સોમવાર, 26 ઑક્ટોબર, 2020

Ghost Of Gata Loops (Part-02)



Ghost Of Gata Loops (Part-02)

વહેલી સવારે મનાલીથી માલસામાન લાદીને નીકળેલી ટ્રક લેહ તરફ આગળ ધપી રહી હતી.અચાનક આવી ચડેલી ડિલીવરીની વર્ધી લઇને ડ્રાઇવર અને ક્લીનર બન્ને કોઇ ખાસ પૂર્વતૈયારી વિના નીકળી પડ્યા હતા કેમકે આ રસ્તે તેઓ વરસોથી ખેપ મારી રહ્યા હતા એટલે તેમને માટે આ સાવ રૂટીન ઘટના હતી.ક્લીનર બિમાર હોવા છતા કામને ભગવાન માનીને જોડાયો હતો.મનાલીથી રોહતાંગ પાસ ક્રોસ કર્યા બાદ વધુ પડતો સ્નૉફોલ થવાથી પ્રશાસને રોહતાંગ પાસ શિયાળા માટે બંધ કરી દીધો હતો તે બાબતે આ બન્ને જણાંને માહિતી નહોતી.રસ્તામાં એકાદ ધાબા પર બપોરનું જમણ પતાવીને બન્ને જણાં ટ્રકમાં લાગલગાટ ધસી રહ્યા હતા.
સર્ચુ ક્રોસ કરી લીધું હતું.હવે તેઓ જમ્મુ-કાશ્મીર રાજ્યમાં હતા.સર્ચુ એવું સ્થાન છે ત્યાં હિમાચલ પ્રદેશ રાજ્યની સીમા પૂરી થાય છે અને લદાખ પ્રદેશની શરૂઆત થાય છે.અત્યાર સુધીની ટ્રકની મુસાફરી બિલકુલ સાહજીક અને નિશ્ચીંત રહી હતી.નમતી બપોરના પહોરના વાતાવરણમાં ટ્રકે ગાટાલૂપ પ્રવેશનો માઇલસ્ટોન વટાવ્યો.
મનાલી–લેહ હાઇવે પર ગાટા લૂપ નામનો ઝીગ-ઝેગ પહાડી રસ્તો એક અલગ જ ભૃપૃષ્ઠ છે.સર્ચુ પસાર કર્યા બાદ થોડીક વાર પછી “Welcome To Gata Loops” લખેલો મોટો પીળો માઇલસ્ટોન તમારું સ્વાગત કરતો નજરે પડે છે.હવે પછીની યાત્રા ઘણી રોમાંચક અને કંઇક અંશે ડરાવની રહે છે.સ્ત્રીઓના માથામાં નાંખવાની હેર-પીન બેન્ડના આકારમાં સતત આમથી તેમ,ડાબેથી જમણે વળ ખાતા એકવીસ પલટાઓ માર્યા પછી આ પહાડી રસ્તો પૂરો થઇને નકીલા પાસ પહોંચે છે.એક તો સતત ઉંચાઇ પર જતો રસ્તો અને એમાંયે પાછો ઘડીકમાં ડાબી તરફ ડ્રાઇવીંગ કરવાનું આવે તો પાછું ક્યારેક જમણી તરફ હાંકવાનું આવે એમ ઝોલા ખાતા-ખાતા ટોચ પર પહોંચવાનું હોય છે.ઉપર ચઢતા ચઢતા નીચેની લૂપ્સનું મકડી જાલ દ્રશ્ય હેરત પમાડે છે.ડ્રાઇવરની અને તેના વાહનની પૂરેપૂરી કસોટી કરી નાંખતો આ રસ્તો પાર કર્યા બાદ ડ્રાઇવરોને હાશકારો થતો હોય છે.
ટ્રકે ધીમે-ધીમે ગાટા લૂપ ચઢવાનું શરૂ કર્યું.ફૂલ્લી લોડેડ હોવાથી ગાડીને શ્રમ પડી રહ્યો હતો.ડ્રાઇવર ખૂબ જ સિફતતાથી ટ્રકને એક પછી એક ઘુમાવ પર ડ્રાઇવ કરી રહ્યો હતો....પહાડના તીખા વળાંક,સતત ચઢાઇ અને ફૂલ ટ્રક લોડ,આજે જાણે ડ્રાઇવરની આકરી કસોટી કરી રહ્યા હતા.એન્જીન પણ તેની પૂરી ક્ષમતાથી હાંફી રહ્યું હતું.પોતાની સીટ પરથી લગભગ અધુકડો ઉભો થઇને,બન્ને બાહુઓને આમ થી આમ ઘુમાવીને સ્ટિયરીંગને કંટ્રોલ કરતો ડ્રાઇવર આજે જાણે લડાયક યોધ્ધો લાગી રહ્યો હતો.બાજુમાં બેઠેલો ક્લીનર સવારથી માંદો તો હતો જ,એમાં પાછું જમ્યાના એકાદ કલાકમાં પહાડી ઉખડ-ખાબડ રસ્તામાં બે વાર ઉલટી થઇ ગઇ હતી અને તે ખાસો કમજોર પડી ગયો હતો તેથી પોતાની સીટ પર ચૂપચાપ કંબલ લપેટીને અર્ધ ઉંઘભરી આંખે બેઠો હતો.ડ્રાઇવરને કંઇક અનહોનીનો અંદેશો આવી ગયો અને હડિમ્બા માતાને યાદ કરીને રક્ષા કરવાની પ્રાર્થના કરવા લાગ્યો.એક પછી એક ગાટા લૂપ ક્રોસ કરીને ટ્રક ઉપરને ઉપર ચઢી રહ્યો હતો.
એકવીસ લૂપમાંથી અઢાર લૂપ ટ્રકે સફળતાથી પૂરા કર્યા અને જેવો ઓગણીસમો લૂપ ચઢવા માટે વળાંક પર ડ્રાઇવરે સ્ટીયરીંગ પર તાકાત અજમાવી કે અચાનક ટ્રકનું એન્જીન હાંફીને બંધ પડી ગયું.ઢાળમાં અર્ધે ગયેલી ટ્રકને બંધ એન્જીનમાં રિવર્સ લાવીને વળાંક પરની સલામત જગ્યાએ ઉભી રાખી દીધી.અર્ધી મિનીટ તો ડ્રાઇવર માથુ સ્ટિયરીંગ પર ઢાળીને પોતાની નિષ્ફળતાને સ્વિકારતો પડી રહ્યો.કંબલ ચહેરા પરથી હટાવીને ક્લીનર ઉભેલી ટ્રક અને સ્ટિયરીંગ પર માથુ ઢાળીને બેસી રહેલાં ડ્રાયવર તરફ પ્રશ્નાર્થ નજરે તાકી રહ્યો.લાંબો ઉચ્છશ્વાસ ફેંકીને ડ્રાઇવરે ક્લીનર તરફ જોયું અને કહ્યું “ગડ્ડી બ્રેકડાઉન હો ગઇ ! નીચે જાકે દેખતા હું !“...ડ્રાયવરની પાછળ જવાબદારી સમજીને ક્લીનર પણ નીચે ઉતર્યો.
પહાડોની પાછળ સૂરજ આથમવાના હાથવેંતમાં જ હતો.દિવસનાં બચેલાં અજવાળે ડ્રાઇવરે અને ક્લીનરે શક્ય એટલી મહેનત કરીને ટ્રક ફેલ્યોરને રિપેર કરવાનો પ્રયત્ન કર્યો પણ ટ્રક ચાલું ના જ થઇ. હવે તે બન્ને જણાંએ પાછળ આવતા કોઇ ટ્રક કે અન્ય વાહનની મદદ માટે રાહ જોવાનું વિચાર્યું પણ તેમના કમભાગ્યે આ રોડ પરથી પસાર થતી આ આખરી ટ્રક હતી.બન્ને જણાંને સપનેય ખ્યાલ નહોતો કે તેમને અહીં મદદ પહોંચાડે એવું કોઇ વાહન હવે આવવાનું નહોતું ! મોબાઇલ ના સિગ્નલ પહાડો પર બિલકુલ અદ્રશ્ય થઇ જતા હોય છે.તેથી મોબાઇલ કરીને પણ કોઇ મદદ મંગાવી શકાય તેવી શક્યતા નહોતી !
પહાડો ઉપર સાંજ ઢળતાવેંત અચાનજ તાપમાનમાં ભારી ગિરાવટ આવી જાય છે.અને વાતાવરણ આંખના પલકારામાં ઠંડુંગાર બની જાય છે.અંધારાના ઓળા ઉતરવા લાગ્યા અને ડ્રાઇવરને લાગ્યું કે જામતા અંધકારમાં અહીં બેસી રહેવાનો કોઇ મતલબ નથી એના કરતા તો ગમે તેમ રાતભર પહાડ ઉતરીને સર્ચુ જઇને મિકેનીક લઇને સવારે પાછા આવીને ટ્રક ચાલુ કરાવી શકાય.ક્લીનરને સાથે લઇ જવો બે કારણે હિતાવહ નહોતું.એક તો તે સાવ નંખાઇ ગયેલી હાલતે બિમાર અને અશક્ત હતો અને વળી માલસામાન ભરેલી ટ્રકને પહાડો પર આમ સાવ એકલી રેઢી પણ મુકાય તેમ નહોતું. આખરે બન્ને જણાં ભેગા મળીને એ નિર્ણય પર આવ્યા કે મિકેનીક લેવા ડ્રાઇવર ચાલતો નીચે સર્ચુ જશે.અને રાતભર ક્લીનર કેબીન બંધ કરીને ટ્રકમાં રાત વિતાવશે.કેરબામાં પાણી અને ડબ્બામાં રોટી અને થોડાંક બિસ્કીટ પડ્યા હતા.આજની રાત તેના સહારે કાઢવી ક્લીનર માટે બહુ મુશ્કેલ વાત નહોતી.
ક્લીનરને કેબીનમાં રાત વિતાવવાનું કહીને ડ્રાઇવર પહાડોનો ઢાળ ઉતરવા લાગ્યો.વિધીના ખેલમાં બન્ને જણાંએ પોતપોતાનો માર્ગ પકડ્યો હતો.આખી રાત પોતે ચાલતો રહેશે તો જ સવારે સર્ચુ સુધી પહોંચશે એ વાતનો ડ્રાઇવરને ખ્યાલ હતો.સર્ચુ ચોવીસ કિમી દૂર હતું.ગાઢ અંધારામાં,જામતી તિવ્ર ઠંડીમાં એ કોઇ ભુતિયા ઓળાની જેમ ઢાળ ઉતરી રહ્યો હતો.અર્ધી રાત થઇ ત્યાં આસમાનમાંથી સ્નૉફોલની શરૂઆત થઇ ગઇ.કાંપતા શરીરે વરસતા સ્નૉફોલમાં ડ્રાઇવર તળેટીમાં રહેલાં સર્ચુ તરફ ઢસડાઇ રહ્યો હતો.તેને પોતાના ક્લીનર સાથીદારની પણ ચિંતા સતાવતી હતી.
સવારે કૂતરાંઓની ભસાભસથી શ્યામ નેગીએ ટેન્ટની બહાર આવીને જોયું તો રસ્તાની ધારે ખડક પાસે કૂતરાઓની ટોળી કંઇક વસ્તુ જોઇ હશે કે કેમ પણ વ્યગ્રતાથી સતત ભસી રહી હતી.તરત તે પોતાની મહિન્દ્રા થાર ગાડી લઇને બસો મીટર દૂર લોકેશન પર પહોંચ્યો ત્યારે તેના આશ્ચર્ય વચ્ચે અર્ધબેહોશ વ્યક્તિ ખડકની પાછળ ફસડાયેલો પડ્યો હતો.માથા પર,દાઢી પર સ્નોફોલની બર્ફ જામી ગઇ હતી.ચહેરો સિકુડાઇ ગયો હતો અને શરીર સાવ ઠંડું પડી ગયું હતું.શ્યામ નેગી તેને ઉઠાવીને પોતાની ગાડીમાં ટેન્ટ પર લઇ આવ્યો.
એકાદ કલાકની ઘરેલું સારવાર પછી ડ્રાઇવર થોડોક સ્વસ્થ થયો અને શ્યામ નેગીએ આપેલી કોફી પીતા પીતા સમગ્ર ઘટના જણાવી.ડ્રાઇવરને અન્ય એક બેડ ન્યુઝ મળ્યા કે સર્ચુમાં કોઇ મિકેનીક નથી પણ કેલોંગથી વ્યવસ્થા થઇ શકશે.કંઇક તો કરવું પડશે અને જલ્દી કરવું પડશે એ ખ્યાલે ડ્રાઇવરે શ્યામ નેગીને કેલોંગથી જો કોઇ મિકેનીક આવી શકતો હોય તો બોલાવી લેવાની વિનંતી કરી.ત્રણેક કલાકની ફોન,સિગ્નલની મગજમારી પછી એ મિકેનીકે સર્ચુમાં શ્યામ નેગીના કેમ્પિંગ રિસોર્ટ પર આવવાની તૈયારી તો બતાવી પણ ત્રણેયને ખબર હતી કે સતત સ્નૉ-ફોલ ના બગડેલા વાતાવરણ માં મિકેનીકને આવતા આવતા સાંજ તો પડી જ જવાની છે.
મિકેનીકને પણ રસ્તામાં ઘણું જ બગડેલું વાતાવરણ નડ્યું પણ આખરે ઢળતી સાંજે તે પોતાની જીપ લઇને સર્ચુમાં શ્યામ નેગીના રિસોર્ટ પર આવી તો પહોંચ્યોં.અંધારું થવા આવ્યું હતું એટલે ડ્રાઇવર,મિકેનીક અને નેગી ત્રણેય જણાએ સાગમટે નિર્ણય કર્યો કે આવતીકાલે સવારે ગાટા લૂપ જવુ હિતાવહ રહેશે....ચોવીસ કલાક થવા આવ્યા હતા અને ત્રણેયને ભૂખ્યા-માંદા ક્લીનરની ચિંતા સતાવી રહી હતી !
જે હશે તે સવારે જોયું જશે.બસ આજની રાત હેમખેમ નીકળી જાયઅને ભગવાન ક્લીનરની રક્ષા કરે તેવી પ્રાર્થના કરતા રહ્યા.પણ આ ટ્રકની મુશ્કેલી તેમનો સૌનો આટલી આસાનીથી ક્યાં પીછો છોડવાની હતી ?
મધરાતે સર્ચુમાં ભારે સ્નૉફોલ શરૂ થયો અને સવાર સુધીમાં તો આખો રિસોર્ટ અને તેમની બધાની ગાડીઓ ખુદ બર્ફમાં અર્ધી દટાયેલી જોવા મળી.ગાડી લઇને બહાર નીકળવું મુશ્કેલ થઇ ગયું.કેલોંગ, સર્ચુ,ગાટા લૂપ્સ અને છેક લેહ સુધી વાતાવરણ બગડી ગયું અને ભારે સ્નૉફોલ એક દિવસ નહીં પણ લગાતાર પાંચ દિવસ સુધી ચાલ્યો.કેમ્પિંગ રિસોર્ટમાં નેગી,ડ્રાઇવર અને મિકેનીક એક અજીબ ઉલઝનમાં ફસાઇ ગયા હતા.બ્લૉક થઇ ગયા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો