શુક્રવાર, 14 જૂન, 2024

SAHASTRA TAAL TRAGEDY 02/03

 

 

SAHASTRA TAAL TRAGEDY

02/03

ચોથી જૂનનો દિવસ ઉગ્યો,સવાર પડી,બપોર પડી અને ક્રમશ: સાંજ પણ પડી ગઈ.વાતાવરણના ભયાનક થપેડાંમાં ભૂખ્યા–તરસ્યા ટ્રેકરોની હાલત બદ થી બદતર થઇ રહી હતી.મૌસમ જરાપણ મચક આપતું નહોતું.બરફવર્ષા અને ઘના કોહરા સતત છવાયેલાં હતા.દિવસભર રહી-રહીને વરસાદી ઝાપટાં પડી જતા હતા.બેરહેમ હવામાને બે દિવસથી પૂરેપૂરો કહેર વર્તાવ્યો હતો.બધા જ ટ્રેકરો આજે પણ સાવ ખુલ્લા આકાશ નીચે ખડકની ઓથે જીવવા માટે ઝઝુમી રહ્યા હતાં.

ટીમના સૌથી અનુભવી અને સૌથી બુઝુર્ગ મહિલા એવા આશા સુધાકર(71) પહાડ પર જ પ્રકૃતિના ખોળામાં સદા માટે લીન થઇ ગયા.આશાબહેનના પતિ એસ.સુધાકર મજબૂત મનોબળ સાથે બચી ગયા હતા.પોતાની પત્ની સુજાતા મુંગરવારી (52) ને નજર સામે મૃત્યુ પામેલી જોઇને તેમના પતિ વિનાયક મુંગરવારી (55) પણ હિંમત હારી ગયા અને બેરહેમ,કાતિલ ઠંડી સામે જીંક ના ઝીલી શક્યા અને વહેલી સવારે તેઓ પણ પત્નીની રાહ પર સાથ આપવા અગમના રસ્તે નીકળી ગયા.

આજે મદદ મળવાની આશામાં રાહ જોઇને ખડકની ઓઠે બેસી રહેલી ટ્રેકર ટીમ માંથી બીજા ચાર ટ્રેકરો ભયાનક ઠંડી, ઓક્સીજનની કમી અને હાઇપોથર્મીઆ થી તડપી-તડપીને અન્ય પાંચ ટ્રેકરો પણ મોતની ગોદમાં સમાઇ ગયા.આ સાથે ઠંડા પહાડોની બર્ફીલી સતહ પર નવ જિંદગીઓ ઠરી ગઇ હતી અને તેમની બેજાન લાશો પડી હતી. અને બાજુમાં જ બેઠા હતા અતિશય ડરી ગયેલા ભૂખ્યા-તરસ્યા સાથી ટ્રેકરો.

સાંજ પડતા બગડેલા હવામાનનું જોર થોડુંક ઓછું થયુ કે તરત ટીમની સાથે રહેલો ગાઇડ વરસતા વરસાદમાં થોડે દૂર જઈને સિગ્નલ બરાબર પકડાય તેવી પહાડી રિજ પર પહોંચ્યોં અને સિગ્નલ મળતાં સમગ્ર ઘટના પોતાના શેઠ એટલેકે હિમાલયન વ્યુ ટ્રેકીંગ એજન્સીના માલિકને જણાવી અને આ વાતની જાણ થતાં માલિક સફાળો ચમક્યો અને જામતા અંધારામાં તેણે પોલીસને જાણ કરી અને ગઢવાલ માઉન્ટેનીયરીંગ એસોસિએશનના હોદ્દેદારોને પણ જાણ કરી.પછી પોતે પણ પોલીસ સાથે ભટવાડી ગામ તરફ ગાડી લઇને દોડ્યો.

એજન્સી અને પોલીસે સાથે મળીને પોલીસ જવાનોની અને સિલ્લાં ગામના અમુક ખડતલ યુવાનોની એક ટીમ બનાવી કે જેઓ સહસ્ત્રતાલના રસ્તે ગાઇડ અને પોર્ટરના કામ નિયમિતપણે કરતા હતા.ગામના યુવાનો માટે અંધારામાં પણ પહાડી રસ્તાની સારી સૂજબૂજ હતી.

આ તરફ ગઢવાલ માઉન્ટેનીયરીંગ એસો.ના હોદ્દેદારોને પરીસ્થિતીની ગંભીરતાનો અંદાજ આવી ગયો હતો એટલે તેમણે પોલીસ અને સરકારી તંત્રને સજાગ કરી દીધું.સરકારી મહેકમામાં તો જાણે હડકંપ મચી ગયો કેમકે આ વર્ષે ઉત્તરાખંડની સરકાર આમેય ચારધામ યાત્રામાં અવિરત ધસારાને કારણે ખાડે ગયેલાં વ્યવસ્થાપન માટે મીડિયાની તીખી નૌંક પર હતી.તેમાં એક ઓર સવાલીયા નિશાન માટે તે હરગીઝ તૈયાર નહોતી.સરકારે પોતે જ કર્ણાટક સરકાર ને આ બાબતે જાણ કરી.કેન્દ્રિય ગૃહવિભાગ અને AIR FORCE સાથે સંકલન કરી તાત્કાલિક રેસ્ક્યુ મિશન શરૂ કરવાની પેરવી કરી.રાજ્યના પોતાના આપદા પ્રબંધન (SDRF) ને તૈયાર કરી દીધું.તેમણે પોલીસના આલા અધિકારીઓ,વન વિભાગ,ITBP,AIR FORCE,IMF (Indian Mountaineering Foundation), આપદા પ્રબંધન વિભાગ સાથે સંકળાયેલા રેસ્ક્યુ એક્સપર્ટ્સ જવાનો એમ લગભગ તમામ શક્ય વિભાગને ખડે પગે કરી દીધા.

 આ તરફ રાતના ઘેરાતા અંધકારમાં કામે લાગી ગયેલાં સિલ્લાં ગામના જવાનો અને પોલીસની સ્થાનિક બચાવ ટુકડી કોખલી ટોપ સુધી પણ ના જઇ શકી કારણ કે ત્યાં હજુ પણ ઘના કૌહરાની સાથે ભયંકર સ્નો ફોલ ચાલુ હતો.અંધારાના કારણે સ્થિતિ ભયાવહ હતી.તેથી ટીમ પણ અર્ધીરાત્રે લંબતાલના ટેન્ટમાં ­­­પરત ફરી.

ટ્રેકરોની ટીમ હજુ પણ પહાડો પર જીવન–મરણના ઝોલાં ખાઇ રહી હતી.એક-એક મિનીટ તેમના માટે ક્યારે મોત લઇને આવશે તે કહેવું મુશ્કેલ હતું.પલળેલા,ભૂખ્યા અને ખૂલ્લા આકાશ નીચે ઠંડીથી ઠિઠુરતા શરીરે આવા પ્રચંડ હવામાનનો સામનો કરવો પ્રતિક્ષણ દુષ્કર થતી જતી બાબત હતી.અને ચોથી જૂનનો દિવસ આમ પૂરો થયો

પાંચમી જૂનની સવાર પડી અને આજનો દિવસ ઘણી બધી એજન્સીઓના સંકલન થી રેસ્ક્યુનું એક મહામિશન શરૂ થવાનું હતું.સવારનું વાતાવરણ થોડુંક સહ્ય બનતા ટ્રેકરો સાથે રહેલા એક ગાઇડે ઘટનાસ્થળથી થોડેક દૂર પહાડની ધાર પર જઇને મોબાઇલના સિગ્નલ મેળવવાની કોશિશ કરી અને પોતાની એજન્સીનો સંપર્ક કરીને પૂરો ઘટનાક્રમ જણાવીને તાત્કાલિક મદદ મોકલવાનો આગ્રહ કર્યો અને તરતજ SDRF,પોલીસ અને સિલ્લાં ગામના જવાનોની ટીમ બચાવના સાધનો,ખોરાક-પાણી લઇને ઉપરની તરફ પહાડો તરફ નીકળી પડી.

બચાવ ટીમ ટ્રેકરો પાસે પહોંચી ત્યારે નવ લાશોની વચ્ચે ઉંડી ઉતરી ગયેલી લાગણી શૂન્ય આંખો અને ડઘાઇ ગયેલા ચહેરા સાથે સૌ ગહેરા માનસિક આઘાતમાં હતાં.ગઇરાત્રે તેમના પર વીતેલી કાળરાત્રિનો ખૌફ તેમના ચહેરા પર જાણે સ્થિર થઇ ગયો હતો.ટીમે તેમને ખોરાક-પાણીની સાથે આશ્વાસન પણ આપ્યું.

પોલીસ અને SDRF એ પોતાની સાથેના વૉકી-ટોકી અને સેટેલાઇટ ફોનથી નીચેની બચાવ ટીમો જે હવે મહામિશન માટે કમર કસી રહી હતી તે સૌને આ દુર્ઘટના સ્થળના GPS કોઓર્ડીનેટ્સ આપ્યા અને ટ્રેકરોની હાલત અને મૃત્યુ પામેલા સદસ્યો વિશે માહિતી ગ્રાઉન્ડ કંટ્રોલ રૂમને આપી.જે બે ટ્રેકરો ચાલીને નીચે કેમ્પસાઇટ પર જવા સમર્થ હતા અને સંમતિ જતાવી તે બે ટ્રેકરોને લઇને બચાવ ટીમ લંબતાલ માટે નીકળી ગઇ.

દહેરાદૂનના સહસ્ત્રધારા હેલીપેડ પરથી ઉડેલું એક પ્રાઇવેટ ચોપર,ઇન્ડીયન એરફોર્સના બે ચિતા હેલીકોપ્ટરો સાથે એરિયલ રેસ્ક્યુ અને SDRF,વન વિભાગ,પોલીસ અને અન્ય રેસ્ક્યુ એક્સપર્ટ્સ જમીની સ્તરથી રેસ્ક્યુ (Ground Rescue) માટે કામે લાગી ગયા.MI-17 હેલીકોપ્ટર સાથે એક ઓર રેસ્ક્યુ ટીમ સ્ટેન્ડ-બાય ટીમ તરીકે હેલીપેડ પર હાજર રહી.

જે જ્ગ્યા એ દુર્ઘટના ઘટી હતી ત્યાં હેલિકોપ્ટર ને લેન્ડ કરવા માટે સમતલ જમીન પણ દૂર સુધી નહોતી.પહાડી ભૌગોલીક વિષમતા અને દુષ્કર આબોહવાને જોતાં ઓછા વજનવાળા,ઝડપી ઉડી શકે તેવા એડવાન્સ્ડ લાઇટવેઇટ ચોપર એવા ચિતા હેલીકોપ્ટરને ડિપ્લૉય કરવામાં આવ્યા હતા.દુર્ઘટનાસ્થળની સતત બર્ફબારીથી છવાયેલી તાજા સ્નોની સફેદ,સોફ્ટ સતહ જોતાં આવા સંજોગોમાં હેલી ને લેન્ડ કરાવવું,ઢીંચણ સુધી ખૂંપી જતા બરફની અંદર ચાલીને ટ્રેકરોને એક પછી એક બચાવવા એ ઘણુંજ મુશ્કેલીભર્યુ અને સમયનો ભોગ માંગી લે તેવું બચાવકાર્ય હતું.બીજા દિવસે પણ બર્ફબારીતો ચાલું જ હતી.જે બચાવકાર્યને ખાસ્સી પ્રભાવિત કરી રહી હતી.આખા દિવસના હેલિકોપ્ટરોના આંટાફેરા માં પાંચ ડેડ બોડી અને ત્રણ ટ્રેકરોને લઇને આવ્યા બાદ પહાડો પર વળી પાછું વાતાવરણ બગડતા એર રેસ્ક્યુ આજ માટે બિલકુલ નિલંબીત કરવું પડ્યું.પાંચમી જૂન નો દિવસ પણ આમ પૂરો થયો.  

ભારતીય વાયુસેનાના ચોપરો દ્વારા સૌ પ્રથમ જે પાંચ શબ લાવવામાં આવ્યા તેઓની વિગત. છે.

આશા સુધાકર (71)

સિંધુ વાકેલન (44)

ચિત્રા પ્રણીત (48)

સુજાતા મુંગરવારી (52) અને તેમના પતિ વિનાયક મુંગરવારી (55)

 

છઠ્ઠી જુને વાતાવરણ સરખું થતાં વાયુદળના ચોપરોએ બાકી રહેલું રેસ્ક્યુ મિશન પુરૂં કરવા ફરીથી પહાડો  તરફ ઉડાન ભરી.આજે બાકીના જે મૃત શરીરો હતાં તે સતત ચાલેલાં સ્નોફોલના કારણે પૂરેપૂરા બર્ફની સફેદ,ઠંડી સતહ નીચે દબાઇ ગયાં હતાં તેમના પરથી બરફ હટાવીને એ શરીર કાઢવા ઘણું જ વિકટ કામ હતું. ખૂબ લાંબા સમયની ધીરજભરી મહેનતથી એ શરીરો પ્રાપ્ત થયા.આજે છઠ્ઠી જૂને બાકી રહી ગયેલાં જીવિત ટ્રેકરો અને બાકીના ચાર મૃત શરીરોને પરત લાવ્યા.

અને આમ આ મહા રેસ્ક્યુ મિશન પુરૂં થયું.બધી એજન્સીઓના સંકલનથી આ કઠીન કામ પૂર્ણ થયું.કુલ ૧૩ જીવિત ટ્રેકરો પહાડો પરથી નીચે આવ્યા અને ૯ પ્રકૃતિપ્રેમીઓ જે પહાડોની ગોદમાં સમાઇ ગયાં તેમના પાર્થિવ શરીરો નીચે આવ્યા.  

બીજા રાઉન્ડમાં જે ચાર શબ નીચે લાવવામાં આવ્યા તેઓ આ મુજબ હતા.

અનિતા રંગપ્પા (60)

પદ્મિની હેગડે (34)

વેંકટેશ પ્રસાદ (53)

પદ્મનાભન ક્રિશ્નમૂર્તિ (50)

આ નવ ડેડબોડીઓને સડક માર્ગે દહેરાદૂન હોસ્પિટલ મોકલવામાં આવી જ્યા તેમનું પોસ્ટમોર્ટમ કરાવાયું. અને બાકીના જીવિત ટ્રેકરોને હવાઇ માર્ગે દિલ્હી અને ત્યાંથી બેંગલોર પહોંચાડવાની વ્યવસ્થા કરાવાઇ.

ઉત્સાહ અને ઉમંગથી થનગનતા શરીરે પહાડોની દિશામાં જવા ઘેરથી નીકળેલાં એ સાહસિકોના શરીરો સાવ અચેતન થઇ ને,ઠંડા પડીને,લાકડાના કોફીનમાં પેક થઇને સ્વજનોના હાથમાં પાછા આવે ત્યારે સાહસિકો એ ચઢેલો એ પહાડ સ્વજનોની જિંદગી પર આઘાત અને બોજ બનીને તૂટી પડતો હોય છે.અને એ ભાર,એ ચીસ,એ ટીસ,એ પારાવાર વેદના બિલકુલ અકથ્ય અને અસહ્ય હોય છે.  

 (આ શ્રુંખલાના ત્રીજા ભાગમાં પહાડો અને વાતાવરણની અનિશ્ચિતતા વિશે જાણી શકશો.ટ્રેકીંગ અને માઉન્ટેનીયરીંગની ઝીણાં માં ઝીણી વિગતો અને ચોકસાઇ વિશે લખવા બેસીએ તો પાને-પાના ભરાય એટલું લખી શકાય પરંતું મુખ્ય મુદ્દાઓ બાબતે આપને માહિતી મળે એવી વાતો તો જરૂર લઇ આવીશ) 




* શશિકાંત વાઘેલા.

(માઉન્ટેનીયર અને ટ્રેકર)

( દેશના વિવિધ અખબારોના અહેવાલો અને ન્યુઝ ચેનલોના કવરેજ પરથી માહિતી એકત્ર કરીને સિરીઝ ગુજરાતીમાં લખીને ગુજરાતી વાંચકોને માઉન્ટેનીયરીંગ વિષય બાબતે સાચી માહિતી આપવાનો પ્રયાસ છે.ક્યાંક કોઇ સરતચૂક કે માહિતીદોષ રહી જાય તો દરગૂજર કરશો.)

તસવીરોઃ વિવિધ વેબસાઇટ પરથી.

SOURCES :

Times Of India, The Hindu, Deccan Chronicle, Amar Ujala, Indian Express, kmaindia.org, Indiahikes, Outlook india, Hindustan Times,

Lokmattimes,Patrika News & many more News Channel.

 

#sahastratal #tragedy #kma #karnatak #uttarakhand #trekking

#blizzard #snowfall #snowfall

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો