શનિવાર, 23 જૂન, 2018

દેવ ટિબ્બા બેઝ કેમ્પ ટ્રેક(હિ.પ્ર) ના અનુભવો (૩)

દેવ ટિબ્બા બેઝ કેમ્પ ટ્રેક(હિ.પ્ર) ના અનુભવો (૩)

બીજો દિવસ ઉગ્યો અને આગલા દિવસ ની જેમ જ સૌ સવાર થી વિવિધ ઍક્ટિવીટીમા લાગી ગયા.યુથ હૉસ્ટેલ ઍસોસિએશ ન ના નિયમાનુસાર હિમાલય ના કોઇપણ નેશનલ ટ્રેક માટે રિપોર્ટીંગ ડે ને બાદ કરતા અન્ય બે દિવસનું ફરજિયાત રોકાણ બેઝકેમ્પ મા કરાવવામા આવે છેઅને આ રીતે અને ઍક્લીમેટાઇઝેશન મુદ્દે ધ્યાન અપાય છે જેથી કોઇપણ પાર્ટિસિપેન્ટ ને હાયરકેમ્પ તરફ જતા કોઇ જ પ્રકાર ની શારિરીક અગવડ ના વેઠવી પડે.આ રીતે કટરૈન બેઝકેમ્પ મા અમારો આ ત્રીજો દિવસ હતો.

સવારે ચાય-નાસ્તા દરમિયાન શ્રુતિ દ્વારા જાણવા મળ્યું કે તેમના ટેન્ટ મા DT-19 ની છ યુવતિઓ ઉપરાંત અન્ય એક યુવતિ ને ગઇકાલે સાંજે ઍકોમૉડેટ કરવામા આવી છે કે જે ચાર દિવસ અગાઉની બેચ નો ડ્રોપ કેસ છે.તે યુવતિ ભારેખમ કાયા અને ૧૧૦ કિલો વજન ની હતી જે બે હાયર કેમ્પ વટાવી ને ત્રીજા દિવસની ખડી ચઢાઇ ના દિવસે હિંમત હારી ગઇ અને ટોટલ ઍક્ઝૉસ્ટ અવસ્થા મા બે ગાઇડ તેને અને તેના રક્સેક ને પીઠ પર લાદી ને મહામહેનતે બેઝકેમ્પ પરત લાવ્યા છે.શ્રુતિ ના કહેવા મુજબ તે યુવતિના પરત આવ્યા બાદ તેની વાતો થી ટેન્ટ મા એક માયુસી અને નેગેટિવ વાઇબ્રેશન્સ આવી ગયા છે તેથી તે પોતે આજ ની ઍક્લીટાઇઝેશન વૉક માટે વધુ પડતી સિન્સીયર હતી.

આજ ની બીજા દિવસ ની પહાડી વૉક માટે અમારે સૌએ પોતાના રક્સેક મા ઓછા મા ઓછા બે વુલન કંબલ અને પાણી ની બૉટલ(૧ લિટર) જેટલું વજન તો કૅરી કરવાનું જ હતું.પોતાની યૉગ્યતા અને ઇચ્છાનુસાર વધુ વજન લઇ શકાય.આજ નો પહાડ ઉંચો હતો,ચઢાઇ વિકટ હતી.દરેક ની પીઠ પર ગઇકાલ કરતા વજન વધું હતું,પણ ફરક એ વાત નો હતો કે હવે સૌ પાર્ટિસિપેન્ટ એકબીજા ની સાથે હળી-મળી ચૂક્યા હતા.અંતરંગ બની ચૂક્યા હતા.પહાડો મા નવી દોસ્તીઓ પનપી રહી હતી.નવી ઓળખાણો અંકુરિત થઇ રહી હતી.અમદાવાદ ની પાંચ ફિજીયોથેરાપિસ્ટ પટેલ છોકરીઓ અને તેમના ત્રણ પટેલ યુવકમિત્રોવાળુ ગ્રુપ પોતાના મોબાઇલ અને બ્લ્યૂટુથ સ્પીકર ની સંગત મા એક-એક થી ચઢિયાતા પગ થિરકતા સોંગ વગાડી રહ્યું હતું.એમાય હદ તો ત્યારે થઇ કે પહાડ પરની ચઢાઇ ઑલમોસ્ટ પૂરી થઇ અને ફ્લેટ ટેરેઇન પર થાક ખાવા નો સમય આવ્યો ત્યારે જ બ્લ્યૂ-ટૂથ સ્પીકર માંથી ચાર બંગડીવાળા ઔડી ના ગીત સાથે કિંજલબેન ટહૂક્યા અને વાતાવરણ ચીચીયારીઓ થી ચાર્જ થઇ ગયું.કેમ કે બધા નોન-ગુજરાતીઓ પણ આ ગીત ના પ્રભાવ મા તો હતા જ ! અને મે જિંદગી મા પહેલીવાર ખભે રક્સેક સાથે ટ્રેકર્સો ને ગરબા ગાતા જોયા.ધન્ય ઘડી,ધન્ય ગુજરાત,ધન્ય કિંજલ દવે !

પછી તો બાકી ની ચઢાઇ દરમિયાન પણ અન્ય લોકો ની ફરમાઇશ થી આ ગીત બે-એક વાર રિપીટ થયું અને લોકો એ ગીત ના કેફ મા સારી એવી ઉંચાઇ પર પહોંચી ગયા.(જૂઓ વિડીયો(૧) !વિડીયો માં લાલ ટી-શર્ટ મા સૌ પ્રથમ શ્રુતિ,ત્યારબાદ ત્રીજા નંબરે ગળા મા સ્કાર્ફ સાથે ચશ્મા ચઢાવેલો હિમાંશું અને ચોથા નંબરે બ્લ્યૂ ટ્રેકશૂટ મા હું પોતે !)

નીચે ઉતરતા જોયું કે ગઇકાલ ની જ જગ્યા એ બે લેમર્જીયર્સ(દાઢીવાળા ગીધ)હવા મા સરસ રીતે સૉરીંગ કરી રહ્યા હતા.હું પોતે કોલેજ લાઇફ મા N.C.C. AIRWING નો કૅડેટ રહી ચૂક્યો છું અને ગ્લાઇડીંગ/ઍરોમોડેલિંગ કરી ચૂક્યો હોવાથી ખ્યાલ આવી ગયો કે પહાડોના અમુક ઉજ્જડ કે ઓછી વનસ્પતિ ધરાવતા ઢોળાવો કે સપાટ મેદાનો પરથી ગરમ થતી હવા ના થર્મલ આકાશમા ઉંચે ચઢે છે અને સમડી-ગીધ જેવા સતત ચકરાવા મારતા પક્ષીઓ આવા ગરમ હવા ના થર્મલ ને પામી ને એના દ્વારા લિફ્ટ મેળવીને આસાન ઉડ્ડયન કરતા રહે છે.આ ગીધ ને પણ અહીં આસપાસ સારું થર્મલ મળી રહેતું હશે.

આજે સાંજ ના કેમ્પ ફાયર મા અમારી બેચ નો રાઉન્ડ હતો.બપોરે લંચ પછી અમે સૌ તેની તૈયારી મા પડ્યા.ગુરુ,કૌસ્તુભ અને હિમાંશું એક પંજાબી ગીત પર ડાન્સ કરવાના હતા તો પ્રગતિ,હિના,વૈશાલી અને શ્રુતિ “દિલ ધડકને દો” ના ગીત પર ડાન્સ પરફોર્મ કરવાના હતા.પ્રેક્ટિસ વખતે જ શ્રુતિ ના ઘૂંટણ મા દર્દ થવા લાગ્યું.આજ ના પહાડ ના વૉક દરમિયાન તેને દૂખ્યું જ હતું પણ તેણે ઇગ્નૉર કર્યું.અને હવે ડાન્સ પ્રેક્ટિસ મા તે દર્દ વધુ પ્રબળ થવા લાગ્યું.ફિજીયોથેરાપિસ્ટ ગર્લ્સ પ્રગતિ અને નેહા એ શ્રુતિ ને ઘૂંટણ મા આંગળીઓ થી હલકો મસાજ આપી ને રેલી સ્પ્રે લગાવી ને બેન્ડેજ લગાવી દીધો.મે પણ શ્રુતિ ને આજે ડાન્સ પરફોર્મ નહીં કરવા સૂચના આપી.

રાત્રે ડિનર પછી ઍક્ટિવીટી એરિયા બધી જ હયાત ત્રણ-ચાર બેચ ના જ ટ્રેકર્સ થી ભરાઇ ગયો.વન બાય વન પરફોર્મન્સ થતા રહ્યા.જોર મા આવી ને,મારી સૂચના ને અવગણીને પણ શ્રુતિએ ધમાકાભેર ડાન્સ પરફોર્મન્સ આપી જ દીધું.પણ મને ચિંતા પેઠી કે હિમાંશુ અને શ્રુતિ એ બન્ને મારા જ સહારે ટ્રેકીંગ મા આવ્યા છે.બન્ને માંથી કોઇને કાંઇ પણ થાય તો નૈતિક રીતે મારે પણ ટ્રેક અધૂરો મૂકીને તેમને સાથ આપવો પડે.સિનીયર ટ્રેકર તરીકે મારી ચિંતા જાયઝ હતી તો નવા-ઉત્સાહી ટ્રેકર તરીકે શ્રુતિ નું વલણ પણ વ્યાજબી હતું.આવનારા દિવસોની શક્યત: કઠિનાઇઓ બાબતે હું મનોમન મજબૂત થવા લાગ્યો હતો.કેમ્પ- ફાયર મા છેવટે ગરબા શરૂ થયા અને ઑલમોસ્ટ બધા જ ટ્રેકર્સ ગરબા ના તાલે સારું એવું ઝુમ્યા.કાન્તા ઓ બૂન કાન્તા થી માંડી ને ટોડલે બેઠો મોર અને ચાર બંગડી ના ગીતો લોકો ને નચાવી ગયા.(જૂઓ વિડીયો(૨) !)અને છેલ્લે “સૈરાટ” ફિલ્મ ના ઝિંગાટ ગીતે તો લોકો ને ઇલેક્ટ્રીફાઇંગ કરી નાંખ્યા.લોકો પાગલ ની જેમ નાચ્યા.મન મૂકી ને,ભાન ભૂલી ને નાચવું શું કહેવાય એ ત્યાં તાદ્રશ થયું.

કેમ્પ ફાયર પત્યા ને અર્ધોકલાક બાદ એ જ એક્ટિવીટી એરિયા મા હું,શ્રુતિ અને હિમાંશું ઉભા હતા,ચારેબાજુ સન્નાટો છવાઇ ગયો હતો,રાત ઘેરી બની રહી હતી અને ઠંડી ની ચમક ક્રમશઃ વધી રહી હતી.છેલ્લી–છેલ્લી મારી સૂચનાઓ તે બન્ને ને આપી.શ્રુતિને તેના ઘૂંટણ માટે વધુ કાળજી લેવાની સ્પષ્ટ હિદાયત આપી.તે મારી નારાજગી પારખી ગઇ હતી,તેને ગુડ નાઇટ કહીને હું અને હિમાંશું અમારા ટેન્ટ તરફ ફર્યા.અર્ધા જ કલ્લાક પહેલા ઉત્સાહ થી થનગનતો એરિયા અત્યારે આછેરા ચંદ્રપ્રકાશ ના અજવાળે ઝાડવાઓ ની ચિત્ર-વિચિત્ર પરછાંઇઓમા સૂમસામ અને ડરામણો ભાસી રહ્યો હતો.


દેવ ટિબ્બા બેઝ કેમ્પ ટ્રેક(હિ.પ્ર) ના અનુભવો (૨)


દેવ ટિબ્બા બેઝ કેમ્પ ટ્રેક(હિ.પ્ર) ના અનુભવો (૨)

બીજા દિવસ ની સવારે છ વાગ્યા મા તો સૌ બેઝ્કેમ્પ મા ટ્રેક શૂટ અને સ્નીકર્સ પહેરીને ફૉલ ઇન થઇ ગયા.દેવટીબ્બા ટ્રેક ની અમારી બેચ ૧૯ તારીખ વાળી ટીમ હોવાથી DT-19 બેચ તરીકે ઓળખાશે.દરેક ટ્રેકર હાજર થયા બાદ કાઉન્ટીંગ શરૂ થયું અને અમને ખ્યાલ આવ્યો કે અમારી બેચ ૪૪ મેમ્બરો ની છે.જેમા છ મહિલા સદસ્યો છે.સૌને જોગીંગ કરાવતા નદીકાંઠા ના એક મેદાન તરફ લઇ ગયા અને ત્યાં અર્ધો કલાક વિવિધ કસરતો કરાવડાવી.શરીર ના બધા સાંધા ને કસરત મળે તે પ્રકાર ની કસરત ખાસ હેતુ થી કરાવવામા આવે છે.જેની ચર્ચા આ જ લેખ મા આગળ કરીશું.

એકાદ કલાક પછી થાકી ને નરમ ઘેંસ થઇ ને સૌ નદીકાંઠા થી બેઝકેમ્પ પરત ફર્યા,અર્ધા કલાકના સમયગાળા મા અમારે સૌ એ ચા-નાસ્તો પતાવવાનો હતો કેમ કે તેના પછી તરત પાછું બીજું શિડ્યૂલ અમારી રાહ જોઇ રહ્યું હતું.ચા,બટાકા પૌંઆ,શિર-કુરમા(સેવ નાંખેલું ગળ્યું દૂધ),બૉઇલ્ડ ઇંડા વગેરે નાસ્તો કરી ને ફરી પાછા અમે સૌ ટ્રેકર્સ નિર્ધારિત સમયે સાડા આઠે ફરી થી ફૉલ ઇન થઇ ગયા.સૌ એ ખભે નાનો બેગ-પેક અથવા સ્લીંગ બેગ ભરાવી ને પાણી ની એકાદ લિટર ની બોટલ સાથે રાખવાની હતી અને હવે અમે સૌ ઍક્લીમેટાઇઝ વૉક માટે નીકળવા ના હતા.

પહાડો પર ની ટર્મિનોલોજીનો આજ નો નવો શબ્દ “ઍક્લીમેટાઇઝેશન” (Acclimetaization) સમજીએ.
પહાડો પર ફરવા કે ટ્રેકીંગ માટે જનારા મોટાભાગ ના સૌ મેદાની ઇલાકાઓમાં થી અર્થાત લગભગ સમુદ્રતલ ના લેવલે રહેતા રહેવાસીઓ હોય છે.આવા લોકો જ્યારે પહાડો પર જાય ત્યારે તેમણે સૌ એ પહાડો પર ઉંચાઇ ના કારણે પાતળી હવા,ઑક્સીજન ની કમી,ઠંડું વાતાવરણ વગેરે તમામ બાબતો સાથે ધીમે ધીમે અનુકૂલન સાધવું પડે છે.ઠંડી આબોહવા ને કારણે તમને તરસ નથી લાગતી પણ તમારા શરીર મા ઠંડી નો સામનો કરવા અને અન્ય વિષમતાઓ થી જૂજવા શરીર નું તરલ સતત ઘટતું રહે છે તેના માટે તમારે સતત પાણી પીતા રહેવાનું હોય છે.થાક/ઠંડી ના કારણે ઘણાં લોકો કંબલ ઓઢી ને ટુંટીયું વાળીને રૂમ મા કેદ થઇ જાય છે તે પણ ગલત છે.ઠંડીથી રક્ષણ આપતા પૂરા કપડા પહેરી ને તમારે ઍક્ટીવ રહેવાનું હોય છે.હરતા–ફરતા રહેવાનું હોય છે તો જ આ વાતાવરણ મા તમે જલદી ઍડજસ્ટ થઇ શકશો.લોકો કાન મા રૂ ના પૂમડાં ભરાવી દે છે તે પણ ગલત છે.ઍક્લીમેટાઇઝેશન પ્રોસેસ દરમિયાન તમારા ખૂલ્લા કાન પહાડ પર ના અનુકૂલનની ગતિ વધારી ને તમને વધુ સ્વસ્થ રાખે છે. તેથી પહાડ પર વુલન કેપ કે સ્કાર્ફ પહેરો પણ કાન ખૂલ્લાં રાખવા હિતાવહ છે.શરીર ને ટાઢ અને ઠંડી માથા ની ટોચે થી અને પગ ના તળિયે થી લાગતી હોય છે.તે બન્ને જગ્યાઓ બેશક રક્ષિત રહેવી જોઇએ.

અમારી DT-19 બેચ બેઝકેમ્પ ના પાછળ ના રસ્તે વિવિધ ફળો–શાકભાજીની વાડીઓની વચાળે સિમેન્ટ ની પાકી પગદંડીને માર્ગે ગામ મા પથરાયેલી વાંકીચૂંકી ગલીઓ સર કરી ને પહાડ પર લગભગ ચારસો-પાંચસો ફીટ ની હાઇટ ગેઇન કરી ચૂકી છે.આંગણા મા રમતા ભૂલકાઓ હાય કહી ને અમારી સાથે ખૂશી-ખૂશી શૅકહેન્ડ કરવા આવતા.સુઘડ–સ્વચ્છ ઘરો કંપાઉન્ડ ની ધારે ઉગાડેલા મોટી સાઇઝના વિવિધ રંગ ના ઘેરા તાજા ગુલાબ થી શોભી રહ્યા છે.રંગો ની વિવિધતા અને ગુલાબની બહુતાયત એક દિલકશ રંગીનીયત ફેલાવી દે છે માહૌલ મા…પહાડ પર થી આખી વેલી ગુનગુની ધૂપ મા અગેઇન્સ્ટ લાઇટ મા દેખાઇ રહી છે.આખા રૂટ મા ત્રણ લેમર્જીયર(દાઢીવાળા ગીધ,બીઅર્ડેડ વલ્ચર) ઉડતા નજરે ચઢી રહ્યા છે.મારી અત્યાર સુધી ની લાઇફ મા તેમને આટલી નીચી હાઇટે ઉડતા કદી જોયા નથી .તેમને હંમેશા દસ-બાર હજાર ફીટ અલ્ટીટ્યૂડ પછી જ જોયા છે.આ અલભ્ય દ્રશ્ય અને ત્રણ ત્રણ સ્પેશિયલ ગીધ ને જોઇ હું રોમાંચિત થઇ ગયો. વિજય તેંડૂલકર લિખીત મરાઠી નાટક “ગિધાડે” નું શિર્ષક મારા મન મા તે ત્રણ ગીધ ની જેમ જ સૉરીંગ કરતું રહ્યું.

પહાડ પર ના રેસ્ટીંગ પોઇન્ટ પર જઇ ને ગાઇડ ના કહેવાથી અમે સૌ મેમ્બરોએ આપસ મા પોતાનું ઇન્ટ્રોડક્શન આપ્યુ,અને એક સરસ “બ્રેકીંગ ધ આઇસ” થઇ ગયું.હવે બધા એકબીજા સાથે સહજતાથી વાત કરવા લાગ્યા.ઍક્સપિરીયન્સ ની દ્રષ્ટિ એ હું સૌથી સિનીયર હોવા છતા અન્ય કોઇને ચાન્સ મળે તે હેતું થી પૂણે ની વૈશાલી ને અને કાઠગોદામ ના ગુરુ ને અનુક્રમે ગ્રુપ લીડર અને ઍન્વાયર્નમેન્ટ લીડર ઘોષીત કર્યા.આખા ગ્રુપે એક સાથે બેસીને ગ્રુપ ફોટો લીધો. DT-19 બેચ હવે ધીરેધીરે જોમવંતી બની રહી હતી.આખી બેચ ના તમામ મિત્રો ઉત્સાહી,મન-મોજિલા અને તરવરાટભર્યા હતા.સૌના મન મા આશ્વાસન હતું કે ચાલો અમારી આખી બેચ ખૂબ સરસ પાર્ટિસિપેન્ટ થી ભરેલી છે.હજુ કાલ નો એક દિવસ બેઝકેમ્પ મા છે.વધુ સામાન લઇ ને વધુ ઉંચાઇએ આવતીકાલે ઍક્લેમેટાઇઝ વૉક માં થી પસાર થવાનું છે.


દેવ ટિબ્બા બેઝ કેમ્પ ટ્રેક(હિ.પ્ર) ના અનુભવો (૧)


દેવ ટિબ્બા બેઝ કેમ્પ ટ્રેક(હિ.પ્ર) ના અનુભવો (૧)

અંગ્રેજી મા એક કહેવત છે કે દરેક વ્યક્તિએ પોતાનું સામર્થ્ય અને દમખમ ચકાસવા પણ પહાડ ચઢવો જોઇએ.(One has to climb mountain to check his own caliber !)

પહાડ તમારી કાટ ખવાઇ ગયેલી રુટિન જિંદગી ને ફરીથી કુદરત સાથે સાંધી આપે છે.પહાડ એ કુદરત નું રિફ્રેશ બટન (F5) છે.અમે પણ હિમાલય ના ખોળે ટ્રેકિંગ કરવાનું આ વર્ષે નક્કી કર્યું.
અમદાવાદ થી હું અને હિમાંશું એમ બન્ને ગુજરાતી ફોટોગ્રાફર મિત્રો અને મુંબઇથી આવતી મરાઠી ફોટોગ્રાફર મિત્ર શ્રુતિ એમ ત્રણેય જણાં દિલ્હી મા એકઠા થયા અને અગાઉ થી રેડ બસ મા કરાવેલા બુકીંગ મુજબ રાત્રે નવ વાગ્યા ની દિલ્હી-મનાલી ની વૉલ્વો પકડી.

આખી રાત ની બસ મુસાફરી પછી બીજા દિવસે સવારે આઠ-સાડા આઠે કુલ્લુ અને મનાલી વચ્ચે કટરૈન નામના સ્થળે યુથ હૉસ્ટેલ ના બેઝકેમ્પ આગળ બસમા થી ઉતર્યા.મનાલી અહીંથી વીસ કિમી દૂર છે.કટરૈન પૉસ્ટ ઑફિસ ની સામેની મોટી સફરજન ની વાડી(એપલ ઑર્ચાર્ડ) મા અમારો બેઝ કેમ્પ હતો.
ટ્રેકીંગ અને માઉન્ટેનિયરીંગ ના વિષય થી અપરિચીત મિત્રો ને હું આ લેખમાળા મા વિવિધ શબ્દો અને બાબતો પ્રત્યે પણ માહિતગાર કરતો જઇશ જેથી તેઓ વધુ ને વધુ “માઉન્ટેન માણીગર” બને અને પહાડ પર પગ મૂકવા ઉત્સાહિત થાય.

આજ નો શબ્દ “બેઝ કેમ્પ“ છે.બેઝ કેમ્પ એ કોઇ પણ ટ્રેકિંગ/માઉન્ટેનિયરિંગ/ મિશન માટે નું એવું થાણું કે રોડ,રસ્તા,રેલવે થી સુચારુ રીતે પહોંચી શકાય,માલ-સામાનની હેરફેર કરી શકાય.ટ્રેકર અને માઉન્ટેનિયર ની આવતી ટુકડીઓ માટે ત્યાં એકોમોડેશન અને ભોજન ની સંપૂર્ણ વ્યવસ્થા જાળવી શકાય,ખૂટતી-કરતી ચીજવસ્તુઓ માટે નજીક મા બજાર ઉપલબ્ધ હોય.પહાડો પર વધુ ઉંચાઇએ આવેલી કેમ્પ-સાઇટો તરફ રવાના થતા પહેલાં અહીં બે-ત્રણ દિવસ વિતાવવા જરૂરી હોય છે જેથી મૈદાની ઇલાકાઓ માં થી આવતા મોટાભાગના ટ્રેકરો પહાડની આબોહવામા ઍડજસ્ટ થઇ શકે.બેઝકેમ્પ હંમેશા બે-ત્રણ અપવર્ડ બેચ અને એકાદ ડાઉનવર્ડ બેચ થી ભરપૂર ટ્રેકરો થી છલકાતો મેળો હોય છે.અહીં વીસ –પચ્ચીસ એકોમોડેશન ટેન્ટ્સ,રજિસ્ટ્રેશન રૂમ,કિચન ટેન્ટ્સ,ડાયનીંગ એરિયા,ઍક્ટિવીટી ઍરિયા,પાકા ટોઇલેટ/બાથરૂમ્સ,સ્ટોર રૂમ,મેડિકલ ટેન્ટ વગેરે સગવડો હોય છે.આખા ટ્રેક ની બધી પાંચ-છ હાયર કેમ્પ સાઇટો ના ભોજન અને અન્ય વ્યવસ્થા નું વિતરણ/સંચાલન બેઝકેમ્પ થી થતું હોય છે.દરેક ટ્રેક મા પહાડ ઉપર ની કેમ્પસાઇટો ને “હાયર કેમ્પ” કહેવાય છે .અને તે ચાર-પાંચ કે વધુ હોઇ શકે પણ બેઝ કેમ્પ તો એક જ હોય.બેઝકેમ્પ માં સૌથી ઉપરી અધિકારી “ફિલ્ડ ડિરેક્ટર” હોય છે.
અમે ત્રણે જણાં બસમાં થી ઉતરી ને જેવા રજિસ્ટ્રેશન રૂમ તરફ વળ્યા  કે તરત રજિસ્ટ્રેશન રૂમ મા બેઠેલી યુવતિ “ઑહ્હો શશિકાન્તભાઇ!“ કહી ને ખૂશીથી દોડી ને આવી ને હુંફાળા આલિંગન સાથે વળગી પડી.તે મુંબઇ ની લક્ષ્મી મોરડેકર હતી.મારી સાથે તે પશ્ચિમ બંગાળ ના સાંદકફૂ-ગુરદૂમ ટ્રેક મા હતી.અને અમે ખૂબ સારા મિત્રો બની શક્યા હતા.લક્ષ્મી મુંબઇ હાઇકોર્ટ ની ધૂંઆધાર વકીલ છે.અને અત્યારે લક્ષ્મી તેની કોર્ટ ના ઉનાળું વેકેશન મા મુંબઇની રુટિન જિંદગી છોડી ને પહાડોમા વૉલન્ટીયર બનીને આ બેઝકેમ્પમા સેવા માટે આવી ગઇ છે.વાત-વાત મા જાણવા મળ્યું કે ફિલ્ડ ડાયરેક્ટર મિ.અનિલ પાઠક છે ત્યારેતો ઓર ખૂશી થઇ કેમ કે તેઓ પણ ઘણા ટ્રેક મા અલપ-ઝલપ મળતા રહેતા મિત્ર જ છે.મને તો જાણે મોસાળમા મા પિરસનાર હોય તેવું સૂખદ લાગી રહ્યું હતું.

અમારા ત્રણેય નું રજિસ્ટ્રેશન અને આવશ્યક પેપરવર્ક કર્યા બાદ મને અને હિમાંશું ને ટેન્ટ નં-૮ અને શ્રુતિ ને લેડિઝ ટેન્ટ નંબર-૪ ફાળવવામા આવ્યો અને અમે સૌ અમારા સાજોસામાન સાથે જે-તે ટેન્ટ મા પહોંચ્યા..આજે રજિસ્ટ્રેશન ડે અને મિત્રો નું આગમન હોવાથી બીજો કોઇ ખાસ કાર્યક્રમ નહોતો.આવતી કાલ થી ટ્રેકીંગને લગતી ઍક્ટિવીટીઝ શરૂ થવાની હતી.

બપોર નું લંચ લઇ ને કટરૈન મા ફર્યા.ટેન્ટ મા બીજા મિત્રો પધાર્યા.તેમની સાથે ઓળખાણો થઇ.રાત નું ભોજન લઇને કેમ્પ ફાયર નો આનંદ માણ્યો.રાત્રે દસ પછી ફરજિયાત બધા ટેન્ટ મા પોઢી ગયા.ઠંડી ના આછેરા ચમકારા વચ્ચે સફરજનની વાડી મા રાત જામી રહી હતી.


શુક્રવાર, 29 મે, 2015

ઍવરેસ્ટ આરોહણ ની તિથી.



૨૯ મે ,
ઍવરેસ્ટ આરોહણ ની તિથી.


૧૯૫૩ મા માણસજાત ના પ્રચંડ પુરૂષાર્થ ના કારણે અજેય ઍવરેસ્ટ ને જીતી શકાયો.

દિલ ના ચાર ખાનામાં થી એક ખાનું એવરેસ્ટ ને આપી દીધુ છે વર્ષો પહેલા.
ઍવરેસ્ટ,સાગરમાથા,ચૉમોલુંગમા...આઇ લવ યુ....વર્ષો સુધી પહાડો મા ભટકી ને જાત ને ખડતલ બનાવી છે.માઉન્ટેનિયરિંગ ના અનુભવ પાછળ ઘણાં રૂપિયા નું પાણી કર્યુ છે.બેઝિક અને ઍડવાન્સ્ડ કોર્સ ના ટફ શિડ્યુલ્સ પણ પૂરા કર્યા છે. હિમાલય ના ઘણાં પહાડો મા મારો પરસેવો પડ્યો છે.ત્યાંની હવા મા આજે પણ મારો અવાજ ઘુમરાતો હશે.બધી જ પૂર્વતૈયારી સાથે સંપૂર્ણ રીતે તૈયાર હોવા છતાયે ફદીયાં માટે ગાડું અટકી પડ્યું છે.ચાર વર્ષ થી વિચરતી જાતિ અને ખાનાબદોશ ની જેમ સરકાર અને કોર્પોરેટ ઑફિસો મા ભટક્યો છું મારા વાટકા મા સ્પૉન્સરશીપ નંખાવવા માટે...જે સરકારી ખાતા માં આવી ઍક્સ્ટ્રીમ સ્પોર્ટ્સ અને હાર્ડકોર મર્દાનગી ને ટેકલ કરવાનુ કામ કરવાનું છે અને અરજી સ્વીકારવાની હોય છે ત્યાંના ઋજુ સ્વભાવ અને કવિહદય સાહેબ શાયદ આ વાત સમજી શકતા નથી,પચાવી શકતા નથી અને અવ્યવહારુ દલીલો સાથે મારી બે વખત થયેલી દળદાર અરજીનો વીંટો વળાઇ ગયો છે.અને એ સાહેબ મુશાયરાઓ મા વાહવાહી વચ્ચે "શ્યામ ને SMS બંધ કરવાની અને રૂબરૂ મા આવવાની અને મોરલી ને મોબાઇલ જેવી રાખવાની" એ જ વર્ષો જુની કવિતા ચારેકોર વિંજ્યા કરે છે.પહાડો મા સનસનાતી હવા ના થપેડાં અને પાની ના એક એક કતરાં માટે ની કિંમત અને હાઇ અલ્ટીટ્યૂડ પલ્મોનરી ઇડીમા ની ગંભીરતા કદાચ તે નહી સમજી શકે.સાત દિવસ ના ઍક્સ્પિડીશન મા દસ કિલો નો થતો વેઇટ લૉસ તેમની સમજ ની બહાર નો વિષય છે શાયદ....રાધા અને મોરલી મા મસ્ત સાહેબો સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સુધી ઠીક છે મારા ભ'ઇ ..પણ જ્યારે ઍડવેન્ચર,ઍન્ડ્યોરન્સ અને એક્સ્ટ્રીમ સ્પોર્ટ્સ ની વાત આવે ત્યારે ધણખૂંટ અને માઉન્ટેન મિજાજી અમલદાર હોવો ઘટે.બાવીસ લાખ નો જુગાડ કરવો મારા હાથ ની વાત નથી.આ તિથી ની એક જ દિવસ અગાઉ મારો જન્મદિવસ હોવો એ પણ કદાચ કુદરતી સંકેત હોઇ શકે.

૪૬ ની ઉંમરે પણ શરીર આટલું ચુસ્ત-દૂરુસ્ત રાખવું એ ખાવા ના ખેલ નથી જ.મહાન સ્વપ્ન આ ભોગ માંગે છે અને હું એ ભોગ ધરી પણ રહ્યો છું.ટકી રહ્યો છું.
હંમેશા એવો ખ્યાલ રહ્યો છે કે આંખ મિચાઇ જાય ત્યારે પણ આટલો જ ફીટ અને તંદુરસ્ત હોઉં....જેથી જતા જતા પણ એવરેસ્ટ ને કહી શકું કે જો ગાંડા, તારા માટે હું છેલ્લી ઘડી સુધી આટલી હદે તૈયાર હતો.આખરી સમયે પણ હું મારો આ જ કલંદરી મિજાજ ઇચ્છું છું.

ગુરુવાર, 29 મે, 2014

પહાડો ના હાડ મારા પિંડ મા

જાણે મારા માટે જ લખાઇ હોય એવી પંક્તિઓ, જાણે મારું જ પ્રતિબિંબ દેખાતું હોય તેવો આ શબ્દરૂપી આયનો....મારી લાઇફસ્ટાઇલ,મારો મૂડ,મારા તેવર આ જ તો છે !

કવિશ્રી જયંત પાઠક ની મજેદાર પંક્તિઓ.

"થોડો વગડા નો શ્વાસ મારા શ્વાસ મા,
પહાડો ના હાડ મારા પિંડ મા ને,
નાડી મા નાનેરી નદીઓ ના નીર,
છાતી મા બુલબુલ નો માળો ને,
આંગળી મા આદિવાસી નું તીણું તીર,
રોમ મારા ફરકે છે ઘાસ મા,
થોડો વગડા નો શ્વાસ મારા શ્વાસ મા....

મંગળવાર, 28 મે, 2013

માઉન્ટ ઍવરેસ્ટ ને માણસજાતે સર કર્યા ને આજે છ દાયકા પૂરા થયા.


માઉન્ટ ઍવરેસ્ટ ને માણસજાતે સર કર્યા ને આજે ૬૦ વર્ષ પૂરા થયા.
૨૯ મે.૧૯૫૩...ઇતિહાસ મા અમર થઇ ગયેલા આ દિવસે ન્યુઝિલેન્ડ ના ઍડમન્ડ હિલેરી અને નેપાલી શેરપા તેનઝિંગ નોર્ગે એ દુનિયા મા અજેય ગણાતો દુર્ગમ એવો માઉન્ટ એવરેસ્ટ સર કરીને માણસ જાત ની મક્કમ સંકલ્પશક્તિનું અને ઉચ્ચ શારીરિક શક્તિનું અપ્રતિમ પ્રમાણભાન કરાવ્યું.

એવરેસ્ટ પ્રત્યે ની મારી લગની તો બધા જાણો જ છો.કલાકો ના કલાકો ચાલે એટલી સંખ્યા મા ઍવરેસ્ટ અને માઉન્ટેનીયરિંગ ને લગતી ફિલ્મો,ડોક્યુમેન્ટરીઝ મારા પર્સનલ કલેક્શન મા છે.ડિસ્કવરી ચેનલ તરફ થી ભેટ મા મળેલી નાયાબ ડોક્યુમેન્ટરીઝ છે.દુનિયાભર ના માઉન્ટેન્સ વિશે ની પી.ડી.એફ ફાઇલ્સ અને વર્ડ ફાઇલ્સ નો ઢગલો મારા કોમ્પ્યુટર મા ખડકાયેલો છે.બુક્સ નો પાર નથી.લંડન સ્થિત મારા મિત્ર Rakesh Goswami એ એક અલભ્ય બુક તેણે જાતે શોધી ને અમદાવાદ મા મારા સ્ટુડિયો સુધી પહોંચતી કરી હતી અને એ પણ સરપ્રાઇઝિંગલી મોંઘીદાટ બુક એના તરફ થી ગિફ્ટ મા આપી હતી.જે બુક મે અમદાવાદ,મુંબઇ,દિલ્હી,અને લેહ ના ઑલમોસ્ટ બધા જ મોટા પુસ્તક વિક્રેતાઓ ને મળીને પણ બુક ના મળતા નિરાશ થયો હતો.અને દોસ્તે પછી એનો રોલ અદા કર્યો.

ઍવરેસ્ટ વિશે કલાકો સુધી બોલી શકુ છું,કલાકો સુધી થાક્યા વગર તેના વિશે વાંચી શકું છું, ફિલ્મો જોઇ શકુ છું.મારા દરેક ઍડવેન્ચર ને હું જાણે એવરેસ્ટ ક્લાઇમ્બ કરતો હોય તે રીતે જ મૂલવી ને જોર લગાડતો હોઉ છુ,.મુંબઇ થી ગોવા સુધી ના વેસ્ટર્ન ઘાટ ના કઠિન કોંકણ કોસ્ટલ વે પર રોજ ના સો કિ.મી ના સાયક્લિંગ દરમ્યાન પણ મગજ મા ઍવરેસ્ટ ની જ દુહાઇઓ લેતા હતા અને પગ મા જોર પૂરતા હતા.

એવા રોજબરોજ ના મારા જીવન મા વણાઇ ગયેલા એવરે સ્ટ નો આજે સ્પેશિયલ ડે છે.એવરેસ્ટ ને હજુ એક મહાપાગલ ગુજ્જુ ને ખોળે બેસાડવાનો બાકી છે.જોઇએ...વિધાતા ક્યારે પરમિટ આપે છે.
આમીન !

મંગળવાર, 21 મે, 2013

ઍવરેસ્ટ ની ઉંચાઇ પર પહોંચેલો સૌ પહેલો ગુજરાતી : ડૉ.મનોજ વૉરા



માઉન્ટેનીયરિંગ ની બેઝિક અને ઍડવાન્સ્ડ ટ્રેનિંગ લઇ ને મે શરીર તોડ્યું છે હિમાલય ની બર્ફીલી ઉંચાઇઓ મા...અને વર્ષો થી આંખ મા સેવેલું એકમાત્ર સ્વપ્ન કે માઉન્ટ ઍવરેસ્ટ ની ટોચ પર પહોંચનારો સૌ પહેલો ભડવીર હું હોઉં...પણ આખા ઍક્સ્પીડીશન નો મસમોટો ખર્ચ હું ઍફોર્ડ કરી શકું તેમ ના હોવાથી અને સ્પોન્સરશીપ ની આજદિન સુધી ની પ્રક્રિયાઓ નિષ્ફળ જવાથી એ વાત માત્ર વાત જ રહી ગઇ...પણ,

ઍવરેસ્ટ ની ઉંચાઇ પર પહોંચેલો સૌ પહેલો ગુજરાતી વ્યક્તિ તરીકે આજકાલ મા ડૉ.મનોજ વૉરા નું નામ સુર્ખિયો મા આવી જવાની ઘડીઓ ગણાઇ રહી છે.

મનોજભાઇ વિદેશ સ્થિત ગુજરાતી ડોક્ટર છે.થોડા વરસો પહેલા ઍવરેસ્ટ ચઢાઇ નો એક પ્રયત્ન કરી ચૂક્યા છે પણ તે વખતે તેઓ સફળતા પામ્યા નહોતા....પણ આજકાલ ફરી થી તેઓ ઍવરેસ્ટ ની ચઢાઇ પર છે.ઍવરેસ્ટ ચઢાઇ માટે ની આ ૨૦૧૩ ની સિઝન મા તેઓ પોતાનો દ્વિતીય પ્રયત્ન કરી રહ્યા છે અને સાઉથકોલ ના રસ્તે છેક કેમ્પ -૪( ૨૬,૪૦૦ ફુટ) સુધી પહોંચી ગયા છે.આજે રાત્રે ૮-૦૦ વાગ્યે તેઓ ટોચ પર ના પોતાના અંતિમ ચરણ મા પોતાની અદમ્ય તાકાત લગાડી ને સાહસ કરશે તો આવતીકાલે સવારે તેમણે કદાચ માઉન્ટ એવરેસ્ટ ની ટોચ (૨૯,૦૨૯ ફુટ) પર પહોંચનારા સૌ પ્રથમ ગુજરાતી વ્યક્તિ બનશે.આવતી કાલે રસ્તા પર તેમને અતિ-કઠીન "હિલેરી સ્ટેપ " ની ખતરનાક ચઢાઇ પાર કરવી પડશે,જ્યાં સુધી પહોંચી ને અચ્છા-અચ્છા માઉન્ટેનીયરો નાહિંમત થઇ જતા હોય છે.

બહરહાલ.....હું ઘણો રોમાંચિત છું કે આખરે ગુજરાતી પ્રજા પર લાગેલું મહેણું તૂટશે.કેમ કે આખી દુનિયા સર કરેલા આપણે ગુજરાતીઓ માં થી હજુ સુધી કોઇ ગુજ્જુ ભાયડો એવરેસ્ટ ની ટોચ પર પહોંચ્યો નથી.

મારું સ્વપ્ન ભલે ખંડિત થઇ રહ્યું હો ય..પણ મારી તમામ શૂભાશિષો અને દૂવાઓ ડો.મનોજ વૉરા ની સાથે છે.આપણે બધા તેમના વિજય અને સૂખરૂપ બેઝકેમ્પ પાછા આવી જવા માટે તેમના માટે પ્રાર્થના કરીએ....બ્રેવો મેન..ઑલ ધ બેસ્ટ !