બુધવાર, 28 ડિસેમ્બર, 2022

ATHENA - લોંગ શોટની અફલાતૂન ફિલ્મ.

 ATHENA ફિલ્મનું ટ્રેલર જોયું ત્યારે જ એ મારા Must Watch લિસ્ટમાં આવી ગઈ હતી. નેટ પરથી ડાઉનલોડ કરીને શાંતિથી એ ફિલ્મ જોવા બેઠો અને મારા રૂંવાડા ઉભા થઈ ગયા.

મારી તથા મારા ફેમિલીમાં ત્રણેયની ફિલ્મ જોવાની પેટર્ન વિશે જણાવું તો અમે ક્યારેય ફિલ્મની ફક્ત વાર્તામાં રમમાણ થવાના બદલે કેમેરા મૂવમેન્ટ, ફિલ્મનો કલર ટોન,લાઈટીંગ,એડિટીંગ સ્ટાઈલ વગેરે દરેક પાસા પર પણ સાથેસાથે બારીક નજર રાખતા હોઈએ છીએ.

ATHENA ફિલ્મ શરૂ થયાની બીજી જ મિનિટે ખબર પડી ગઈ કે શરૂઆતથી અત્યાર સુધી વણથંભ્યો એક જ શોટ ચાલી રહ્યો છે. પોલીસ સ્ટેશને ઓફિસરના પ્રેસ નિવેદન બાદ તોફાની તત્વોના અટકચાળા બાદ પરિસ્થિતિ વણસી જાય છે અને તોફાની તત્વો પોલીસ સ્ટેશન ના હથિયાર અને વાહનો તફડાવીને ભાગે છે.

માની ના શકાય એવા અગિયાર મિનિટ લાંબા કન્ટીન્યુસ શોટથી મારા રૂંવાડા ઉભા થઈ ગયા હતાં.આ અગિયાર મિનિટ દરમિયાન અફરાતફરી, આગજની, ધુમાડાના ગોટેગોટા, વાહનો લઈને ભાગંભાગી આ બધા વખતે કેમેરા એકધારો એક શોટમાં ચાલ્યો છે.( કબૂલ કે વચ્ચે સ્માર્ટ મૂવ સાથે સીન ટ્રાન્ઝિક્શન કર્યું હશે)

ફિલ્મ પ્રત્યે અહોભાવ વધારનારી બીજી બાબત એ છે કે આખી ફિલ્મ જે-તે કેરેક્ટરને પકડીને આઠ-દસ મિનિટના સળંગ શોટ થી બનેલી છે. દરેક લાંબા શોટ પછી કેરેક્ટર બદલાય,શોટ બદલાય પણ વાર્તાનો ફ્લો ક્યાંય અટવાતો નથી બલ્કે વધુ સટીકતાથી વાર્તા જામતી જાય છે.

એક જ દિવસમાં,એક જ ઘટનાની આસપાસ ફરીને ફિલ્મ આપણને મજબૂત કન્ટેન્ટ જોયાની ખૂશી આપીને પુરી થાય છે. રચનાત્મક ફિલ્મ જોવાના શોખીન હો તો આ ફિલ્મ મીસ ના કરતા.