટ્યુડ- ૧૫૦૦૦ ફૂટ)નામનો પ્રખ્યાત ટ્રેક કરવા નીકળ્યા.બેંગલોરથી રવાના થયેલી આ ટીમમાં ૧૮ કર્ણાટકી અને ૧ મહારાષ્ટ્રીઅન એમ કુલ ૧૯ ટ્રેકર સામેલ હતા.ઉત્તરકાશી સ્થિત માનેરી ગામની હિમાલયન વ્યુ નામની ટ્રેકિંગ એજન્સી એમને સ્થાનિક ગાઇડ અને લોજિસ્ટીક સપોર્ટ પૂરો પાડવાની હતી. ટ્રેકિંગ સ્થળે પહોંચ્યા પછી ૩ સ્થાનિક ગાઇડ જોડાતાં એમનું સંખ્યાબળ કુલ બાવીસ વ્યક્તિઓનું થયું.મલ્લાં-સિલ્લાં ગામથી આ દળ ૨૯ મે ના રોજ પોતાના અભિયાન માટે રવાના થયું.પહાડોમાં ૩૫ કિમી નો આ હાઇ–અલ્ટીટ્યુડ ટ્રેક કુલ સાતથી નવ દિવસનો હોય છે.આ દળ ૨૯ તારીખે નીકળીને સાતમી જુને પરત આવવાનું હતું.મલ્લાં–સિલ્લાં ગામથી નીકળીને કુશ્ કલ્યાણ,ક્યાર્કી બુગ્યાલ,લંબતાલ થઇને તેઓ સૌ સહસ્ત્રતાલ પહોંચવાના હતા.આખા ટ્રેક રૂટની દિવસો સુધીની દડમજલ કાપીને બીજી જૂને આ ગૃપ લંબતાલ પાસે કોખલી ટોપ બેઝકેમ્પ પહોંચ્યું હતું.બસ હવે બીજા જ દિવસે તેમને સૌને સુંદરતમ સહસ્ત્રતાલના દર્શન થવાના હતાં.
KMA આયોજીત આ ટ્રેકીંગ ટીમમાં બધાજ ટ્રેકરો ખૂબ જ અનુભવી હતા. KMA ના જોઇન્ટ સેક્રેટરી એસ.સુધાકર ખુદ આ પ્રોગ્રામના કોઓર્ડીનેટર હતા.તેઓ તેમની પત્ની આશા સુધાકર (71) સાથે આ ટીમને લીડ કરી રહ્યા હતા.34 થી 71 વર્ષની આયુ ધરાવતા સૌ ઓગણીસ જણાં આના પહેલા ઘણાં હિમાલયન અને વિદેશી ટ્રેક કરી ચુક્યા હોય તેવા અનુભવી સાહસિકો હતા.ખુદ આશા સુધાકર ચાલીસથી વધુ વર્ષોમાં સો કરતા વધુ ટ્રેકીંગ કરી ચુકેલા અનુભવી મહિલા હતા.
૩જી જૂનનો દિવસ ઉગ્યો.સૌ ટ્રેકર સહસ્ત્રતાલ જવા માટે ઉત્સાહ અને ઉમંગથી થનગનતા હતાં.તેમને લેશમાત્ર અંદાજ નહોતો કે નિયતીએ આજે તેમના સૌના માટે કેવો કારસો ઘડ્યો છે.સહસ્ત્રતાલ જોઇને પોતાની જાતને બડભાગી માનનારા એ સૌ માટે આજનો દિવસ કેટલો બદનસીબ રહેવાનો છે એની કોઇને ખબર નહોતી.
સરસામાન ઉઠાવીને આજે ક્યાંય આગલી કેમ્પસાઇટ પર પહોંચવાનું નહોતું. આજે તો બસ સહસ્ત્રતાલ જઇને પરત લંબતાલ ના જ કેમ્પમાં આવી જવાનું હોવાથી સૌ એ પોતાના સરસામાન વાળા ભારે રક્સેક ટેન્ટમાં જ છોડ્યાં.પહાડ પર સવાર થી જ સરસ ધૂપ ખીલી હોવાથી સૌએ પોતાના હેવી જેકેટ્સ અને ઠંડીથી રક્ષણ કરવાવાળા અન્ય ભારે કપડાં ટેન્ટમાં જ છોડ્યા કેમકે બપોરે બે-ત્રણ વાગ્યા સુધીમાંતો લંબતાલ કેમ્પ પર પરત આવી જવાની સૌની ધારણાં હતી.
સરસ ગુનગુની ધૂપની મજા લેતા,પ્રાકૃતિક દ્રશ્યોને કેમેરામાં કંડારતા સૌ ખૂબ જ ખૂશ હતા.ત્રણેક કલાકની ચઢાઇ પછી તે સૌ સહસ્ત્રતાલ પહોંચ્યા.પહાડ પર પંદરેક હજાર ફૂટની ઉંચાઇ પર આવેલા સાફ પાણીના આ સુંદર,સ્વચ્છ તળાવને જોઇને સૌએ પ્રભુનો પાડ માન્યો અને આસપાસના દ્રશ્યો નિહાળતા તેમણે ત્યાં ખાસ્સો સમય ગાળ્યો.કોઇને ત્યાંથી પરત ફરવાની ઇચ્છા નહોતી થતી અને પ્રકૃતિમાં જાણે તેઓ સૌ લીન થઇ ગયા.એકાદ વાગ્યે તેમણે સૌએ પાછા ફરવાનું વિચાર્યુ અને ધીમે-ધીમે પહાડ પરથી ઉતરાણ શરૂ કર્યું.બે-અઢી કલાકમાં તો તેઓ પોતાની કેમ્પ સાઇટ પર પહોંચી જવાના હતા.
પણ તે સૌની સાથે નિયતીએ ઘડેલો કારસો પ્રગટ થવાનો સમય આવી ગયો.બપોરે અઢી વાગ્યે અચાનક વાદળોના ધાડા કોણ જાણે ક્યાંથી દોડી આવ્યા અને ચમકતી ધૂપ વાદળોની ઓઠે છુપાઇ ગઇ.સૂરજ અદ્રશ્ય થતા વાતાવરણ માં અચાનક ઠંડી શરૂ થઇ ગઇ.ઠંડો પવન વહેવાનો શરૂ થઇ ગયો જેથી ઠંડીનો કાતિલ ચમકારો વ્યાપી ગયો.ઉચ્ચ હિમાલય ક્ષેત્રમાં પલક ઝપકાવતા માત્રમાં વાતાવરણમાં આવી જતો આવો ડ્રાસ્ટીક ફેરફાર લગભગ દરેક ટ્રેકરોએ અનુભવ્યો જ હોય છે.વાતાવરણમાં આવેલ આવા ત્વરિત બદલાવથી અનુભવી ટ્રેકરોએ પહાડ ઉતરવાની ઝડપ વધારી દીધી.પણ સીધી તીખી ઢલાનમાં ઉતરવું પણ જોખમી હોવાથી એક હદથી વધુ ઝડપ કરી શકવા સૌ અસમર્થ હતા.હિમાલય ક્ષેત્રમાં બાર હજાર ફૂટથી ઉપર વૃક્ષો હોતા નથી,ત્યાં ટ્રી-લાઇન ખતમ થઇને આલ્પાઇન રેન્જ શરૂ થઇ જતી હોય છે.આ ટ્રેકરો ટ્રી-લાઇનથી પણ ઘણાં ઉપર હતા તેથી તેઓને વૃક્ષોનું ઓઠું પણ મળી શકે તેવું ત્યાં શક્ય નહોતું.
ઠંડી અને સૂસવાટાભર્યા તેજ પવનથી પોતાની જાતને માંડ સંભાળતા ટ્રેકરો પર આ તો મુસીબત ની હજુ શરૂઆત હતી.થોડીજ વારમાં વાદળો નીચે ઉતરી આવ્યા અને પહાડ પર ઘના કૌહરા છવાઇ ગયો.એટલું બધું ગાઢ ધુમ્મસ થઇ ગયું કે એકાદ ફૂટ આગળનું પણ માંડ દેખાય.વિઝીબિલીટી એકદમ નીલ થઇ જતા બધાજ ટ્રેકરો માં હવે ચિંતા પેઠી.બધાએ માંડ–માંડ પોતાની હિંમત જાળવી રાખી.ઠંડીનો પારો સડસડાટ નીચે ઉતરતો જતો હતો અને ટ્રેકરો પૂરતા ગરમ કપડાંમાં ના હોઇ થથરવા લાગ્યા.આકાશમાંથી કાળદેવતા જાણે અટ્ટહાસ્ય કરતા હોય એમ વરસાદ ચાલું થઇ ગયો.અને પછી તરત જ ઓલા વરસવા લાગ્યા.હવે ટ્રેકરો રીતસરના બઘવાઇ ગયા કેમકે વરસાદથી અને ઉપરથી પડતા ઓલાથી બચવા માટે તેમની પાસે કોઇજ આડશ કે ઓઠું એ પહાડ પર નહોતું.સંપૂર્ણ વ્હાઇટ-આઉટમાં તેઓ આમ થી તેમ વધુ મૂવમેન્ટ પણ કરી શકે તેવી સ્થિતી રહી નહોતી.આમ ને આમ રઘવાટભરી પરીસ્થિતીમાં તેઓ મૂળ રસ્તાથી ઘણે જ આડે રસ્તે ફંટાઇ ગયા.
ધોધમાર વરસાદ,શરીર પર બરછી ફરતી હોય તેવો તેજ સૂસવતો પવન,હાડ ગાળી નાંખે તેવી કાતિલ ઠંડી,સફેદ અંધકાર જેવો વ્હાઇટ આઉટ,સ્નો-ફોલની બૌછાર,ચીકણી થઇ ગયેલી ઢલાનવાળી જમીન…બધા જ ટ્રેકરો ઘાંઘા થઇ ગયા. અને એક મોટા ખડકની આડશ મળી ત્યાં બધા ઠુંઠવાતા બેસી ગયા.આ ખડક એક આડશ માત્ર હતો.છત નહોતો કે તેમને વરસાદ અને ઓલાથી બચાવી શકે.ખડકે માત્ર તેમને વહેતા સૂસવાતા પવનથી બચાવ્યા પણ માથેથી ટપકતા વરસાદ થી બધા જ ટ્રેકરો ભીના શરીરે કપડેથી લથપથ હતા.ચાર કલાક આ તોફાન ચાલ્યું.અને જામી ગયેલાં ઠાર માં દિવસ પણ ડૂબી ગયો.અને અંધારાના ઓળા ઉતરી આવ્યા.
ટ્રેકરોએ સવારના નાસ્તા સિવાય કશુંજ ખાધુ નહોતું.બપોરનું લંચ તેમણે કેમ્પસાઇટ પર પાછા ફરીને કરવાના હતા.પોતાનો બધોજ સામાન અને ગરમ કપડાં ટેન્ટમાં રહી ગયા હતા.ઉપર જ્યાં ફસાયા હતા ત્યાં મોબાઇલ સિગ્નલ પણ મળતા નહોતાં.ટ્રેકરોમાંથી અમુકની પાસે નાસ્તાના ડબ્બા હતા પણ તે ખોલવા સુધ્ધાની હિંમત બચી નહોતી.કોઇના ખિસ્સામાં થોડાક ડ્રાયફ્રુટ હતા તો તે પલળેલા ડ્રાયફ્રુટ વહેંચીને ખાધા.પહાડ પર ઢળેલી રાત પોતાના સ્વભાવાનુસાર અધૂરામાં પુરું વધુ ઠાર લઇને આવી.પલળેલાં ટ્રેકરોના શરીરો વધુ પડતી ઠંડીના કારણે હવે ગાડીના રેડિયેટરની જેમ ધણધણવા લાગ્યા.અને હાઇપોથર્મીઆની અસર હેઠળ આવી ગયા.બધા ટ્રેકરોની હાલત એકસરખી હતી.કોણ કોને હિંમત આપે અને કોણ કોને બચાવે?
જેમ રાત વીતતી ગઇ એમ પરીસ્થિતી ભયાનક બનતી ગઇ.અને આખરે ચાર ટ્રેકરોના શરીર સદાને માટે ઠંડા પડી ગયા.અને તે ચારેય જણ મહિલાઓ હતી.ટ્રેકિંગમાં આવેલાં સાથી ટ્રેકરો પોતાના ગૃપની ચાર મહિલાઓને પોતાની નજર સમક્ષ ઠરીને લાશ બની ગયેલી જોઇને હકબક થઇ ગયા.
પહાડ તમારી ભૂલો માટે તમને કદી માફ કરતો નથી.એ તમને પોતાના ખોળામાં રમાડે છે જરૂર,પણ તેના નિયમ વિરુદ્ધ એક ખોટી ભૂલ કરી કે તમને મારવાના હજાર કારણોમાં થી તમારી ભૂલ માટેનું લાગુ પડતું કારણ એપ્લાય થઇ જાય છે.કડક સ્વભાવનો જોગી છે આ.
કર્ણાટકની ટીમ પર યમરાજાનું અટ્ટહાસ્ય કાંઇ આટલે થી અટકવાનું નહોતું.હજુતો ઘણો ઘટનાક્રમ ઘટવાનો હતો.

* શશિકાંત વાઘેલા.
(માઉન્ટેનીયર અને ટ્રેકર)
( દેશના વિવિધ અખબારોના અહેવાલો અને ન્યુઝ ચેનલોના કવરેજ પરથી માહિતી એકત્ર કરીને આ સિરીઝ ગુજરાતીમાં લખીને ગુજરાતી વાંચકોને માઉન્ટેનીયરીંગ વિષય બાબતે સાચી માહિતી આપવાનો પ્રયાસ છે.ક્યાંક કોઇ સરતચૂક કે માહિતીદોષ રહી જાય તો દરગૂજર કરશો.)
તસવીરોઃ વિવિધ વેબસાઇટ પરથી.
SOURCES :
Times Of India, The Hindu, Deccan Chronicle, Amar Ujala, Indian Express, kmaindia.org, Indiahikes, Outlook india, Hindustan Times,
Lokmattimes,Patrika News & many more News Channel.

#sahastratal #tragedy #kma #karnatak #uttarakhand #trekking
#blizzard #snowfall #snowfall






ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો