મંગળવાર, 13 ઑગસ્ટ, 2019

MAN V/S WILD ( Bear Grylls with P.M Shri Narendra Modi)




ભારતિય હોવાના નાતે એ વાતની તો ખૂશી હોય જ કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી “મેન વર્સીસ વાઇલ્ડ” નામના જગપ્રસિદ્ધ શૉ મા બેર ગ્રિલ્સ સાથે આવે.હંમેશા નવું વિચારતા,નિતનવા પ્રયોગો કરતા શ્રી મોદીએ આ શૉ મા ભાગ લઇને એક નવાજ પરિમાણના દર્શન કરાવ્યા.ભૂતપૂર્વ યુ.એસ પ્રેસિડેન્ટ બરાક ઓબામા પણ આ શૉ નો હિસ્સો રહી ચૂક્યા છે.અને એ જ તર્જ પર આપણા પી.એમ. પણ આ શૉ મા આવીને દુનિયાભરમા આકર્ષણનું કેન્દ્ર બની ગયા.
પણ તટસ્થતાથી જોઇએ તો આ આખો એપિસોડ ધાર્યા કરતા ખૂબ મોળો અને ફિક્કો રહ્યો.નમક કમ હતું આખા એપિસોડમાં...જાણે મસાલા નાંખ્યા વગરની સાદી જૈન થાળી જમતા હોય તેવો રંજ રહ્યો.સાહસનો એપિસોડ સાવ આવો ફિક્કોફસ્સ હોય એ તો કેમ ચાલે ? જરાય થ્રિલ નહી અને જરાય ગુઝ-બમ્પ્સ નહી.ઐસા તો ના સોચા થા ! માના કી મોદીજી ભાગી-દોડી ના શકે,અન્ય સાહસિક પ્રવ્રુત્તિઓ ના કરી શકે પણ એમની ઉંમર અને ડિગ્નિટીને ધ્યાનમાં લઇને પણ આ આખો એપિસોડ વધારે રોચક બની શકે તેવી રીતે ડિઝાઇન કરી શકાયો હોત,પણ શાયદ ક્રિએટિવ ટીમ એ કરી ના શકી.જંગલમા તફરિહ કરતા-કરતા ઇન્ટરવ્યુ લેવાતો હોય તેવું જ લાગ્યુ.
બેર ગ્રિલ્સ એના દરેક એપિસોડમા શ્વાસ થંભાવી દે તે રીતે ફિલ્ડ માં એન્ટ્રી લેતો હોય છે અને આપણે તેને એ જ રીતે જોવા ટેવાયેલાં છીએ ત્યારે તેણે આ એપિસોડ માં જીમ કોર્બેટ ના હેલીપેડ પર જે સાદી રીતે એન્ટ્રી મારી ત્યાંજ મારા તો પૈસા પડી ગયા.(સાહસ ગણવું હોય તો એટલું કહી શકાય કે જેવું હેલિકોપ્ટર લૅન્ડ થયું ત્યારે તરતજ દરવાજો ખોલીને ચાલુ રૉટર બ્લેડથી બચતો એ કેમેરા તરફ આવી ગયો...શાબ્બાસ ! )
એ તો પોતાના નિયત સ્થાન પર આવી ગયો પણ Modi ની સવારી બે કલ્લાક Modi પડી.બન્ને જણાં સમયપાલનના ચુસ્ત હિમાયતી હોવા છતા કેમ આવું થયું એ સંશોધનનો વિષય છે.આ બે કલાકના વિલંબ દરમિયાન બેર કહેતો હતો કે “મોડું થઇ રહ્યું છે,વરસાદ શરૂ થઇ ગયો છે અને ઠંડી પણ વધી ગઇ છે,મને પી.એમ.મોદીની ચિંતા થઇ રહી છે.” ત્યારે સહજ હસવું આવી ગયું કે બેર..ભઇલા....અમને તો તારી ચિંતા થઇ રહી છે કે એપિસોડ ના અંત સુધીમા મોદી “ભાજપ સદસ્યતા અભિયાન-૨૦૧૯” અંતર્ગત તને ભાજપની પ્રાથમિક સદસ્યતા ના અપાવી દે ! ! !
બે-ત્રણ વખત બેરએ મોદીને તેમના ડર વિશે પૂછ્યું પણ સાહેબે તો એ સવાલને દર વખતે સિફતતાથી ઉડાવી દીધો.પ્રકૃતિની વાતમાં ઘણીવાર મોદીજી બેરને પણ ગાંઠયા વગર વધુ જ્ઞાન પ્રદર્શિત કરવાના પ્રયત્ન મા દેખાયા.ઘણીવાર તો એની એ જ જૂની પુરાની ક્લીશૅ વાતો જે આપણે સૌ એક લાખ ચાલીસ હજાર આઠસો ને છપ્પન વખત સાંભળી ચૂક્યા છીએ તે વડનગર, ચા ની કિટલી,માતાજી,,સ્વચ્છ્તા,મગરનું બચ્ચું ઘરે લઇ આવ્યા, તાંબાના લોટાથી કપડા ને ઇસ્ત્રી,ઘર છોડીને હિમાલય ભાગી ગયા વગેરે વગેરે સાંભળવા મળ્યું પણ ડિસ્કવરી જોતા સમગ્ર પૃથ્વીના દરેક દેશો માટે જરૂરી માહિતી ના લાભાર્થે અને આ વાતોની ગ્લોબલ જરૂરિયાતને સમજીને ઉદાર દિલ રાખીને વધુ એક વાર સાંભળી લીધી....આપણને પાછું એવું કોઇ ખોટ્ટું અભિમાન નહીં ! ! !
કરિયાણાંની દુકાને વેચાતી સૂતળી પણ બેર તેના થેલામાં લઇ આવ્યો હતો,.મોદીજી ને ભાલો બનાવી આપ્યો.પણ મોદીજીને અહિંસાના સંસ્કાર યાદ આવી ગયા.આમાં ગજબનાક કન્ફ્યુઝન મોદીજીએ એ કર્યું કે સ્વ-બચાવ માટે શાસ્ત્રો પણ મંજૂરી આપતા હોવા છતા સામો વાર કરવા બાબતે મોદીજી ને સંસ્કારો નડ્યા,પણ એ જ વાક્યના ઉત્તરાર્ધમાં મોદીજી કહે કે આ ભાલા વડે હું બેર નું રક્ષણ કરીશ.(કેવી રીતે ? ત્યારે સંસ્કારોના હનન નું શું ? ! )
એક જ વાક્યમાં બે અંતિમ ધ્રુવ વાળુ વાક્ય શ્રીમાન નરેન્દ્ર મોદી જ બોલી શકે.
હાથીની લાદ અને કઢી પત્તા સુંઘાડવાથી એપિસોડ સાહસિક ના થઇ જાય ! આખા એપિસોડમાં સર્વાઇવલ વિશે લગભગ કંઇજ ઉલ્લેખ ના થયો.NDRF ની ટીમ પૂરગ્રસ્ત વિસ્તારો મા રબર-બૉટ મા નાગરિકોને બેસાડીને બોટને ધકેલતા હોય તે રીતે સાવ છીછરી નદીમાં મોદીજીને ઘાસફૂસ વાળી હોડીમા બેસાડીને બેર ગ્રીલ્સે ધક્કો માર્યો.નદીમાં શ્રીજી ની મૂર્તિ પધરાવવા જતા હોય તેવું દ્રશ્ય ઉપસી આવ્યું.ગણપતિ બાપ્પા મોર્યા !
બેર ગ્રિલ્સની આખી જિંદગીનો શાયદ સૌથી નિરાશાજનક અને નકલી લાગતો એપિસોડ આ હતો.આપણે દુનિયાભરની ખાણીપીણી,ફિલ્મો,રિયાલિટી શૉ નું ભારતિયકરણ કરીને “ઍડેપ્શન આર્ટ“ મા માહિર પ્રજા છીએ.પણ જ્યારે સાહસની વાત આવે અત્યારે આખો એપિસોડ આટલી હદે નિર્વિર્ય અને નિસ્તેજ ના બની જવો જોઇએ.ફાર્મહાઉસ પર વિક-ઍન્ડમા ટહેલતા હોય તે હદે કચકચાવીને ભારતિયકરણ ના કરવાનું હોય.આ પહેલો એપિસોડ હતો જેમાં બેર કરતા તેમના પાર્ટિસિપન્ટ વધુ બોલ્યા ! હું માનનિય અમિત શાહ નો શુક્રગુજાર છું કે અંતે આવીને બેર ગ્રિલ્સને કેસરી ખેસ ના પહેરાવ્યો !
આ એ જ બેર ગ્રિલ્સ છે જે વર્ષોથી મારો રોલ-મોડેલ રહ્યો છે.તેના લગભગ દરેકે દરેક એપિસોડ ત્રણ થી ચાર વાર જોયા છે. મનાલીમા મારા માઉન્ટેનિયરીંગના બન્ને કોર્સ દરમિયાન મારા બેડ ઉપરની બારી પર તેનો ફોટો પ્રેરણાસ્ત્રોતની રીતે લગાવી રાખ્યો હતો.તેને કદીયે હું આવા નબળા એપિસોડમાં કલ્પી શકતો નથી.જે પણ વ્યક્તિ બેર ગ્રિલ્સ ને વર્ષોથી જાણે છે અને તેના દિવાના છે,તેના માટે આ એપિસોડ એક નાઇટમેર સમાન હતો !

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો