ગુરુવાર, 14 સપ્ટેમ્બર, 2023

રતનમહાલ જંગલ


 રતનમહાલના જંગલમાં લક્ઝુરીયસ ટ્રી હાઉસના બે રૂમો માંથી એક રૂમ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે મને ફાળવ્યો એટલે બંદા ખૂશ ખૂશ હતા.

મેઈન રોડ થી દોઢેક કિમીની તીખી ચઢાઈ વાળી પહાડી પર કારને ફર્સ્ટ ગીયરમા ચલાવો ત્યારે તમે આ ફોરેસ્ટ આવાસ સુધી પહોંચી શકો.લીલાછમ ઝાડવાઓની પ્રચુરતા વચ્ચે મોટી પથરાળ શીલાઓના ભૃપ્રુષ્ઠ પર લોખંડી એંગલો પર આ બે ટ્રી હાઉસ બનાવેલા છે જેમાં ફ્લોરીંગ,દિવાલો,છત બધેજ વુડન કારીગરી છે.તળાવ ફેસીંગ વ્યુ હોવાથી કોર્નર પરની વિન્ડો નો મોટો ભાગ ફીક્સ ગ્લાસ ફીટ કરેલો છે અને બાજુની બે વિન્ડો એલ્યુમિનિયમની હોવાથી અર્ધી જ ખૂલે.કાચની પાછળ જાડા વજનદાર પડદાઓ લટકાવેલા છે.ટ્રી હાઉસની પાસે અન્ય બિલ્ડીંગ માં પણ રૂમો છે.થોડે દૂર કીચન માં ત્રણ છોકરાઓ સાંજના વાળુની તૈયારી કરે.
હવે મુદ્દાની વાત... ચારેકોર ફેલાયેલાં જંગલ અને તળાવની વચ્ચે આવેલા આ લોકૈશન પર જેવું અંધારું થયું કે પડી ગયો સોપો.... ચોતરફ દીપડા અંનૈ સ્લોથ બેર સારી એવી સંખ્યામાં છે.અન્ય કોઈ ગેસ્ટ ના હોવાથી ફક્ત હું અને એ ત્રણ કિચન છોકરાઓ એમ મળીને કુલ ચાર જ જણ ! ડીનર તૈયાર કરીને છોકરો મને રૂમ પર બોલાવા આવ્યો ત્યારે પણ દરેક વૃક્ષોની પાછળ ઓછાયા દેખાયા...ડાઈનીંગ સેક્શન માં જમતા વખતે મને સતત એવું ફીલ થયા કર્યું કે દરવાજાની જાળીમાંથી હમણાં દીપડો કે રીંછ આવ્યું જ સમજો....ખેર.. જમવાનું પતાવીને રૂમ પર આવીને AC ચાલુ કરીને મોબાઈલ મચેડતો હતો ત્યાં જ સાડા નવે આખા કેમ્પસની લાઈટ ગઈ.ચારેબાજુથી બંધ રૂમમાં બારી પણ ખોલાય એમ નહોતું કેમકે બારીની બહાર કોઈપણ પ્રકારની સેફ્ટી ગ્રીલ કે મોસ્ક્વિટો નેટ પણ નહોતી એટલે બારી ખોલવામાં રાત્રે સાપ,અજગર,ઘો કે પછી કોઈપણ જીવજંતુ રૂમમાં આવી જવાની પૂરી શક્યતા હતી.રૂમના મુખ્ય દરવાજાની બહાર પણ એવો કોઈ જાળીદાર દરવાજો નહોતો કે જેના સહારે આપણે હવાની આવનજાવન માટે મુખ્ય દરવાજો ખુલ્લો કરી શકીએ.એટલે એમ સમજો કે હિટલરની ગેસ ચેમ્બરમાં હું હતો.એમાં પાછા પંખો અને એસી બંધ થતાંજ ભૂખ્યા ડાંસ મચ્છરો ગણગણવા લાગ્યા.પથારી પરનો કંબલ ઓઢીને મચ્છરોથી બચવા પ્રયાસ કર્યો તો એ કંબલની જાડાઈ ના કારણે પરસેવે રેબઝેબ... પછી યાદ આવ્યું અને લગેજ કપબોર્ડ માંથી કોટન ચાદર કાઢીને ઓઢી તો યે ગરમી અને મચ્છર નો ત્રાસ તો ચાલુ જ રહ્યો.સહેજ દરવાજો ખોલીને જોયું તો બહાર પુષ્કળ હાવાં ચાલી રહી હતી અને આખેઆખા ઝાડવાઓ ડોલતા હતા.દસેક‌ મિનીટ પછી ભયંકર વરસાદ તૂટી પડ્યો.કરમની કઠણાઈ કે બહાર પવન અને વરસાદના કારણે ઠંડક થઇ ગઈ હોવા છતાં રૂમની ખોટી ડિઝાઈન ને કારણે હું બાફેલું ઈંડુ બની ગયો હતો....એક કલાકના એ ત્રાસદાયક સમયમાં ત્રણેક વખત લાઈટ આવુ આવુ કરીને દસ દસ સેકન્ડમાં પાછી જતી રહે.આખરે સાડા દસે લાઈટ આવી.એસી અને પંખો ચાલુ કર્યા.રાહત થઈ એટલે આ અનુભવ લખવા બેઠો.બાજુમાં મારા બધાજ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ નો ખડકલો ચાર્જ કરવા મૂક્યો છે.
ચાર્લી ચોપરા એન્ડ ધ મિસ્ટ્રી ઓફ સોલંગ વેલી બાબતે બે દિવસ પહેલાજ તમને થ્રીલ થઈ હતી ને વાઘેલા સાહેબ ? ? ?
હવે તમે બનાવો " શશિકાંત વાઘેલા એન્ડ ધ ડેસ્ટિની ઓફ ધ રતનમહાલ વેલી"......બનાવો,બનાવો !