બુધવાર, 28 ડિસેમ્બર, 2022

ATHENA - લોંગ શોટની અફલાતૂન ફિલ્મ.

 ATHENA ફિલ્મનું ટ્રેલર જોયું ત્યારે જ એ મારા Must Watch લિસ્ટમાં આવી ગઈ હતી. નેટ પરથી ડાઉનલોડ કરીને શાંતિથી એ ફિલ્મ જોવા બેઠો અને મારા રૂંવાડા ઉભા થઈ ગયા.

મારી તથા મારા ફેમિલીમાં ત્રણેયની ફિલ્મ જોવાની પેટર્ન વિશે જણાવું તો અમે ક્યારેય ફિલ્મની ફક્ત વાર્તામાં રમમાણ થવાના બદલે કેમેરા મૂવમેન્ટ, ફિલ્મનો કલર ટોન,લાઈટીંગ,એડિટીંગ સ્ટાઈલ વગેરે દરેક પાસા પર પણ સાથેસાથે બારીક નજર રાખતા હોઈએ છીએ.

ATHENA ફિલ્મ શરૂ થયાની બીજી જ મિનિટે ખબર પડી ગઈ કે શરૂઆતથી અત્યાર સુધી વણથંભ્યો એક જ શોટ ચાલી રહ્યો છે. પોલીસ સ્ટેશને ઓફિસરના પ્રેસ નિવેદન બાદ તોફાની તત્વોના અટકચાળા બાદ પરિસ્થિતિ વણસી જાય છે અને તોફાની તત્વો પોલીસ સ્ટેશન ના હથિયાર અને વાહનો તફડાવીને ભાગે છે.

માની ના શકાય એવા અગિયાર મિનિટ લાંબા કન્ટીન્યુસ શોટથી મારા રૂંવાડા ઉભા થઈ ગયા હતાં.આ અગિયાર મિનિટ દરમિયાન અફરાતફરી, આગજની, ધુમાડાના ગોટેગોટા, વાહનો લઈને ભાગંભાગી આ બધા વખતે કેમેરા એકધારો એક શોટમાં ચાલ્યો છે.( કબૂલ કે વચ્ચે સ્માર્ટ મૂવ સાથે સીન ટ્રાન્ઝિક્શન કર્યું હશે)

ફિલ્મ પ્રત્યે અહોભાવ વધારનારી બીજી બાબત એ છે કે આખી ફિલ્મ જે-તે કેરેક્ટરને પકડીને આઠ-દસ મિનિટના સળંગ શોટ થી બનેલી છે. દરેક લાંબા શોટ પછી કેરેક્ટર બદલાય,શોટ બદલાય પણ વાર્તાનો ફ્લો ક્યાંય અટવાતો નથી બલ્કે વધુ સટીકતાથી વાર્તા જામતી જાય છે.

એક જ દિવસમાં,એક જ ઘટનાની આસપાસ ફરીને ફિલ્મ આપણને મજબૂત કન્ટેન્ટ જોયાની ખૂશી આપીને પુરી થાય છે. રચનાત્મક ફિલ્મ જોવાના શોખીન હો તો આ ફિલ્મ મીસ ના કરતા.

મંગળવાર, 17 મે, 2022

ચારધામ યાત્રા દરમિયાન રાખો સાવચેતી.

 



ચારધામ યાત્રા દરમિયાન રાખો સાવચેતી.


ચારધામ યાત્રા શરૂ થયાના અગિયાર દિવસમાં 40 લોકોના મૌત થયા છે અને તેમાં જયાદાતર ગુજરાતીઓ છે એ હકીકત ચોંકાવનારી છે.લગભગ બધા ગુજરાતીઓ આવશ્યક જાણકારી વગર શ્રદ્ધા ના જોરે દોડી જાય છે પણ પહાડો પર પારિસ્થિતીક ઘટનાક્રમ માં શ્રદ્ધા થી બે કદમ આગળ હોય છે સામાન્ય સૂઝબૂઝ અને વાતાવરણની સમજદારી.

માઉન્ટેનીયરની નેશનલ લેવલે સઘન તાલીમ લીધેલી હોઈ આપણાં ગુજરાતીઓની આદતોથી પરીચિત હોઈ આ બાબતે લોકોને વિશેષ કાળજી લેવા માટે સૂચિત કરું છું.

૧. પહાડોમાં જતા પહેલા ઓછામાં ઓછું મહિના પહેલા શારીરિક અને માનસિક સજ્જ થવા માંડો.જો તમે નિયમિત કસરત નથી કરતા તો મહિના પહેલા પાંચ-સાત કિમી ચાલવાની અને એકાદ-બે કિમી હળવા જોગીંગ ની શરૂઆત કરી દો.દરેક સાંધાને કસરત મળે એવી હળવી કસરત થી જામી ગયેલાં સાંધાને ફ્લૅક્સીબલ બનાવો.

૨.ધ્યાન, યોગ, પ્રાણાયામ કરીને માનસિક દ્રઢ થાઓ અને શ્વસન તંત્રને પહાડી પાતળી હવા સામે મજબૂત કરો.

૩.પહાડી યાત્રા દરમિયાન કદી નવા શૂઝ ટ્રાય ના કરો.એને પણ મહિના પહેલા વાપરવાનું શરૂ કરીને તમારા પગના પંજા ના યોગ્ય આકારમાં ઢાળી લો જેથી પહાડી યાત્રા દરમિયાન એ ડંખે નહીં.પહાડોમાં તમારા ડંખતા બૂટ-ચંપલ તમારી એનર્જી અર્ધી કરી નાંખે છે અને છાલા (બ્લિસ્ટર) પડવાથી પાણી ભરાવાની શરૂઆત થઈને આખરે તમારી યાત્રામાં વિધ્ન ની શરૂઆત થઈ જાય છે.છાલાથી તમને અશક્તિ અને તાવ પણ આવી શકે છે.

૪.આપણે સૌ ગુજરાતીઓ મૈદાની ઇલાકામાં, સમુદ્ર તલ લેવલે રહેતી પ્રજા હોવાથી જે-તે પહાડી યાત્રાના બેઝકેમ્પ (દા.ત.કેદારનાથ જવાના હોય તો ઉખીમઠ કે સોનપ્રયાગ) માં એક આખો દિવસ રોકાઈને તમારા શરીરને પહાડી વાતાવરણ સાથે અનુકુલન (એક્લીમેટાઈઝેશન) થવાનો સમય આપો.આ દરમિયાન તમારી હોમટાઉનથી અહીં સુધીના પ્રવાસનો થાક પણ ઉતારો અને પહાડી આબોહવા માટે તૈયાર થઈ જાઓ.

૫.યાત્રા દરમિયાન વરસાદી ઠંડું વાતાવરણ હોવાથી તરસ લાગતી નથી પણ તમારું શરીર તો શારીરિક શ્રમના કારણે શરીરમાંથી પુષ્કળ તરલ ખાલી કરતું રહે છે.તેની આપૂર્તિ માટે તમારા શરીરને સતત હાઈડ્રેટેડ રાખો.પાણી, લીંબુ શરબત,સૂપ સતત પીતા રહીને શરીરમાં પાણીની માત્રા બરકરાર રાખો.

૬.વરસાદમાં પલળવાથી બચો.વરસાદ બંધ થયા પછી ભીના કપડાથી લાગતી ઠંડી તમને માંદા પાડી દેશે.પહાડો પર વરસાદથી બચવા રેનકોટ,પોન્ચો અથવા પ્લાસ્ટિક શીટ વાપરો.ભીના કપડાં તુરંત કાઢી શરીર બરાબર લૂછી કોરા થઈ જાઓ.નવા કોરા કપડાં પહેરી લો.

૭.પહાડ ચઢતી વખતે શક્ય તેટલો ઓછો સામાન રાખો.ઓછી વસ્તુથી ચલાવતા શીખી જાઓ.વધુ સામાન આખરે તો તમારી શક્તિ ઓછી કરતો રહેશે.વધારાનો સામાન હોટેલના ક્લૉકરૂમ માં જમા કરાવીને નિશ્ચિંત રહો.

૮.ચઢાઈ વખતે હાંફ ચઢે એ બિલકુલ સ્વાભાવિક છે તેથી તમને યોગ્ય લાગે એ ગતિથી ધીમે ધીમે પણ મક્કમ ચાલે પહાડ ચઢતા રહો.વારેઘડીએ ઉંચે પહોંચી ગયેલાં અન્ય યાત્રીઓને જોઈને નિરાશ ના થાઓ.દરેક યાત્રીની શારીરિક ક્ષમતા અને ચાલવાની ઝડપ અલગ હોઈ પોતાની જાતને કોઈની પણ સાથે તુલના ના કરો. પોતાને યોગ્ય લાગે એ ઝડપે ચાલ્યે રાખો. બહુ ઉંચે જોવાનું ટાળી તમારા રસ્તા પર જ નજર રાખો તો હતાશા નહીં થાય.બહુ શ્વાસ ભરાઈ જાય તો દિવાલ ના ટેકે, ખડકના ટેકે અથવા ઝાડ કે રેલીંગ પકડીને ઉભા રહીને તમારા શરીરને આરામ આપો.તમારા શ્વાસ નોર્મલ કરો... શક્ય હોય ત્યાં સુધી બેસવાનું ટાળો કેમકે બેસવાથી તમારું શરીર ઠંડું પડવા લાગશે અને પછી ચાલવામાં વધુ શ્રમ લાગશે.શરીરની ગરમી ઓછી ના થવા દો.

૯.પ્રાત:કાળે ચાલવાનું શરૂ કર્યા વખતે જેકેટની ઝીપ ગળા સુધી ટાઈટ બંધ કરી હોય તો કલાકેક બાદ ગરમી લાગવાનું શરૂ થાય તો ઝીપને ગળા કે છાતી સુધી ડાઉન કરી લો.પણ કપડામાં વધુ પડતો ફેરફાર ના કરો.માથે વુલન કેપ સતતં પહેરી રાખો.

૧૦.ગંતવ્ય સ્થળે પહોંચ્યા બાદ પણ વધુ ઉત્સાહિત થઈને ચીસો પાડવાનું, સૂત્રોચ્ચાર કરવાનું,જયકારા બોલાવવાનું ટાળો. તુરંત પથારીમાં પડીને આરામ કરવાના બદલે જે-તે અલ્ટીટ્યુડ પર શરીરને એડજસ્ટ થવા દો.

૧૧.છેલ્લે એક મહત્વની વાત ! સામાન્યત: ગુજરાતીઓ સહેજ ઠંડી લાગે તો તરત કાનમાં રૂ ના પૂમડાં ખોસીને બેસી જાય છે.આ આપણામાં આવેલી એક બૂરી આદત છે જે પહાડોમાં તકલીફ કરાવે છે.જે-તે અલ્ટીટ્યુડ પર શરીરને અનુકૂલન સાધવા માટે કાન દ્વારા જ એટમોસ્ફેરીક પ્રેશર અસર કરતું હોય છે અને આખા શરીરને તે હાઈટ પર ટકવા માટે તૈયાર કરતું હોય છે અને આપણે આદતવશ એ રસ્તો જ બંધ કરી દઈએ છીએ.તેથી પહાડો પર વુલન કેપ પહેરીને કાનને અર્ધા કવર ભલે કરો પણ રૂ ના પૂમડાં કદી ના ખોસો.

આમ તો પહાડો પર રાખવાની સાવચેતી અને સર્વાઇવલ ઘણો બહોળો વિષય છે અને દરેક મુદ્દે અમને માઉન્ટેનીયરીંગમા વિસ્તારપૂર્વક શીખવ્યું છે પણ હાલ આટલી માહિતી પૂરતી છે.

શશિકાંત વાઘેલા
માઉન્ટેનીયર અને ટ્રેકર
(ABVIMAS,Manali trained) 

બુધવાર, 27 એપ્રિલ, 2022

ચાલો તૈયાર થઇ જાવ એક અનોખા રોમાંચક અનુભવ માટે....FPV DRONE SHOT OF MOUNTAIN BIKING !


 ચાલો તૈયાર થઇ જાવ એક અનોખા રોમાંચક અનુભવ માટે.

તમે સૌ ડ્રોનથી તો પરિચીત હશો જ ! ...પણ ડ્રોનનું અત્યાધુનિક રૂપ છે FPV Drone !
આ ડ્રોન નો ઓપરેટર (પાયલોટ)એક જગ્યાએ બેસીને વર્ચ્યુઅલ રિઆલિટી ગ્લાસીસ (VR Glasses) પહેરીને હાથમાં રહેલાં રિમોટ કંટ્રોલ વડે વધુ દિલધડક દ્રશ્યો શૂટ કરી શકે છે.આ બધુ સમજાવવા કરતા નીચે આપેલ વિડીયો જોઇ લેશો !
અને FPV Drone કેટલી આશ્ચર્યકારક હદે વિડીયો શૂટ કરે છે તે જોવા માટે હું તમને આખા વિડીયોનું ફળસ્વરૂપ 08:13 to 10:41 સુધીની ક્લીપ જોવાનું સૂચન કરીશ ! એક જ શોટમાં આખો બાઇકીંગ રૂટ કવર કરવો એ જેવી-તેવી વાત નથી...સિંગલ ટેક ઓકે શોટ તો આફરીન પોકારાવી દેશે.
બોલો...ટેકનોલોજીની જય ! ટેકનોલોજીના સહારે અભૂતપૂર્વ દ્રશ્યો શૂટ કરનાર પાયલોટ ટીમની જય !


શુક્રવાર, 8 એપ્રિલ, 2022

THE LEDGE : Movie Review ( પહાડો પર ખેલાયેલા રક્તરંજિત ખેલની વાત )

 પહાડો પરની સાહસિકતામાં ભળ્યો થ્રિલર નો ડોઝ !

મજાકમાં કહેવાયેલી વાતનું વતેસર થઈ ગયું અને સંજોગો પળવારમાં વિપરીત થઈ ગયા.સોચી-સમજી સાજિશ ઘડાઈ ગઈ.અને શરૂ થયો રક્તરંજિત સિલસિલો.
સોફી અને કેલી નામની બે માઉન્ટેનીયર યુવતિઓ પહાડ ચઢવાના પૂરા સાજોસામાન સાથે કોટેજમાં રોકાઈ છે.આગલા દિવસે પહાડ પર ક્લાઈમ્બિંગ શરૂ કરવાની છે.એવામાં જીપ ભરીને ચાર છેલબટાઉ યુવાનો બાજુના કોટેજમાં પિકનિક માટે આવી ચઢે છે.સાહજિક વાતચીત બાદ યુવાનોનો મુખિયા સોફીને રાત્રે કેમ્પ ફાયર અને ડ્રીંક પાર્ટીમાં આમંત્રણ આપે છે.કેલી મેચ્યોર્ડ છે.તાજેતરમાં માઉન્ટેનીયર-ટ્રેનર પ્રેમીના થયેલાં મોતથી આહત છે અને સતત તેની યાદોમાં ખોવાયેલી છે.સોફી જરા નાની ઉંમરની ઉત્સાહી યુવતી છે.પાર્ટીના આમંત્રણ વખતે કેલીએ ઈશારાથી કરેલા નનૈયાને ઉપરવટ જઈને આમંત્રણ સ્વીકારી લે છે.કેલી રાત્રે કમને સોફીને સાથ આપવા કેમ્પ ફાયર પર જાય છે પણ ખાસ મન ના લાગતા થોડીવાર પછી પોતાના કોટેજમાં પાછી ફરે છે અને સોફીને વહેલાસર પરત ફરવાની સૂચના આપતી જાય છે.
પાર્ટીમાં ચાર યુવકો વચ્ચે સોફી પહાડ ચઢાઈની બાબતે જરા અમથી મજાક ભર્યો ટોણો મારી લે છે.તેને કલ્પના પણ નહોતી કે આ મજાક,આ યુવકો,આ એકલતા,કેલીની ગેરહાજરી આખરે શું અંજામ લાવશે.
ફિલ્મ અચાનક જ ગંભીર ટ્રેક પકડે છે અને અંત સુધી એક પછી એક પાત્ર ના કમોત ની રકતલાલિમા છવાઈ જાય છે.
ફિલ્મનો આખો ભાર કેલીની સમજદારી, હિંમત અને Never say die એટિટ્યૂડ પર ટકેલો છે.તાજેતરમાં મૃત્યુ પામેલાં પ્રેમીએ શીખવેલ માઉન્ટેનીયરીંગ ટેકનીક અને સ્પિરીટ આખી ફિલ્મમાં કેલીને મજબૂત સપોર્ટ પૂરો પાડે છે.વહેતી વાર્તા સાથે એ યાદોના ફ્લૅશબેક નું સંકલન ખૂબ ઈમ્પ્રેસીવલી થયું છે.
ઓવરઓલ, મસ્ટ વોચ ફિલ્મ છે.

ફિલ્મ ડાઉનલોડની પણ લિન્ક :



https://www.youtube.com/watch?v=lI5QB-BOWNo

મંગળવાર, 27 ઑક્ટોબર, 2020

Ghost Of Gata Loops (Part-03)


Ghost Of Gata Loops (Part-03)

છ્ઠ્ઠા દિવસે તોફાનનું જોર ઓછું થતા નેગીની મહિન્દ્રા થાર અને કેલોંગ મિકેનીકની જીપ લઇને ત્રણેય જણાં સર્ચુથી ગાટા લૂપ્સ તરફ નીકળ્યાં.ત્રણેય ના મનમાં ટ્રકના રિપેરીંગ કરતા વધુ ચિંતા ક્લીનર વિશે હતી.ડ્રાયવરે તેને ટ્રકમાં છોડ્યા પછી પાંચ દિવસ વિતી ચૂક્યા હતા અને આજે છઠ્ઠા દિવસે તે શ્યામ નેગી અને મિકેનીક સાથે બે વેહિકલ દ્વારા પોતાની ટ્રક તરફ આગળ વધી રહ્યા હતા.સર્ચુ થી નીકળ્યા બાદ ગાટા લૂપ્સ શરૂ થઇ.એક પછી એક લૂપ ક્રોસ કરતા ગયા.સૌનું દિલ જોર-જોરથી ધડકી રહ્યું હતું.સૌ કોઇને ઓગણીસમાં લૂપ પર ખોટકાઇને ઉભેલી ટ્રક સુધી પહોંચવાની તાલાવેલી હતી.
આખરે ઓગણીસમો લૂપ આવ્યો અને ત્યાં ઉભેલી ટ્રક દેખાઇ.નેગીએ અને મિકેનીકે પોતપોતાની જીપ ટ્રકની પાછળ સેફ જગ્યાએ પાર્ક કરી અને ડ્રાયવર બેસબ્રીથી કૂદકો મારીને બહાર નીકળ્યો.પાંચ દિવસથી બર્ફીલા તોફાનની ઝીંક ઝીલીને રસ્તા વચ્ચે ખુલ્લામાં ઉભેલી ટ્રકના દિદાર સાવ ખસ્તાહાલ થઇ ગયા હતા.આખી ટ્રક ચારેકોર બર્ફથી ઢંકાઇ ગઇ હતી.ટ્રકના માલસામાન પર ઢાંકેલું ટાર્પોલીન બર્ફના ભારથી બેસીને ફાટી ગયું હતું.હેવી બ્લિઝાર્ડ્સથી ટુકડા ફાટીને લટકી ગયા હતા.
ત્રણેય જણા ટ્રકની કેબીન તરફ દોડ્યા.તેમને ક્લીનરની ચિંતા સૌથી વધુ હતી.ડ્રાયવરે ઉપર ચઢીને પોતાની તરફનો દરવાજો ખોલી કેબીનમાં દાખલ થયો અને તેની આંખો ફાટી પડી.ક્લીનર તેની જગ્યાએ કડક લાશ બની ચૂક્યો હતો.કેબીનમાં પાણીની બોટલ અને કેરબો વેરવિખેર પડ્યા હતા.એક બોટલ તેના કડક થઇ ગયેલા હાથમાં હજુ ફસાયેલી હતી.નાદુરસ્ત તબિયત અને ભૂખ–તરસથી તેનો જીવ ઉડી ગયો હતો.તેની તરફનો દરવાજો ખોલીને ત્રણેય જણાએ અદબપૂર્વક તેની લાશ નીચે ઉતારી.ત્રણેય જણાંએ આપસમાં મસલત કરીને ક્લીનરની લાશને ત્યાંજ દફનાવવાનું નક્કી કર્યું.ટ્રકથી થોડે દૂર વળાંક પાસે ખાડો કરીને ત્રણેય જણાએ ક્લીનરને તેના કંબલ ઓઢાડીને દફન કર્યો.અને તેના મૃતાત્માને તરસથી શાતા આપવા પાણીની એક ભરેલી બોટલ મૂકી અને તેના જીવની શાંતિ માટે પ્રાર્થના કરી.
વાત ફેલાતી ગઇ અને તે રૂટ પરથી આવતા જતા ડ્રાયવરો તે જગ્યાએથી નીકળે ત્યારે અચૂક પાણીની બોટલ મૂકતા જાય છે.ઘણા ડ્રાયવરોએ ક્લીનરનું ભૂત સાક્ષાત જોયું છે.અંધારી રાતની પહાડી મુસાફરી દરમ્યાન ઘણા ડ્રાયવરો અને બાઇકરોએ નજરે જોયું છે કે ત્રીસી વટાવેલો એક સૂકલકડી યુવાન ઓગણીસમાં લૂપ પર બેબાકળો નજરે ચઢે છે અને હાથથી પીવાના પાણીની બોટલ નો ઇશારો કરીને પાણી માંગતો નજરે ચઢે છે.તેના તરફ જો બોટલ નાંખવામાં આવે તો તે બોટલને અચૂક પકડી લે છે પણ એ બોટલ ભૂતના હાથમાં ટકતી નથી અને જમીન પર પડી જાય છે.અને ક્લીનરના આત્માની ભવોભવની તરસ વણછીપી જ રહી જાય છે.આજની તારીખે ઓગણીસમાં ગાટા લૂપ પર એ તરસ્યું ભૂત એ રસ્તે પાણીની યાચના કરતું ઘણાંને દેખાય છે.અત્યારે ત્યાં તે ક્લીનરના દફનસ્થાને ઇંટોથી એક મઢૂલી જેવું સ્થાનક બનાવીને લોકો તેના માટે પ્રાર્થના કરે છે.પાણીની બોટલ,દારૂની બોટલ,બીડી-સિગારેટના પેકેટ પણ ત્યાં ધરવામાં આવે છે.
બરફના વિષમ તોફાનમાં વિધીના ચકરાવે ફસાયેલા એ બિમાર માણસે તે જગ્યાએ બિમારી,ભૂખ,તરસ,ઠંડીના કારણે જીવ ખોયો છે.અને એ કમનસીબ નો જીવ આજે પણ ભૂત બનીને પહાડો પરના અંધારા સન્નાટામાં રઝળી રહ્યો છે.

સોમવાર, 26 ઑક્ટોબર, 2020

Ghost Of Gata Loops (Part-02)



Ghost Of Gata Loops (Part-02)

વહેલી સવારે મનાલીથી માલસામાન લાદીને નીકળેલી ટ્રક લેહ તરફ આગળ ધપી રહી હતી.અચાનક આવી ચડેલી ડિલીવરીની વર્ધી લઇને ડ્રાઇવર અને ક્લીનર બન્ને કોઇ ખાસ પૂર્વતૈયારી વિના નીકળી પડ્યા હતા કેમકે આ રસ્તે તેઓ વરસોથી ખેપ મારી રહ્યા હતા એટલે તેમને માટે આ સાવ રૂટીન ઘટના હતી.ક્લીનર બિમાર હોવા છતા કામને ભગવાન માનીને જોડાયો હતો.મનાલીથી રોહતાંગ પાસ ક્રોસ કર્યા બાદ વધુ પડતો સ્નૉફોલ થવાથી પ્રશાસને રોહતાંગ પાસ શિયાળા માટે બંધ કરી દીધો હતો તે બાબતે આ બન્ને જણાંને માહિતી નહોતી.રસ્તામાં એકાદ ધાબા પર બપોરનું જમણ પતાવીને બન્ને જણાં ટ્રકમાં લાગલગાટ ધસી રહ્યા હતા.
સર્ચુ ક્રોસ કરી લીધું હતું.હવે તેઓ જમ્મુ-કાશ્મીર રાજ્યમાં હતા.સર્ચુ એવું સ્થાન છે ત્યાં હિમાચલ પ્રદેશ રાજ્યની સીમા પૂરી થાય છે અને લદાખ પ્રદેશની શરૂઆત થાય છે.અત્યાર સુધીની ટ્રકની મુસાફરી બિલકુલ સાહજીક અને નિશ્ચીંત રહી હતી.નમતી બપોરના પહોરના વાતાવરણમાં ટ્રકે ગાટાલૂપ પ્રવેશનો માઇલસ્ટોન વટાવ્યો.
મનાલી–લેહ હાઇવે પર ગાટા લૂપ નામનો ઝીગ-ઝેગ પહાડી રસ્તો એક અલગ જ ભૃપૃષ્ઠ છે.સર્ચુ પસાર કર્યા બાદ થોડીક વાર પછી “Welcome To Gata Loops” લખેલો મોટો પીળો માઇલસ્ટોન તમારું સ્વાગત કરતો નજરે પડે છે.હવે પછીની યાત્રા ઘણી રોમાંચક અને કંઇક અંશે ડરાવની રહે છે.સ્ત્રીઓના માથામાં નાંખવાની હેર-પીન બેન્ડના આકારમાં સતત આમથી તેમ,ડાબેથી જમણે વળ ખાતા એકવીસ પલટાઓ માર્યા પછી આ પહાડી રસ્તો પૂરો થઇને નકીલા પાસ પહોંચે છે.એક તો સતત ઉંચાઇ પર જતો રસ્તો અને એમાંયે પાછો ઘડીકમાં ડાબી તરફ ડ્રાઇવીંગ કરવાનું આવે તો પાછું ક્યારેક જમણી તરફ હાંકવાનું આવે એમ ઝોલા ખાતા-ખાતા ટોચ પર પહોંચવાનું હોય છે.ઉપર ચઢતા ચઢતા નીચેની લૂપ્સનું મકડી જાલ દ્રશ્ય હેરત પમાડે છે.ડ્રાઇવરની અને તેના વાહનની પૂરેપૂરી કસોટી કરી નાંખતો આ રસ્તો પાર કર્યા બાદ ડ્રાઇવરોને હાશકારો થતો હોય છે.
ટ્રકે ધીમે-ધીમે ગાટા લૂપ ચઢવાનું શરૂ કર્યું.ફૂલ્લી લોડેડ હોવાથી ગાડીને શ્રમ પડી રહ્યો હતો.ડ્રાઇવર ખૂબ જ સિફતતાથી ટ્રકને એક પછી એક ઘુમાવ પર ડ્રાઇવ કરી રહ્યો હતો....પહાડના તીખા વળાંક,સતત ચઢાઇ અને ફૂલ ટ્રક લોડ,આજે જાણે ડ્રાઇવરની આકરી કસોટી કરી રહ્યા હતા.એન્જીન પણ તેની પૂરી ક્ષમતાથી હાંફી રહ્યું હતું.પોતાની સીટ પરથી લગભગ અધુકડો ઉભો થઇને,બન્ને બાહુઓને આમ થી આમ ઘુમાવીને સ્ટિયરીંગને કંટ્રોલ કરતો ડ્રાઇવર આજે જાણે લડાયક યોધ્ધો લાગી રહ્યો હતો.બાજુમાં બેઠેલો ક્લીનર સવારથી માંદો તો હતો જ,એમાં પાછું જમ્યાના એકાદ કલાકમાં પહાડી ઉખડ-ખાબડ રસ્તામાં બે વાર ઉલટી થઇ ગઇ હતી અને તે ખાસો કમજોર પડી ગયો હતો તેથી પોતાની સીટ પર ચૂપચાપ કંબલ લપેટીને અર્ધ ઉંઘભરી આંખે બેઠો હતો.ડ્રાઇવરને કંઇક અનહોનીનો અંદેશો આવી ગયો અને હડિમ્બા માતાને યાદ કરીને રક્ષા કરવાની પ્રાર્થના કરવા લાગ્યો.એક પછી એક ગાટા લૂપ ક્રોસ કરીને ટ્રક ઉપરને ઉપર ચઢી રહ્યો હતો.
એકવીસ લૂપમાંથી અઢાર લૂપ ટ્રકે સફળતાથી પૂરા કર્યા અને જેવો ઓગણીસમો લૂપ ચઢવા માટે વળાંક પર ડ્રાઇવરે સ્ટીયરીંગ પર તાકાત અજમાવી કે અચાનક ટ્રકનું એન્જીન હાંફીને બંધ પડી ગયું.ઢાળમાં અર્ધે ગયેલી ટ્રકને બંધ એન્જીનમાં રિવર્સ લાવીને વળાંક પરની સલામત જગ્યાએ ઉભી રાખી દીધી.અર્ધી મિનીટ તો ડ્રાઇવર માથુ સ્ટિયરીંગ પર ઢાળીને પોતાની નિષ્ફળતાને સ્વિકારતો પડી રહ્યો.કંબલ ચહેરા પરથી હટાવીને ક્લીનર ઉભેલી ટ્રક અને સ્ટિયરીંગ પર માથુ ઢાળીને બેસી રહેલાં ડ્રાયવર તરફ પ્રશ્નાર્થ નજરે તાકી રહ્યો.લાંબો ઉચ્છશ્વાસ ફેંકીને ડ્રાઇવરે ક્લીનર તરફ જોયું અને કહ્યું “ગડ્ડી બ્રેકડાઉન હો ગઇ ! નીચે જાકે દેખતા હું !“...ડ્રાયવરની પાછળ જવાબદારી સમજીને ક્લીનર પણ નીચે ઉતર્યો.
પહાડોની પાછળ સૂરજ આથમવાના હાથવેંતમાં જ હતો.દિવસનાં બચેલાં અજવાળે ડ્રાઇવરે અને ક્લીનરે શક્ય એટલી મહેનત કરીને ટ્રક ફેલ્યોરને રિપેર કરવાનો પ્રયત્ન કર્યો પણ ટ્રક ચાલું ના જ થઇ. હવે તે બન્ને જણાંએ પાછળ આવતા કોઇ ટ્રક કે અન્ય વાહનની મદદ માટે રાહ જોવાનું વિચાર્યું પણ તેમના કમભાગ્યે આ રોડ પરથી પસાર થતી આ આખરી ટ્રક હતી.બન્ને જણાંને સપનેય ખ્યાલ નહોતો કે તેમને અહીં મદદ પહોંચાડે એવું કોઇ વાહન હવે આવવાનું નહોતું ! મોબાઇલ ના સિગ્નલ પહાડો પર બિલકુલ અદ્રશ્ય થઇ જતા હોય છે.તેથી મોબાઇલ કરીને પણ કોઇ મદદ મંગાવી શકાય તેવી શક્યતા નહોતી !
પહાડો ઉપર સાંજ ઢળતાવેંત અચાનજ તાપમાનમાં ભારી ગિરાવટ આવી જાય છે.અને વાતાવરણ આંખના પલકારામાં ઠંડુંગાર બની જાય છે.અંધારાના ઓળા ઉતરવા લાગ્યા અને ડ્રાઇવરને લાગ્યું કે જામતા અંધકારમાં અહીં બેસી રહેવાનો કોઇ મતલબ નથી એના કરતા તો ગમે તેમ રાતભર પહાડ ઉતરીને સર્ચુ જઇને મિકેનીક લઇને સવારે પાછા આવીને ટ્રક ચાલુ કરાવી શકાય.ક્લીનરને સાથે લઇ જવો બે કારણે હિતાવહ નહોતું.એક તો તે સાવ નંખાઇ ગયેલી હાલતે બિમાર અને અશક્ત હતો અને વળી માલસામાન ભરેલી ટ્રકને પહાડો પર આમ સાવ એકલી રેઢી પણ મુકાય તેમ નહોતું. આખરે બન્ને જણાં ભેગા મળીને એ નિર્ણય પર આવ્યા કે મિકેનીક લેવા ડ્રાઇવર ચાલતો નીચે સર્ચુ જશે.અને રાતભર ક્લીનર કેબીન બંધ કરીને ટ્રકમાં રાત વિતાવશે.કેરબામાં પાણી અને ડબ્બામાં રોટી અને થોડાંક બિસ્કીટ પડ્યા હતા.આજની રાત તેના સહારે કાઢવી ક્લીનર માટે બહુ મુશ્કેલ વાત નહોતી.
ક્લીનરને કેબીનમાં રાત વિતાવવાનું કહીને ડ્રાઇવર પહાડોનો ઢાળ ઉતરવા લાગ્યો.વિધીના ખેલમાં બન્ને જણાંએ પોતપોતાનો માર્ગ પકડ્યો હતો.આખી રાત પોતે ચાલતો રહેશે તો જ સવારે સર્ચુ સુધી પહોંચશે એ વાતનો ડ્રાઇવરને ખ્યાલ હતો.સર્ચુ ચોવીસ કિમી દૂર હતું.ગાઢ અંધારામાં,જામતી તિવ્ર ઠંડીમાં એ કોઇ ભુતિયા ઓળાની જેમ ઢાળ ઉતરી રહ્યો હતો.અર્ધી રાત થઇ ત્યાં આસમાનમાંથી સ્નૉફોલની શરૂઆત થઇ ગઇ.કાંપતા શરીરે વરસતા સ્નૉફોલમાં ડ્રાઇવર તળેટીમાં રહેલાં સર્ચુ તરફ ઢસડાઇ રહ્યો હતો.તેને પોતાના ક્લીનર સાથીદારની પણ ચિંતા સતાવતી હતી.
સવારે કૂતરાંઓની ભસાભસથી શ્યામ નેગીએ ટેન્ટની બહાર આવીને જોયું તો રસ્તાની ધારે ખડક પાસે કૂતરાઓની ટોળી કંઇક વસ્તુ જોઇ હશે કે કેમ પણ વ્યગ્રતાથી સતત ભસી રહી હતી.તરત તે પોતાની મહિન્દ્રા થાર ગાડી લઇને બસો મીટર દૂર લોકેશન પર પહોંચ્યો ત્યારે તેના આશ્ચર્ય વચ્ચે અર્ધબેહોશ વ્યક્તિ ખડકની પાછળ ફસડાયેલો પડ્યો હતો.માથા પર,દાઢી પર સ્નોફોલની બર્ફ જામી ગઇ હતી.ચહેરો સિકુડાઇ ગયો હતો અને શરીર સાવ ઠંડું પડી ગયું હતું.શ્યામ નેગી તેને ઉઠાવીને પોતાની ગાડીમાં ટેન્ટ પર લઇ આવ્યો.
એકાદ કલાકની ઘરેલું સારવાર પછી ડ્રાઇવર થોડોક સ્વસ્થ થયો અને શ્યામ નેગીએ આપેલી કોફી પીતા પીતા સમગ્ર ઘટના જણાવી.ડ્રાઇવરને અન્ય એક બેડ ન્યુઝ મળ્યા કે સર્ચુમાં કોઇ મિકેનીક નથી પણ કેલોંગથી વ્યવસ્થા થઇ શકશે.કંઇક તો કરવું પડશે અને જલ્દી કરવું પડશે એ ખ્યાલે ડ્રાઇવરે શ્યામ નેગીને કેલોંગથી જો કોઇ મિકેનીક આવી શકતો હોય તો બોલાવી લેવાની વિનંતી કરી.ત્રણેક કલાકની ફોન,સિગ્નલની મગજમારી પછી એ મિકેનીકે સર્ચુમાં શ્યામ નેગીના કેમ્પિંગ રિસોર્ટ પર આવવાની તૈયારી તો બતાવી પણ ત્રણેયને ખબર હતી કે સતત સ્નૉ-ફોલ ના બગડેલા વાતાવરણ માં મિકેનીકને આવતા આવતા સાંજ તો પડી જ જવાની છે.
મિકેનીકને પણ રસ્તામાં ઘણું જ બગડેલું વાતાવરણ નડ્યું પણ આખરે ઢળતી સાંજે તે પોતાની જીપ લઇને સર્ચુમાં શ્યામ નેગીના રિસોર્ટ પર આવી તો પહોંચ્યોં.અંધારું થવા આવ્યું હતું એટલે ડ્રાઇવર,મિકેનીક અને નેગી ત્રણેય જણાએ સાગમટે નિર્ણય કર્યો કે આવતીકાલે સવારે ગાટા લૂપ જવુ હિતાવહ રહેશે....ચોવીસ કલાક થવા આવ્યા હતા અને ત્રણેયને ભૂખ્યા-માંદા ક્લીનરની ચિંતા સતાવી રહી હતી !
જે હશે તે સવારે જોયું જશે.બસ આજની રાત હેમખેમ નીકળી જાયઅને ભગવાન ક્લીનરની રક્ષા કરે તેવી પ્રાર્થના કરતા રહ્યા.પણ આ ટ્રકની મુશ્કેલી તેમનો સૌનો આટલી આસાનીથી ક્યાં પીછો છોડવાની હતી ?
મધરાતે સર્ચુમાં ભારે સ્નૉફોલ શરૂ થયો અને સવાર સુધીમાં તો આખો રિસોર્ટ અને તેમની બધાની ગાડીઓ ખુદ બર્ફમાં અર્ધી દટાયેલી જોવા મળી.ગાડી લઇને બહાર નીકળવું મુશ્કેલ થઇ ગયું.કેલોંગ, સર્ચુ,ગાટા લૂપ્સ અને છેક લેહ સુધી વાતાવરણ બગડી ગયું અને ભારે સ્નૉફોલ એક દિવસ નહીં પણ લગાતાર પાંચ દિવસ સુધી ચાલ્યો.કેમ્પિંગ રિસોર્ટમાં નેગી,ડ્રાઇવર અને મિકેનીક એક અજીબ ઉલઝનમાં ફસાઇ ગયા હતા.બ્લૉક થઇ ગયા હતા.

ગુરુવાર, 22 ઑક્ટોબર, 2020

Ghost Of Gata Loops ( Part-01)

 


Ghost Of Gata Loops ( Part-01)

સડકમાર્ગે લેહ પહોંચવાના બે માર્ગો છે.પહેલો માર્ગ મનાલીથી રોહતાંગ પાસ થઇને જવાય છે અને બીજો માર્ગ કશ્મીરથી જોઝીલા થઇને જવાય.બન્ને માર્ગ પોતપોતાની રીતે અલગ ભૃપૃષ્ઠ અને મનોહર દ્રશ્યોથી ભરપૂર છે.મનાલીથી લેહ કુલ સોળ થી અઢાર કલાકનો રસ્તો છે જે રોહતાંગ પાસ, ખોકસર,કેલોંગ જિસ્પા,સર્ચુ થઇને લેહ પહોંચાડે છે.

સર્ચુ પસાર કરતા જ આ રૂટની અજાયબી સમો રોડ શરૂ થઇ જાય છે.રસ્તામાં ડાબે-જમણે ફંટાતા હેરપીન બેન્ડ જેવા એકવીસ લૂપ ક્રોસ કરવા પડે છે જેને ગાટા લૂપ્સ કહે છે.જેમ જેમ લૂપ ક્રોસ કરીને ચઢાઇ કરતા જાઓ એમ તળેટીમાં ડાબા-જમણાં ફંટાતા ઝીગઝેગ રસ્તાની માયાજાળ દેખાતી જાય.સતત ચઢાઇ અને આમથી તેમ ડ્રાઇવીંગ કરતા વખતે શારીરિક અને માનસિક રીતે પણ આ રસ્તો થકવી નાંખે છે.પણ પૂરેપૂરી એકવીસ લૂપ ક્રોસ કરો ત્યારે તળેટીના રસ્તાનું મકડી જાલ દ્રશ્ય ખૂબ મનોહર લાગે છે....દિવસે મનોહર લાગતું આ દ્રશ્ય અંધારું થયા પછી ભયાવહ લાગે છે.એમાં પણ જ્યારે ખબર પડે કે આ જ ગાટા લૂપ પર એક જગ્યાએ ભૂત ઘણી વખત દેખાયા હોવાની વાયકાઓ ચાલે છે ત્યારે તો મોડી સાંજે કે રાતની શરૂઆતે ત્યાથી પસાર ના થવામાંજ ભલાઇ છે.આમ પણ પહાડી રસ્તાઓ પર અંધારું થયા પછી વાહનવ્યવહારની મનાઇ જ હોય છે કેમ કે અંધારામાં પહાડી રસ્તા પર જોખમ બમણું થઇ જાય છે.ઘણાં બાઇકર અને ટ્રક-ડ્રાઇવરોને ગાટા લૂપના ભૂતનો ભેટો થયો છે.આજે પણ આ પેરાનોર્મલ ઘટના GHOST OF GATA LOOPS તરીકે ઓળખાય છે...આપણે આખી ઘટનાના મૂળમાં જઇએ.
મનાલી ૧૯૯૯...ઑક્ટોબર અર્ધો પસાર થઇ ગયો હતો.મનાલીના પહાડો પર શિયાળો સુસ્ત કદમચાલે આવી રહ્યો હતો.આસપાસના પહાડોની ટોચે છુટમુટ સ્નૉ-ફોલ શરૂ થઇ ગયા હતા.ભારે સ્નૉફોલ શરૂ થાય કે તરત તંત્રના આદેશાનુસાર દર વર્ષની જેમ રોહતાંગ પાસ શિયાળા માટે બંધ થઇ જવાનો હતો.પણ શુકર છે કે હજુ સુધી વાતાવરણ ઠીકઠાક હતું અને રોહતાંગ પાસ પણ યાતાયાત માટે હજુ ખૂલો હતો. મનાલીથી વહેલી સવારે માલસામાન લાદીને ઉપડેલો ટ્રક લેહ માટે નીકળ્યો.ડ્રાયવર માટે આ રસ્તો અને આ વાતાવરણ અજાણ્યું નહોતું કેમ કે વર્ષોથી તે આ રૂટ પર ખેપ મારી ચુક્યો હતો.તે પોતાની મસ્તીથી પહાડોની ચઢાઇ–ઉતરાઇ,વળાંક પસાર કરતો જતો હતો.ડ્રાઇવરની સાથે કેબીનમાં બેઠેલો ત્રીસી વટાવેલો ક્લીનર સહેજ-સાજ માંદો હતો એટલે માથે ઉની ટોપી અને શરીરે કંબલ લપેટીને ચૂપચાપ બેઠો હતો.શરીરમાં ઝીણો તાવ અને સહેજ કળતર હતું પણ માલસામાનની અરજન્ટ ડિલીવરી આવી ગઇ અને શરીરની સામાન્ય પીડાને ભૂલીને તે ખેપમાં નીકળી પડ્યો.સોળ થી અઢાર કલાકે તો લેહ પહોંચીને માલ ડિલીવર થઇ જશે તેની ડ્રાઇવરને અને ક્લીનરને બન્નેને ખાતરી હતી.એટલે રોજિંદી ઘટમાળની જેમ જ તે બન્ને નીકળી પડ્યા હતા.તેમના માટે આ રસ્તો અને કામ કોઇ નવી વાત નહોતી....તેથી આવનારી પરીસ્થિતીની વિકટતા અને તેના બિહામણાં પરિણામથી બન્ને જણાં સાવ બેખબર હતા.
મનાલીથી પલચાન,ગુલાબા,મઢીના માર્ગે થઇને ઘુમાવદાર રસ્તે ટ્રક આસ્તે-આસ્તે રોહતાંગ પાસ ચઢી રહ્યો હતો.ઉંચાઇ પર આવવાથી વાતાવરણમાં અચાનક જબરદસ્ત ઠંડક વ્યાપી ગઇ.અને સૂસવાટા સાથેનો પવન શરૂ થઇ ગયો.પહાડ પર વાતાવરણનું અનુમાન જરાય લગાવી શકાતું હોતું નથી.થોડીક વારમાં તો વરસાદી બૂંદાબાંદી પણ શરૂ થઇ ગઇ.ડ્રાયવર વધુ એકાગ્ર થઇ ગયો અને ક્લીનર યુવાને કંબલને સહેજ વધુ સંકોરીને ઠંડી ભગાડવાનો પ્રયત્ન કર્યો...જેમ તેમ કરીને ટ્રકે રોહતાંગ પાસ ક્રોસ કરી લીધો. ટ્રક જેમજેમ આગળ વધતો હતો તેમતેમ જાણે તે બન્ને વિધી દ્વારા રચાયેલ પ્રાણઘાતક અગમ્ય જાળમાં ઉલઝતા જઇ રહ્યા હતા અને આ બાબતે તે બન્ને સાવ અજાણ હતા.
જેવો ટ્રક રોહતાંગ પાસ ક્રોસ કરી ને બીજી તરફ ખોકસર તરફ ઉતરવા લાગ્યો કે તરત પહાડો પર વાતાવરણ બગડવાની શરૂઆત થઇ ગઇ. ટ્રક કેલોંગ પહોંચી ગયો ત્યાં સુધીમાં તો પાછળ છૂટેલાં પહાડોની ટોચે રોહતાંગ પાસ પર માની ના શકાય એટલો ભારે સ્નૉ-ફોલ થયો અને સત્તાવાળાએ શિયાળાની સિઝન માટે રોહતાંગ પાસને બંધ જાહેર કરી દીધો.અને વાહનવ્યવહાર માટે એ માર્ગ આખા શિયાળા માટે સ્થગિત કરી દીધો.હવે આ માર્ગ આવતા ઉનાળે એપ્રિલ-મે ૨૦૦૦માં ખૂલશે. લાહોલ-સ્પિતી વૅલીમાંથી આવતો અને કેલોંગ આગળ મળતો કુંજુમ પાસવાળો માર્ગ તો ભારી બર્ફબારીને કારણે એક અઠવાડિયાં પહેલાં જ બંધ થઇ ગયો હતો. અર્થાત મનાલી થી લેહના માર્ગે દોડતી આ એકલી-અટૂલી છેલ્લી ટ્રક હતી !
કાળની કારમી થપાટો ખાધેલી ટ્રકની આ સફરને આ રૂટ પર લોકો દાયકાઓ સુધી યાદ રાખવાના હતા.