ગુરુવાર, 21 ફેબ્રુઆરી, 2019

જાંબાજ સૈનિકો,કૉન્વોય અને ખૂન મા વહેતા લશ્કરી મિજાજ ની આદત

જાંબાજ સૈનિકો,કૉન્વોય અને ખૂન મા વહેતા લશ્કરી મિજાજ ની આદત
૨૦૦૯ મા સડક માર્ગે બાઇક પર લેહ ગયો ત્યારે સૈનિકોની મૂવમેન્ટ જોવા મળી હતી.એક પછી એક ટ્રકોમાં લદાયેલા શસ્ત્ર–સરંજામ,ખાધા-ખોરાકીઅને અન્ય જીવનનિર્વાહની ચીજો સાથે સૈનિકોની આખી પ્લેટૂન જ્યારે એક સ્થળેથી બીજા સ્થળે મૂવ કરતી હોય ત્યારે વાતાવરણ મા એક અદ્રશ્ય ચાર્જ/કરંટ ફીલ થાય.સ્થળાંતર કરતા આવા લશ્કરી દસ્તા ને કૉન્વોય કહે છે.પહાડી રસ્તા પર જ્યારે કૉન્વોય પસાર થતો હોય ત્યારે બાકી બધાજ સિવીલીયન ટ્રાફિક ને સ્થગિત કરી દેવામા આવે છે.અને તેમને પસાર થવા દેવાની સહુલિયત ને અગ્રિમતા અપાય છે.
લશ્કરી કૉન્વોય મોટેભાગે શક્તિમાન ટ્રકોમાં મૂવમેન્ટ કરતો હોય છે. 4 x 4 ક્ષમતા ધરાવતી આ શક્તિમાન ટ્રક જબલપુર ની લશ્કરી ફેક્ટરીમા બને છે.
જ્યારે જ્યારે કોન્વૉય શબ્દ કાને પડે અથવા કોન્વૉય ને પસાર થતા જોઉં ત્યારે મારા ફેવરિટ લેખક ચંદ્રકાન્ત બક્ષીની લઘુવાર્તા “ડોગરાઇ જતા કૉન્વોય” અવશ્ય યાદ આવી જાય.
એ જ ૨૦૦૯ ની અમારી લદાખ ની બાઇક ઍક્સ્પિડીશન વખતે કારગીલ થી જોઝીલા (પાસ) સુધી અમારી સુરક્ષા માટે ભારતીય સેનાએ અમને સેફ પેસેજ આપ્યો હતો. દર અર્ધા કિ મી ના અંતરે એકે-૪૭ ધરાવતા સૈનિકો અમારી સુરક્ષા માટે ખડે પગે ઉભા રહ્યા હતા.
હમણાં છેલ્લે ઑગસ્ટ ૨૦૧૮ ની મારી લદાખ ની ટ્રીપ વખતે હું લદાખ ના દૂર-દરાજ ના આંચલિક ગામ પૂગા-સૂમઢો માં ત્રણ દિવસ રોકાયો હતો ત્યારે પણ ચાઇના બૉર્ડર પરથી પરત ફરતો અને લેહ તરફ જતો લશ્કરી કૉન્વોય જોવા મળ્યો હતો.બે-ત્રણ શક્તિમાન ટ્રક અમારા રેસ્ટોરન્ટનૂમા એકોમોડેશન ટેન્ટ પાસે ઉભી રહી અને બિસ્કીટ્સ,કોલ્ડડ્રીન્ક્સ ની ખરીદી કરી હતી.ખુલ્લા દિલે હસતા,મજબૂત શીખ જવાનોની સાથે અલપ-ઝલપ વાતો કરી સીના-બ-સીના થયો હતો.( પ્રસ્તૂત તસવીર એ જ જગ્યાએ ક્લીક કરેલી છે).
બાળપણ મારું અમદાવાદના શાહીબાગ કેન્ટોન્મેન્ટ વિસ્તાર મા વીત્યું હોઇ મારા ઘડતરમાં પણ એક લશ્કરી શિસ્ત ઇનબિલ્ટ છે.કેન્ટોન્મેન્ટ વિસ્તાર ની હોર્સ રાઇડીંગ ક્લબ મા ઘોડેસવારી શીખ્યો છું.સ્કૂલ લાઇફ મા સ્કાઉટ અને આર.એસ.પી(રોડ સેફ્ટી પેટ્રોલ) અને કોલેજકાળમાં N.C.C. AIR WING નો કેડેટ રહી ચૂક્યો છું.રાઇફલ શૂટીંગ શીખ્યો છું.અને વડોદરા ના હરણી ઍરપોર્ટ પર ગ્લાઇડિંગ ની પણ તાલીમ લીધેલી છે.
ગાંધીનગર પાસે ચિલોડા મા બી.એસ.એફ ના જવાનો માટે ફોટોગ્રાફી નો બે દિવસનો વર્કશૉપ મે ડિઝાઇન કરીને મે જવાનોને મારી સેવા આપી હતી.બન્ને દિવસે પાંત્રીસ કિ મી દૂરથી બી.એસ.એફની જીપ મને ઘેર લેવા-મૂકવા આવતી અને બસમાં બેસતા–ઉતરતા ડ્રાઇવર મને એકદમ કડક સેલ્યૂટ સાથે અભિવાદન કરતો ત્યારે શેર લોહી ચઢતું.બન્ને દિવસ જવાનો સાથે ઘણી બધી વાતો જાણી. તેમની ઇન્સાસ રાઇફલ વિશે પણ જાણ્યું.
માઉન્ટેનિયરીંગ ના બેઝિક અને ઍડવાન્સ કોર્સ મા પણ સતત બે વરસ સુધી ૨૮ દિવસો માટે પહાડો પર કમાન્ડો પેટર્ન થી ટ્રેનિંગ લીધી છે. શરીર તોડ્યું છે અને પહાડો પર પસીનો વહાવ્યો છે.
આજે પણ મારા ઘણાં મિત્રો ઇન્ટેલિજન્સ બ્યૂરો અને D.R.D.O ના ઑફિસરો છે અને અમારી ગૂફતેગુમાં લશ્કરી અનુશાસન નો દૌર આજે પણ અનુભવાય છે.
ડિસેમ્બર અંત સમયે વેસ્ટ બેંગાલ ના સૌથી ઉંચા શિખર સાંદકફૂ-ગુર્દૂમ પર થપેડાં મારતા સૂસવાતા હિમડંખ સમા પવનમા જ્યારે અર્ધી રાત્રે પવનથી ખખડતી બારી બંધ કરવા હું ઉભો થયો ત્યારે કાતિલ ઠંડીમાં પવનના થપેડાંઓ ખાતો સીમા સુરક્ષા બલ (SSB) નો જવાન તેની ચેકપોસ્ટ પર એક જ પૉઝિશનમા ઉભો જોવા મળ્યો ત્યારે મનમા તેના માટે સલામ થઇ ગઇ.ટીમટીમાતા ફાનસના અજવાસમા તેના ચહેરા પર મુસ્તૈદ ફરજ-પરસ્તી સાફ દેખાતી હતી,.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો