મંગળવાર, 10 ઑક્ટોબર, 2023

લદાખી રખડપટ્ટીના સંસ્મરણો

 


"ધક ધક"ફિલ્મનું ટ્રેલર આજે રજુ થયું અને મને 2009 ની યાદોમાં ખેંચી ગયું.જયારે મેં જિંદગીમાં પહેલીવાર લદાખ જોયું હતું.એ વખતે બહું બધી વસ્તુઓ પહેલીવાર થઈ હતી.પહેલીવાર મેં આટલી લાંબી બાઈક રાઈડ (અમદાવાદ-લેહ-અમદાવાદ) કરી હતી.પહેલીવાર મારો નાનો ભાઈ હેમંત પણ મારી સાથે આ એડવેન્ચર રાઈડ માં તેના પલ્સર બાઈક સાથે જોડાયો હતો.પહેલીવાર અમે લોકો દુનિયાના સૌથી ઉંચા મોટરેબલ રોડ એવા ખારદુંગલા (૧૮,૩૮૦ ફૂટ) ના અલ્ટીટ્યુડ પર હતાં.દિમાગ એડ્રિનાલીન રશ થી સરાબોર હતું.તુર્રમખાન મિજાજ એ વખતે પણ સર ચઢકે બોલે તેવો હતો જેવો આજે પણ છે.એ એડવેન્ચર રાઈડની નોંધ 2010ના લિમ્કા બુક ઓફ રેકોર્ડસ માં લેવાઈ છે.

કંઈક નવું જોવા,જાણવા,રખડવા અને એક્સ્પ્લોર કરવાવાળા મારા જેવા સનેપાતી જીવો માટે લેહ-લદાખ એ હંમેશા ડ્રીમ ડેસ્ટીનેશન રહેતું હોય છે ત્યારે હું એટલો તો ખુશનસીબ છું કે ત્યાં જવાના મને ચાર વખત મોકા મળ્યા છે અને ચારેય વખત હું અલગ-અલગ રીતે ગયો છું.બાઈક પર,ISUZU 4x4 દ્વારા, ફ્લાઈટ માં વગેરે વગેરે.ચાઈના બોર્ડર આવી જાય તેટલા અંતરીયાળ સૂમસામ લદાખી ગામોમાં રખડ્યો છું.
મનાલીથી લેહ સુધીના લગભગ દરેક ગામ,દર્રા,નદી-નાળા મુંહજબાની યાદ રહી ગયા છે.પાંગ પહોંચતા પહેલા લોખંડી બ્રીજ પાસે આવતી સખ્ત માટીની લેન્ડમાર્ક સમી કમાન,પાંગ પછીની ચઢાઈ પછી અચાનક 40 કિમી સુધી નાકની દાંડીએ સીધા સટ દોડવાની (કહો બાઈક ભગાવવાની) પરમિશન આપતો મોરે પ્લેન‌ (Morey Plain), વાંકીચૂકી,બલખાતી પહાડી ચઢાઈઓ પર એકવીસ વખત ઝીગઝેગ થવું પડે તેવી એકવીસ હેરબેન્ડ પીન રોડ નો વિશિષ્ઠ ભૃપ્રુષ્ઠ ધરાવતી ગાટા લૂપ્સ...લેહની ઓલમોસ્ટ ભાગોળે હોઈએ ત્યારે જોવા મળતી પરાપૂર્વથી વહેતી અને આપણી સંસ્કૃતિની ઝંડા-બરદાર એવી મનમોહક સિંધુ નદી.
કોઈપણ સમયે મને કહો, હું મારી એડવેન્ચર ટ્રીપ પર પાના ના પાના ભરીને લખી શકું તેમ છું.કેમકે એ બધી પળો હું બડી તીવ્રતા થી જીવ્યો છું.મારા બ્લડમાં અને મારા DNA માં ઘુસી જાય એટલી ઉત્કટતાથી શ્વસી છે જિંદગી, જ્યારે હું એડવેન્ચર પર હોઉં છું.
આ ફિલ્મ ભલે વુમન સેન્ટ્રીક છે કે પછી ફેમિનીઝમ બેઝડ છે પરંતુ થ્રીલ અને એડવેન્ચર ક્યારેય મેલ-ફિમેલ બેઝડ હોતા નથી.આ તો પ્રકૃતિમાતા ના એવા આશીર્વાદ છે કે જેને મગજમાં રીતસરના સણકા આવતા હોય અને બન્જારા મિજાજી આવારગીની તૈયારી હોય એમને જ આવા કહુંબા ના ઘૂંટ ચાખવા મળે.
જે લોકો બહુ વિચારે છે એ કદી સાહસિક બની શકતા નથી.