મંગળવાર, 27 ઑક્ટોબર, 2020

Ghost Of Gata Loops (Part-03)


Ghost Of Gata Loops (Part-03)

છ્ઠ્ઠા દિવસે તોફાનનું જોર ઓછું થતા નેગીની મહિન્દ્રા થાર અને કેલોંગ મિકેનીકની જીપ લઇને ત્રણેય જણાં સર્ચુથી ગાટા લૂપ્સ તરફ નીકળ્યાં.ત્રણેય ના મનમાં ટ્રકના રિપેરીંગ કરતા વધુ ચિંતા ક્લીનર વિશે હતી.ડ્રાયવરે તેને ટ્રકમાં છોડ્યા પછી પાંચ દિવસ વિતી ચૂક્યા હતા અને આજે છઠ્ઠા દિવસે તે શ્યામ નેગી અને મિકેનીક સાથે બે વેહિકલ દ્વારા પોતાની ટ્રક તરફ આગળ વધી રહ્યા હતા.સર્ચુ થી નીકળ્યા બાદ ગાટા લૂપ્સ શરૂ થઇ.એક પછી એક લૂપ ક્રોસ કરતા ગયા.સૌનું દિલ જોર-જોરથી ધડકી રહ્યું હતું.સૌ કોઇને ઓગણીસમાં લૂપ પર ખોટકાઇને ઉભેલી ટ્રક સુધી પહોંચવાની તાલાવેલી હતી.
આખરે ઓગણીસમો લૂપ આવ્યો અને ત્યાં ઉભેલી ટ્રક દેખાઇ.નેગીએ અને મિકેનીકે પોતપોતાની જીપ ટ્રકની પાછળ સેફ જગ્યાએ પાર્ક કરી અને ડ્રાયવર બેસબ્રીથી કૂદકો મારીને બહાર નીકળ્યો.પાંચ દિવસથી બર્ફીલા તોફાનની ઝીંક ઝીલીને રસ્તા વચ્ચે ખુલ્લામાં ઉભેલી ટ્રકના દિદાર સાવ ખસ્તાહાલ થઇ ગયા હતા.આખી ટ્રક ચારેકોર બર્ફથી ઢંકાઇ ગઇ હતી.ટ્રકના માલસામાન પર ઢાંકેલું ટાર્પોલીન બર્ફના ભારથી બેસીને ફાટી ગયું હતું.હેવી બ્લિઝાર્ડ્સથી ટુકડા ફાટીને લટકી ગયા હતા.
ત્રણેય જણા ટ્રકની કેબીન તરફ દોડ્યા.તેમને ક્લીનરની ચિંતા સૌથી વધુ હતી.ડ્રાયવરે ઉપર ચઢીને પોતાની તરફનો દરવાજો ખોલી કેબીનમાં દાખલ થયો અને તેની આંખો ફાટી પડી.ક્લીનર તેની જગ્યાએ કડક લાશ બની ચૂક્યો હતો.કેબીનમાં પાણીની બોટલ અને કેરબો વેરવિખેર પડ્યા હતા.એક બોટલ તેના કડક થઇ ગયેલા હાથમાં હજુ ફસાયેલી હતી.નાદુરસ્ત તબિયત અને ભૂખ–તરસથી તેનો જીવ ઉડી ગયો હતો.તેની તરફનો દરવાજો ખોલીને ત્રણેય જણાએ અદબપૂર્વક તેની લાશ નીચે ઉતારી.ત્રણેય જણાંએ આપસમાં મસલત કરીને ક્લીનરની લાશને ત્યાંજ દફનાવવાનું નક્કી કર્યું.ટ્રકથી થોડે દૂર વળાંક પાસે ખાડો કરીને ત્રણેય જણાએ ક્લીનરને તેના કંબલ ઓઢાડીને દફન કર્યો.અને તેના મૃતાત્માને તરસથી શાતા આપવા પાણીની એક ભરેલી બોટલ મૂકી અને તેના જીવની શાંતિ માટે પ્રાર્થના કરી.
વાત ફેલાતી ગઇ અને તે રૂટ પરથી આવતા જતા ડ્રાયવરો તે જગ્યાએથી નીકળે ત્યારે અચૂક પાણીની બોટલ મૂકતા જાય છે.ઘણા ડ્રાયવરોએ ક્લીનરનું ભૂત સાક્ષાત જોયું છે.અંધારી રાતની પહાડી મુસાફરી દરમ્યાન ઘણા ડ્રાયવરો અને બાઇકરોએ નજરે જોયું છે કે ત્રીસી વટાવેલો એક સૂકલકડી યુવાન ઓગણીસમાં લૂપ પર બેબાકળો નજરે ચઢે છે અને હાથથી પીવાના પાણીની બોટલ નો ઇશારો કરીને પાણી માંગતો નજરે ચઢે છે.તેના તરફ જો બોટલ નાંખવામાં આવે તો તે બોટલને અચૂક પકડી લે છે પણ એ બોટલ ભૂતના હાથમાં ટકતી નથી અને જમીન પર પડી જાય છે.અને ક્લીનરના આત્માની ભવોભવની તરસ વણછીપી જ રહી જાય છે.આજની તારીખે ઓગણીસમાં ગાટા લૂપ પર એ તરસ્યું ભૂત એ રસ્તે પાણીની યાચના કરતું ઘણાંને દેખાય છે.અત્યારે ત્યાં તે ક્લીનરના દફનસ્થાને ઇંટોથી એક મઢૂલી જેવું સ્થાનક બનાવીને લોકો તેના માટે પ્રાર્થના કરે છે.પાણીની બોટલ,દારૂની બોટલ,બીડી-સિગારેટના પેકેટ પણ ત્યાં ધરવામાં આવે છે.
બરફના વિષમ તોફાનમાં વિધીના ચકરાવે ફસાયેલા એ બિમાર માણસે તે જગ્યાએ બિમારી,ભૂખ,તરસ,ઠંડીના કારણે જીવ ખોયો છે.અને એ કમનસીબ નો જીવ આજે પણ ભૂત બનીને પહાડો પરના અંધારા સન્નાટામાં રઝળી રહ્યો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો