ગુરુવાર, 22 ઑક્ટોબર, 2020

Ghost Of Gata Loops ( Part-01)

 


Ghost Of Gata Loops ( Part-01)

સડકમાર્ગે લેહ પહોંચવાના બે માર્ગો છે.પહેલો માર્ગ મનાલીથી રોહતાંગ પાસ થઇને જવાય છે અને બીજો માર્ગ કશ્મીરથી જોઝીલા થઇને જવાય.બન્ને માર્ગ પોતપોતાની રીતે અલગ ભૃપૃષ્ઠ અને મનોહર દ્રશ્યોથી ભરપૂર છે.મનાલીથી લેહ કુલ સોળ થી અઢાર કલાકનો રસ્તો છે જે રોહતાંગ પાસ, ખોકસર,કેલોંગ જિસ્પા,સર્ચુ થઇને લેહ પહોંચાડે છે.

સર્ચુ પસાર કરતા જ આ રૂટની અજાયબી સમો રોડ શરૂ થઇ જાય છે.રસ્તામાં ડાબે-જમણે ફંટાતા હેરપીન બેન્ડ જેવા એકવીસ લૂપ ક્રોસ કરવા પડે છે જેને ગાટા લૂપ્સ કહે છે.જેમ જેમ લૂપ ક્રોસ કરીને ચઢાઇ કરતા જાઓ એમ તળેટીમાં ડાબા-જમણાં ફંટાતા ઝીગઝેગ રસ્તાની માયાજાળ દેખાતી જાય.સતત ચઢાઇ અને આમથી તેમ ડ્રાઇવીંગ કરતા વખતે શારીરિક અને માનસિક રીતે પણ આ રસ્તો થકવી નાંખે છે.પણ પૂરેપૂરી એકવીસ લૂપ ક્રોસ કરો ત્યારે તળેટીના રસ્તાનું મકડી જાલ દ્રશ્ય ખૂબ મનોહર લાગે છે....દિવસે મનોહર લાગતું આ દ્રશ્ય અંધારું થયા પછી ભયાવહ લાગે છે.એમાં પણ જ્યારે ખબર પડે કે આ જ ગાટા લૂપ પર એક જગ્યાએ ભૂત ઘણી વખત દેખાયા હોવાની વાયકાઓ ચાલે છે ત્યારે તો મોડી સાંજે કે રાતની શરૂઆતે ત્યાથી પસાર ના થવામાંજ ભલાઇ છે.આમ પણ પહાડી રસ્તાઓ પર અંધારું થયા પછી વાહનવ્યવહારની મનાઇ જ હોય છે કેમ કે અંધારામાં પહાડી રસ્તા પર જોખમ બમણું થઇ જાય છે.ઘણાં બાઇકર અને ટ્રક-ડ્રાઇવરોને ગાટા લૂપના ભૂતનો ભેટો થયો છે.આજે પણ આ પેરાનોર્મલ ઘટના GHOST OF GATA LOOPS તરીકે ઓળખાય છે...આપણે આખી ઘટનાના મૂળમાં જઇએ.
મનાલી ૧૯૯૯...ઑક્ટોબર અર્ધો પસાર થઇ ગયો હતો.મનાલીના પહાડો પર શિયાળો સુસ્ત કદમચાલે આવી રહ્યો હતો.આસપાસના પહાડોની ટોચે છુટમુટ સ્નૉ-ફોલ શરૂ થઇ ગયા હતા.ભારે સ્નૉફોલ શરૂ થાય કે તરત તંત્રના આદેશાનુસાર દર વર્ષની જેમ રોહતાંગ પાસ શિયાળા માટે બંધ થઇ જવાનો હતો.પણ શુકર છે કે હજુ સુધી વાતાવરણ ઠીકઠાક હતું અને રોહતાંગ પાસ પણ યાતાયાત માટે હજુ ખૂલો હતો. મનાલીથી વહેલી સવારે માલસામાન લાદીને ઉપડેલો ટ્રક લેહ માટે નીકળ્યો.ડ્રાયવર માટે આ રસ્તો અને આ વાતાવરણ અજાણ્યું નહોતું કેમ કે વર્ષોથી તે આ રૂટ પર ખેપ મારી ચુક્યો હતો.તે પોતાની મસ્તીથી પહાડોની ચઢાઇ–ઉતરાઇ,વળાંક પસાર કરતો જતો હતો.ડ્રાઇવરની સાથે કેબીનમાં બેઠેલો ત્રીસી વટાવેલો ક્લીનર સહેજ-સાજ માંદો હતો એટલે માથે ઉની ટોપી અને શરીરે કંબલ લપેટીને ચૂપચાપ બેઠો હતો.શરીરમાં ઝીણો તાવ અને સહેજ કળતર હતું પણ માલસામાનની અરજન્ટ ડિલીવરી આવી ગઇ અને શરીરની સામાન્ય પીડાને ભૂલીને તે ખેપમાં નીકળી પડ્યો.સોળ થી અઢાર કલાકે તો લેહ પહોંચીને માલ ડિલીવર થઇ જશે તેની ડ્રાઇવરને અને ક્લીનરને બન્નેને ખાતરી હતી.એટલે રોજિંદી ઘટમાળની જેમ જ તે બન્ને નીકળી પડ્યા હતા.તેમના માટે આ રસ્તો અને કામ કોઇ નવી વાત નહોતી....તેથી આવનારી પરીસ્થિતીની વિકટતા અને તેના બિહામણાં પરિણામથી બન્ને જણાં સાવ બેખબર હતા.
મનાલીથી પલચાન,ગુલાબા,મઢીના માર્ગે થઇને ઘુમાવદાર રસ્તે ટ્રક આસ્તે-આસ્તે રોહતાંગ પાસ ચઢી રહ્યો હતો.ઉંચાઇ પર આવવાથી વાતાવરણમાં અચાનક જબરદસ્ત ઠંડક વ્યાપી ગઇ.અને સૂસવાટા સાથેનો પવન શરૂ થઇ ગયો.પહાડ પર વાતાવરણનું અનુમાન જરાય લગાવી શકાતું હોતું નથી.થોડીક વારમાં તો વરસાદી બૂંદાબાંદી પણ શરૂ થઇ ગઇ.ડ્રાયવર વધુ એકાગ્ર થઇ ગયો અને ક્લીનર યુવાને કંબલને સહેજ વધુ સંકોરીને ઠંડી ભગાડવાનો પ્રયત્ન કર્યો...જેમ તેમ કરીને ટ્રકે રોહતાંગ પાસ ક્રોસ કરી લીધો. ટ્રક જેમજેમ આગળ વધતો હતો તેમતેમ જાણે તે બન્ને વિધી દ્વારા રચાયેલ પ્રાણઘાતક અગમ્ય જાળમાં ઉલઝતા જઇ રહ્યા હતા અને આ બાબતે તે બન્ને સાવ અજાણ હતા.
જેવો ટ્રક રોહતાંગ પાસ ક્રોસ કરી ને બીજી તરફ ખોકસર તરફ ઉતરવા લાગ્યો કે તરત પહાડો પર વાતાવરણ બગડવાની શરૂઆત થઇ ગઇ. ટ્રક કેલોંગ પહોંચી ગયો ત્યાં સુધીમાં તો પાછળ છૂટેલાં પહાડોની ટોચે રોહતાંગ પાસ પર માની ના શકાય એટલો ભારે સ્નૉ-ફોલ થયો અને સત્તાવાળાએ શિયાળાની સિઝન માટે રોહતાંગ પાસને બંધ જાહેર કરી દીધો.અને વાહનવ્યવહાર માટે એ માર્ગ આખા શિયાળા માટે સ્થગિત કરી દીધો.હવે આ માર્ગ આવતા ઉનાળે એપ્રિલ-મે ૨૦૦૦માં ખૂલશે. લાહોલ-સ્પિતી વૅલીમાંથી આવતો અને કેલોંગ આગળ મળતો કુંજુમ પાસવાળો માર્ગ તો ભારી બર્ફબારીને કારણે એક અઠવાડિયાં પહેલાં જ બંધ થઇ ગયો હતો. અર્થાત મનાલી થી લેહના માર્ગે દોડતી આ એકલી-અટૂલી છેલ્લી ટ્રક હતી !
કાળની કારમી થપાટો ખાધેલી ટ્રકની આ સફરને આ રૂટ પર લોકો દાયકાઓ સુધી યાદ રાખવાના હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો