ગુરુવાર, 23 ઑગસ્ટ, 2018

કુદરતમાં રખડપટ્ટી અને સેલફોન સિગ્નલ - હવે આ ભ્રમ તોડવો જ જોઇએ.



મોબાઇલ નેટવર્ક વગર કુદરતના ખોળે ફરવાની સૂફિયાણી સલાહો મને હંમેશા ગુસ્સો જન્માવે છે.
હું પોતે હાડોહાડ રખડપટ્ટી નો ચાહક છું અને જીવનમા બહુ નિયમિત અંતરાલ પર કુદરતના ખોળે રખડતો જ રહું છું.
પણ જ્યારે પ્રકૃતિ ના ખોળે મોબાઇલ નેટવર્ક,ફેસબુક વગર તમારી પોતાની જાત સાથે સંવાદ સાધવાની અને આવી બધી સૂફિયાણી વાતો મને જ્યારે વાંચવા-સાંભળવા મળે ત્યારે મારો પિત્તો જાય છે કેમકે હું બહુ જ સ્પષ્ટપણે માનું છું કે જ્યાં રખડીએ ત્યાં મોબાઇલ નેટવર્ક મળવું જ જોઇએ અથવા મળે તે ઘણી સારી બાબત છે.મોબાઇલ નેટવર્કના ના હોવાથી તમારો આનંદનો પ્રકાર અને તિવ્રતા લેશમાત્ર પણ પવિત્ર થઇ જતી નથી કે વધતી નથી.
ઉલટું તમે જ્યાં પણ ગાઢ જંગલમા ફરો કે ઉત્તુંગ પહાડો પર ભટકો ત્યારે હરદમ જો મોબાઇલ નેટવર્ક મળતું રહે તો તે વિષમ આબોહવાની ચેતવણી થી માંડી ને જરૂર પડ્યે સર્વાઇવલ સમયે મદદરૂપ પણ થઇ શકે છે. 
તમે કાંઇ દિવસ–રાત,ચોવીસે કલાક આહ્લાદક કુદરતી નજારા માણતા રહેતા નથી.બહુ જ પાક-સાફ હ્રદયે,કુદરત મા બિલકુલ તલ્લીન થઇને તમે વાતાવરણ માણો તો યે એકાદ– બે કલાક એવા હોય કે જ્યારે તમને કુટુંબીજનો સાથે વાત કરવાની ઇચ્છા થાય,દિવસભર ની ઘટમાળ કહેવાની ઇચ્છા થાય કે પછી આજે પાડેલા ફોટોઝ કે વિડીયો શૅર કરવાની ઇચ્છા થાય તો એ વાત કાંઇ તમારા કુદરત ના સાન્નિધ્ય મા કાટ નથી ચઢાવતી.સંયમિત રીતે ઉપયોગ થાય તો એ ઘટના સારી જ છે.
લેહ સાયક્લીંગ ડોક્યુમેન્ટરી શૂટીંગ મા જ્યારે હું રોહતાંગ પાસ પછી મોબાઇલ નેટવર્ક થી ટોટલી કટ-ઑફ થઇ ગયો તેના બે દિવસ બાદ ૨૩ જુલાઇએ મારી વાઇફનો બર્થ ડે આવતો હતો.તે દિવસે હું બારાલાચા-લા થઇને સર્ચુ પહોંચ્યો હતો.આખા રસ્તે તેને યાદ કરીને હું મન મનાવતો રહ્યો.જો એ વખતે મોબાઇલ નેટવર્ક હોત તો હું હિમાલય ની ઉંચાઇઓ પર થી તેને તહ-એ-દિલ થી શાયરાના અંદાઝ મા વિશ કરવાનો હતો.વિડીયો કોલ થી અફલાતૂન હિમાલય ના દર્શન કરાવવાનો હતો.લેકીન અફસોસ,વો હો ના શકા..તેના બર્થ ડે પછી પણ છેક અઠવાડિયે હું નેટવર્ક રેન્જ મા આવ્યો.આવા સમયે હું કુદરત ના ખૂણે-ખૂણે મોબાઇલ નેટવર્ક મળે તેની સ્પષ્ટ તરફેણમાં છું.કવિ હ્રદય લોકો પ્લીઝ આઘા રહે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો