શુક્રવાર, 26 જુલાઈ, 2019

કારગીલ ની યાદો.(ભાગ-૧)

કારગીલ ની યાદો.(ભાગ-૧)

તે દિવસ અમારા માટે બહુ જ લાંબો હતો.લેહ થી નીકળેલા અમે સૌ બાઇકરો રાત્રે પોણા આઠે માંડ માંડ કારગીલ પહોંચ્યા હતા.બપોર પછી સતત વરસતા વરસાદમાં બાઇક ચલાવતા રહ્યા હતા.ભીના થઇ ગયેલા હેન્ડગ્લૉવ્ઝ થી હાથ સરકી જતા ક્લચ દબાવવામાં અને એક્સેલેટર આપવામાં તકલીફ પડી રહી હતી.હેલ્મેટના વાઇઝર(કાચ) વરસાદ ના લીધે સતત ધુમ્મસી થઇ જતા હતા.તેને દર ત્રીસ સેકન્ડે ભીના ગ્લૉવ્ઝવાળા હાથે સાફ કરવું પડતું નહીતો છતી આંખે આંધળા થઇને જોખમી બાઇકીંગનો એહસાસ થતો.પિલીયન સીટ પર મુશ્કેટાટ બાંધેલો સામાન દોરડા ભીના થવાથી હલવા લાગ્યો હતો.રેઇનવેર પહેરેલાં હોવા છતા હેલ્મેટ ની ધારે થી ટપકતું ઠંડુગાર પાણી કોલર ભીના કરીને જેકેટ ની અંદર દદડતું ફીલ થઇ રહ્યું હતું.આગળવાળી બાઇકની ચમકતી લાલ ટેઇલ લાઇટ જોઇને ઉખડખાબડ,લપસણાં રસ્તે સૂનમૂન થઇને એક કતારમાં અમે બધા એકધારા જઇ રહ્યા હતા.વરસાદી વાતાવરણમાં પાછો પહાડી ઠંડીવાળો ઠાર ભળ્યો હતો.અમારી વિચારશક્તિ પણ જાણે ઠૂંઠવાઇ ગઇ હતી.યંત્રમાનવની માફક બધા બાઇકરો એક કારવાંમાં એકધારા કારગીલ તરફ ધસી રહ્યા હતા.
કારગીલ પહોંચવાના ત્રીસેક કિમી બાકી હતા ત્યાં વરસાદે વિરામ લીધો.અને સાફ થયેલા આકાશમાં ફૈલાયેલી સૂરમયી શામ માં લાલ-પીળા લસરકાઓથી ચમક વ્યાપી ગઇ.વિપરીત પરિસ્થિતીમાં દિવસભર એકધારું બાઇકીંગ કરીને થાકેલાં અમને સૌને પણ આ રંગીન આકાશી ઘટનાથી રાહત વળી.પણ કમનસીબે આ દ્રશ્ય બહુ લાંબુ ના ચાલ્યું.પહાડો પર જલ્દી ઢળી જતી સાંજ ના સિયાપ્પામાં આ નજારો ઘડીકમાં અદ્રશ્ય થઇ ગયો અને એ સાથેજ અમારા સૌની બાઇકોની હેડલાઇટો ઓન થઇ ગઇ.સાંજ ઢળવાના બે-ચાર કલાક પહેલા નેક્સ્ટ ડેસ્ટીનેશન પર પહોંચી જવાની અમારી ગણતરી વરસાદ ના કારણે આજે ખોટી પડી ગઇ હતી.કીચડથી ભરેલાં અને લપસણાં થયેલાં ઉખડખાબડ પહાડી રસ્તા પર લાદેલા સામાન સાથે અંધારામાં બાઇકીંગ કરવું ભારે જોખમી છે અને અમે એ જોખમ લઇ રહ્યા હતા.ગાઢ અંધારામાં લગભગ દોઢેક કલાક આવુ બાઇકીંગ કર્યા બાદ ડાબી બાજુ ખૂલેલી ખીણમાં લાઇટોથી ટમટમતું કારગીલ દેખાયું.પણ તો યે હજુ કારગીલ અર્ધો કલાક દૂર હતું.કારગીલની ભાગોળે આવેલા પહાડી પરના પેટ્રોલપંપ પર બધાએ પોતાની બાઇકમાં પેટ્રોલટેન્ક ફૂલ કરાવી લીધી.
પોણા આઠ-આઠ વાગ્યા અને અમે અમારા ઉતારે પહોંચ્યા.બાઇક પરથી ભીનો થયેલો સામાન ખોલ્યો.કપડા બદલીને માંડ કોરા થયા.શું ખાધું એ તો યાદ નથી પણ એક સાંકડા રૂમ માં બધા સાંકડમૂકડ ગોઠવાયા હતા એ યાદ છે.ઊંઘવાના સમયે જાહેર થયું કે બધા બાઇકરોની સલામતી માટે કારગીલ થી સોનમર્ગ સુધીના રસ્તે કારગીલ પ્રશાસને સેફ પેસેજ પૂરો પાડ્યો છે.એ દરમ્યાન બાઇકરો કારગીલ થી રવાના થાય ત્યાથી લઇને જોઝી-લા ક્રોસ કરીને સોનમર્ગ પહોંચે ત્યાં સુધી બાઇકરો સિવાયનો બાકીનો બધો વાહનવ્યવહાર ફરજિયાત સ્થગિત કરી દેવાશે.આ નિર્ણય અમારા માટે ગૌરવશાળી ક્ષણ હતી.પણ તેના માટે અમારે સૌએ રાત્રે બે વાગ્યે ઉઠીને ત્રણ વાગ્યે કારગીલ થી રવાના થવાનું અને કોઇપણ ભોગે સવારના સાત વાગ્યા સુધીમાં જોઝી-લા ક્રોસ કરી દેવાનો હતો કેમકે લેહ-કાશ્મીરના આ એકમાત્ર રૂટની કોમર્શિયલ વાયેબિલીટી જોતા વધુ સમય સુધી આ રૂટને બંધ રાખવો પ્રશાસનને પોષાય તેમ નહોતો.
બીજા દિવસની વાત બીજા ભાગમાં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો