સોમવાર, 21 મે, 2012

પણ હું જીત ની બસ ચૂકી ગયેલો મુસાફર છુ !



એક ઇતિહાસ બન્યો, મારી બાજુમાં થી જ વાવાઝોડું ફૂંકાયુઅને લોકો એ પોતાનું સ્વપ્ન પુરૂ કર્યુ...અને મને આપ્યો "જોતા રહી ગયા નો ભાવ " !

પુણે ના ૧૨ પર્વતારોહકોએ મા.એવરેસ્ટ સર કર્યા ના ન્યુઝ આવ્યા એ ટીમ મા મારો મિત્ર આનંદ બંસોડે પણ છે.આનંદીયો એવરેસ્ટર બની ગયો...વાઉ...સાલ્લો...નસીબ નો બળીયો..ફેસબુક મા મને નિયમિત વાંચવા વાળા મિત્રો ને તો ખ્યાલ જ હશે કે સોલાપુર (મહારાષ્ટ્ર) નો આનંદ બંસોડે મારો દિલ-અઝીઝ મિત્ર છે.માઉન્ટેનિયરીંગ ના એડવાન્સ કોર્સ મા એની સાથે મારી મુલાકાત થઇ.સાથે હસ્યા,સાથે શ્વસ્યા,સાથે થાક્યા...પહાડો ની થકાન પછી ટેન્ટ મા સ્લીપીંગ બેગ માઘુસ્યા પછી ની અમારી સૂતા પહેલા ની લાંબી વાતો ...પહાડો પર સાથે ચિલ્લાયા હતા એના પડઘા પણ અત્યારે ભોજપત્ર ના ૧૪,૦૦૦ ફૂટ ના અમારા બેઝકેમ્પ પર હજુય ઘુમરાતા હશે.

મારે એ કબૂલ કરવું પડે કે જીવન ની ભવિષ્યની આર્થિક કંડિશન ને પૂરા જોશ થી દાવ પર લગાવી ને એવરેસ્ટ માટે નીકળવાની મારી હિંમત નહોતી.કેમ કે હું મૅરીડ છુ...તેર વરસ ના લબરમૂછીયા નિસર્ગ નો બાપ છુ.એ બન્ને ની જવાબદારી નું પણ મને ભાન છે.આનંદ અપરિણીત છે.એની મા ના દાગીના ગીરવે મૂકીને,બેન્ક માં થી લૉન લઇને અને આછી-પાતળી સરકારી મદદ લઇને એ નીકળી પડ્યો...બસ્સ.. એ તૈયારી મારા મા નહોતી.હું મારા સ્વપ્ન પાછ્ળ મારી વાઇફ ના દાગીના ના વેચી શકુ.નિસર્ગ ની ભવિષ્ય માટે રખાયેલી રકમ ને ના છેડી શકુ...મારા ભારેખમ સ્વપ્ન ની નીચે એમના ભવિષ્યનો ઘાણ નીકળી જાય એ હરગીઝ પસંદ નહોતુ....બાકી જીંદગી ને તો હું અત્યાર સુધી ગૅમ્બલર ની જેમ જીવ્યો છૂ.મોત ની કે અન્ય કોઇ બાબતો થી પાછીપાની ના કરુ.મારા ફેમીલી ના બન્ને જણ ને એ હદે ખ્યાલ છે કે ખુદા ના ખાસ્તા અગર કોઇ દુર્ઘટના ઘટી તો એવરેસ્ટ ની ઊંચાઇઓ પર થી મારુ ડેડબૉડી ઘેર પાછૂ નાફરે અને તેઓ પણ જોવા ના પામે એવી વિકટ પરિસ્થિતીઓ માટે પણ કઠણ કાળજા સાથે તેઓ માનસિક તૈયાર જ છે...પણ હું મારી જિંદગી સાથે ખેલી શકુ..એમના આર્થિક ભવિષ્ય સાથે નહી.

સરકાર કે કોર્પોરેટ સેક્ટર મા આર્થિક મદદ અને સ્પો ન્સરશિપ અંગે નિરાશા જ હાથ લાગી છે...પણ હું સ્વભાવે ફાઇટર છુ.થોડા-થોડા અંતરાલ પર હાંફી ને આરામ કરીને ફરી ત્રાટકવાની અને લડત ચાલુ રાખવાની, નહી હારવા ની સળગતી જીદ સાથે જીવતો વ્યક્તિ છુ.લોઢુ ભર્યુ છે દિમાગમા ...એમ જલ્દી હારુ એમ છું જ નહી...કેમ કે મને ખ્યાલ છે કે અગર પૈસા નો મેળ પડે તો પ્રથમ ગુજરાતી ઍવરેસ્ટર તરીકે હું જ ઉભો છુ.ખુલ્લી આંખે જોવાતું મારુ સ્વપ્ન છે મા.ઍવરેસ્ટ !

બહરહાલ.... આનંદ બંસોડે ને અભિનંદન.. આનંદ,તુ વિજેતા ખરો...પણ હું જીત ની બસ ચૂકી ગયેલો મુસાફર છુ...પાછળ ની બસ મા આવી જ રહ્યો છુ....મારી બસ શાયદ મોડી પડી છે.

દિલ નાઉમ્મીદ તો નહી, નાકામ હી તો હૈ,
લંબી હૈ ગમ કી શામ,મગર શામ હી તો હૈ !

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો