સોમવાર, 29 જુલાઈ, 2019

કારગીલ ની યાદો.(ભાગ-૨)



કારગીલ ની યાદો.(ભાગ-૨)

બસ એક જ ધૂન હતી સૌના દિમાગમાં કે સવારના સાત વાગ્યા સુધીમાં જોઝી-લા ઓળંગી લઇએ.આતંકવાદગ્રસ્ત રસ્તામાંથી પસાર થતા અમે સૌ બાઇકરોને કોઇપણ જાતની હાનિ ના પહોંચે એ માટે કારગિલ પ્રશાસને વહેલી સવારના ત્રણ વાગ્યા થી સાત વાગ્યા સુધીનો કારગિલ થી સોનમર્ગ સુધીનો સમગ્ર રૂટ બાઇકરો સિવાયના તમામ વાહનવ્યવહાર માટે બંધ રાખીને અમારા માટે સેફ પેસેજ ની વ્યવસ્થા કરાવી હતી.
ત્રણ વાગ્યાના અંધારામાં બધા બાઇકરો પોતાનો સામાન પિલીયન સીટ પર ચુસ્તીથી બાંધીને આદેશાનુસાર કારગિલની તંગ ગલીઓમાંથી એક કતારમાં બહાર નીકળવા માંડ્યાં.રાત્રે થંભી ગયેલા વરસાદના કારણે આકાશ હજુ પણ ગોરંભાયેલું હતું.અને અત્યારે બુંદાબાંદી તો ચાલુ જ હતી. અર્ધી ઊંઘમાંથી જાગ્યા હોવાથી બદનમાં હજુ પણ સુસ્તી હતી.રાત્રે સૂતા વખતે પહેરેલા કોરા કપડાંને પ્લાસ્ટિકબેગમાં લપેટીને અમે સૌ એ જ પાછા ગઇકાલના ભીના પેન્ટ અને જેકેટમાં આવી ગયા હતા.ફરીથી એ જ ભીના મોજા,ભીના બૂટ અને ભીના ગ્લૉવ્ઝ સાથે અમે નીકળી પડ્યા હતાં.માંડ ગરમાવો પામેલા શરીરને ફરીથી ઠંડી લાગવાની શરૂઆત થઇ ગઇ હતી.વરસાદમાં પલળવાનું પણ શરૂ થઇ ચુક્યું હતું.
કારગિલ પાછળ છૂટી ગયું હતું અને અમારો બાઇકર-કારવાં પહાડી આંટીઘૂંટીમાં ચકરાતા રસ્તે આગળ વધી રહ્યો હતો.રાતના પાછલા પહોરમાં,ઘેરાયેલા અંધકારમાં ૧૦૪ બાઇકરો એક કતારમાં જોઝી-લા તરફ ધપી રહ્યા હતાં.દરેક બાઇકની લાલ ટેલ લાઇટની સરકતી સિરીઝ મારી આગળ ના બાઇક સુધી આવીને ખતમ થતી હતી.અંધારામાં જાણે લાલ મોતીનો નેકલેસ અપને આપ સરકતો પહાડ ચઢી રહ્યો હોય તેવું મનોરમ દ્રશ્ય કદાચ આખી જિંદગીમાં ફરીવાર જોવા નહીં મળે.આજે પણ એ દ્રશ્ય યાદ કરતાંની સાથે આજે પણ રોમાંચ થઇ આવે છે,અહોભાવ જાગી ઉઠે છે.
ચારેક વાગ્યાનાં ભળભાંખળે ધ્યાનમાં આવ્યું કે દર એક કિલોમીટરે અમારી સુરક્ષા માટે એ.કે.૪૭ સાથે આર્મીનો જવાન એલર્ટ પોઝિશનમા ખડો હતો અને દર પાંચ કિલોમીટરે ભારતિય સૈન્યની એક જીપ અમારા સૌની હિફાજત માટે મુશ્તૈદ હતી. તેમની આ ફરજપરસ્તી માટે અમે સૌ ચાલુ બાઇકે થમ્સ–અપ ના સાઇન સાથે તેમનો પણ હૌંસલો બઢાવતા રહ્યા.ગુડ મોર્નિંગ અને દૂઆ-સલામ હવામાં ગૂંજતા રહ્યાં.અમારા સૌની સુરક્ષા માટે તત્પર ઇન્ડિયન આર્મીના આવા નરબંકા જવાનોને જોઇને શરીરને લાગતી ઠંડી અચાનક છૂમંતર થઇ ગઇ અને ખૂનમા ગર્મી આવી ગઇ.રુધીરાભિસરણ તેજ થઇ ગયું અને શરીરમાં એક જોમ વ્યાપી ગયું.રસ્તામાં આવતી મિલીટરી છાવણીઓ અને ચેકપોસ્ટો પરના ઑફિસરો પણ અમારી સાહસયાત્રાને “શાબ્બાસ” ના નારા સાથે બિરદાવતા રહ્યા.
વરસાદ હવે બિલકુલ બંધ થઇ ગયો હતો અને બાદલ છંટાઇ જતા આકાશ સાફ થઇ ગયું.અંધકાર પણ વરસાદની સાથે ગાયબ થઇ ગયો.હવે પહાડી રસ્તાના બદલે અમે સૌ આજુબાજુ વિરાટ પહાડોથી ઘેરાયેલા સમથળ લીલીછમ્મ ખીણ ના રસ્તે હતા..આ તરાઇ પ્રદેશમાં ડ્રાઇવીંગમાં થોડું સુકૂન વર્તાયું. અને સૂરજ અમારી પાછળની દિશામાં ઉગ્યો.સવાર ના સોનેરી કિરણોની અસરથી નજર સામેના બર્ફ મઢ્યા શિખરો પર જાણે પિગળેલું સોનું ઢોળાયું. નર્મ ગૂનગુની ધૂપ પૂરી વાદિયોંમા ફૈલાઇ ગઇ.વાતાવરણમાં જાણે એક રુહાનિયત છવાઇ ગઇ.”સીઇંગ ઇઝ બિલીવીંગ” ના આવા દિવ્ય વાતાવરણમાં અમે સદેહે વિચરી રહ્યા છે તેવા ખ્યાલમાત્રથી મનોમન ઇશ્વરને વંદન થઇ ગયા.
પણ ખ્વાબો સમી આ ખૂશનસીબી જાજી ના ટકી.જોઝી-લા દર્રા પસાર કરતા અમારા જીવ ઉંચા થઇ ગયા.લેહ-કાશ્મીર ના રસ્તે આ જોઝી-લા સૌથી વિકટ સ્થાન છે.બધીજ પહાડી અગવડતા અને ખતરનાક ઢોળાવોથી બચતા અમે સૌ હેમખેમ જોઝી-લા ક્રોસ કરી લીધો.નિયત સમયમર્યાદામાં અમે સૌએ અમારો રૂટ સંપન્ન કરીને કારગિલ પ્રશાસને અને ભારતિય સૈન્યે અમારા પર મૂકેલા ભરોસાને સાર્થક કરી બતાવ્યો.સૈન્યના જવાનોએ અમારા માટે ચાય-નાસ્તાની સગવડ પૂરી પાડી.જવાનોને સૌ ગળે મળીને છૂટા પડ્યા અને ત્યાંથી સોનમર્ગ આવ્યા.સોનમર્ગની ટુરિઝમ ઑફિસના કંપાઉન્ડમા બાઇક પાર્ક કરીને સૌ લૉન માં આડા પડ્યા અને થાકેલાં શરીરે સૌ બાકી રહેલી ઊંઘ પૂરી કરવા પળવારમાં ઘસઘસાટ ઊંઘી ગયા.
સાહસયાત્રા તમને કિતાબી દુનિયાની બહારનું શિક્ષણ આપે છે.દરો-દિવાર વગરની આ પાઠશાળામાં જે ભણ્યો એ ભવસાગર તર્યો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો