મંગળવાર, 17 મે, 2022

ચારધામ યાત્રા દરમિયાન રાખો સાવચેતી.

 



ચારધામ યાત્રા દરમિયાન રાખો સાવચેતી.


ચારધામ યાત્રા શરૂ થયાના અગિયાર દિવસમાં 40 લોકોના મૌત થયા છે અને તેમાં જયાદાતર ગુજરાતીઓ છે એ હકીકત ચોંકાવનારી છે.લગભગ બધા ગુજરાતીઓ આવશ્યક જાણકારી વગર શ્રદ્ધા ના જોરે દોડી જાય છે પણ પહાડો પર પારિસ્થિતીક ઘટનાક્રમ માં શ્રદ્ધા થી બે કદમ આગળ હોય છે સામાન્ય સૂઝબૂઝ અને વાતાવરણની સમજદારી.

માઉન્ટેનીયરની નેશનલ લેવલે સઘન તાલીમ લીધેલી હોઈ આપણાં ગુજરાતીઓની આદતોથી પરીચિત હોઈ આ બાબતે લોકોને વિશેષ કાળજી લેવા માટે સૂચિત કરું છું.

૧. પહાડોમાં જતા પહેલા ઓછામાં ઓછું મહિના પહેલા શારીરિક અને માનસિક સજ્જ થવા માંડો.જો તમે નિયમિત કસરત નથી કરતા તો મહિના પહેલા પાંચ-સાત કિમી ચાલવાની અને એકાદ-બે કિમી હળવા જોગીંગ ની શરૂઆત કરી દો.દરેક સાંધાને કસરત મળે એવી હળવી કસરત થી જામી ગયેલાં સાંધાને ફ્લૅક્સીબલ બનાવો.

૨.ધ્યાન, યોગ, પ્રાણાયામ કરીને માનસિક દ્રઢ થાઓ અને શ્વસન તંત્રને પહાડી પાતળી હવા સામે મજબૂત કરો.

૩.પહાડી યાત્રા દરમિયાન કદી નવા શૂઝ ટ્રાય ના કરો.એને પણ મહિના પહેલા વાપરવાનું શરૂ કરીને તમારા પગના પંજા ના યોગ્ય આકારમાં ઢાળી લો જેથી પહાડી યાત્રા દરમિયાન એ ડંખે નહીં.પહાડોમાં તમારા ડંખતા બૂટ-ચંપલ તમારી એનર્જી અર્ધી કરી નાંખે છે અને છાલા (બ્લિસ્ટર) પડવાથી પાણી ભરાવાની શરૂઆત થઈને આખરે તમારી યાત્રામાં વિધ્ન ની શરૂઆત થઈ જાય છે.છાલાથી તમને અશક્તિ અને તાવ પણ આવી શકે છે.

૪.આપણે સૌ ગુજરાતીઓ મૈદાની ઇલાકામાં, સમુદ્ર તલ લેવલે રહેતી પ્રજા હોવાથી જે-તે પહાડી યાત્રાના બેઝકેમ્પ (દા.ત.કેદારનાથ જવાના હોય તો ઉખીમઠ કે સોનપ્રયાગ) માં એક આખો દિવસ રોકાઈને તમારા શરીરને પહાડી વાતાવરણ સાથે અનુકુલન (એક્લીમેટાઈઝેશન) થવાનો સમય આપો.આ દરમિયાન તમારી હોમટાઉનથી અહીં સુધીના પ્રવાસનો થાક પણ ઉતારો અને પહાડી આબોહવા માટે તૈયાર થઈ જાઓ.

૫.યાત્રા દરમિયાન વરસાદી ઠંડું વાતાવરણ હોવાથી તરસ લાગતી નથી પણ તમારું શરીર તો શારીરિક શ્રમના કારણે શરીરમાંથી પુષ્કળ તરલ ખાલી કરતું રહે છે.તેની આપૂર્તિ માટે તમારા શરીરને સતત હાઈડ્રેટેડ રાખો.પાણી, લીંબુ શરબત,સૂપ સતત પીતા રહીને શરીરમાં પાણીની માત્રા બરકરાર રાખો.

૬.વરસાદમાં પલળવાથી બચો.વરસાદ બંધ થયા પછી ભીના કપડાથી લાગતી ઠંડી તમને માંદા પાડી દેશે.પહાડો પર વરસાદથી બચવા રેનકોટ,પોન્ચો અથવા પ્લાસ્ટિક શીટ વાપરો.ભીના કપડાં તુરંત કાઢી શરીર બરાબર લૂછી કોરા થઈ જાઓ.નવા કોરા કપડાં પહેરી લો.

૭.પહાડ ચઢતી વખતે શક્ય તેટલો ઓછો સામાન રાખો.ઓછી વસ્તુથી ચલાવતા શીખી જાઓ.વધુ સામાન આખરે તો તમારી શક્તિ ઓછી કરતો રહેશે.વધારાનો સામાન હોટેલના ક્લૉકરૂમ માં જમા કરાવીને નિશ્ચિંત રહો.

૮.ચઢાઈ વખતે હાંફ ચઢે એ બિલકુલ સ્વાભાવિક છે તેથી તમને યોગ્ય લાગે એ ગતિથી ધીમે ધીમે પણ મક્કમ ચાલે પહાડ ચઢતા રહો.વારેઘડીએ ઉંચે પહોંચી ગયેલાં અન્ય યાત્રીઓને જોઈને નિરાશ ના થાઓ.દરેક યાત્રીની શારીરિક ક્ષમતા અને ચાલવાની ઝડપ અલગ હોઈ પોતાની જાતને કોઈની પણ સાથે તુલના ના કરો. પોતાને યોગ્ય લાગે એ ઝડપે ચાલ્યે રાખો. બહુ ઉંચે જોવાનું ટાળી તમારા રસ્તા પર જ નજર રાખો તો હતાશા નહીં થાય.બહુ શ્વાસ ભરાઈ જાય તો દિવાલ ના ટેકે, ખડકના ટેકે અથવા ઝાડ કે રેલીંગ પકડીને ઉભા રહીને તમારા શરીરને આરામ આપો.તમારા શ્વાસ નોર્મલ કરો... શક્ય હોય ત્યાં સુધી બેસવાનું ટાળો કેમકે બેસવાથી તમારું શરીર ઠંડું પડવા લાગશે અને પછી ચાલવામાં વધુ શ્રમ લાગશે.શરીરની ગરમી ઓછી ના થવા દો.

૯.પ્રાત:કાળે ચાલવાનું શરૂ કર્યા વખતે જેકેટની ઝીપ ગળા સુધી ટાઈટ બંધ કરી હોય તો કલાકેક બાદ ગરમી લાગવાનું શરૂ થાય તો ઝીપને ગળા કે છાતી સુધી ડાઉન કરી લો.પણ કપડામાં વધુ પડતો ફેરફાર ના કરો.માથે વુલન કેપ સતતં પહેરી રાખો.

૧૦.ગંતવ્ય સ્થળે પહોંચ્યા બાદ પણ વધુ ઉત્સાહિત થઈને ચીસો પાડવાનું, સૂત્રોચ્ચાર કરવાનું,જયકારા બોલાવવાનું ટાળો. તુરંત પથારીમાં પડીને આરામ કરવાના બદલે જે-તે અલ્ટીટ્યુડ પર શરીરને એડજસ્ટ થવા દો.

૧૧.છેલ્લે એક મહત્વની વાત ! સામાન્યત: ગુજરાતીઓ સહેજ ઠંડી લાગે તો તરત કાનમાં રૂ ના પૂમડાં ખોસીને બેસી જાય છે.આ આપણામાં આવેલી એક બૂરી આદત છે જે પહાડોમાં તકલીફ કરાવે છે.જે-તે અલ્ટીટ્યુડ પર શરીરને અનુકૂલન સાધવા માટે કાન દ્વારા જ એટમોસ્ફેરીક પ્રેશર અસર કરતું હોય છે અને આખા શરીરને તે હાઈટ પર ટકવા માટે તૈયાર કરતું હોય છે અને આપણે આદતવશ એ રસ્તો જ બંધ કરી દઈએ છીએ.તેથી પહાડો પર વુલન કેપ પહેરીને કાનને અર્ધા કવર ભલે કરો પણ રૂ ના પૂમડાં કદી ના ખોસો.

આમ તો પહાડો પર રાખવાની સાવચેતી અને સર્વાઇવલ ઘણો બહોળો વિષય છે અને દરેક મુદ્દે અમને માઉન્ટેનીયરીંગમા વિસ્તારપૂર્વક શીખવ્યું છે પણ હાલ આટલી માહિતી પૂરતી છે.

શશિકાંત વાઘેલા
માઉન્ટેનીયર અને ટ્રેકર
(ABVIMAS,Manali trained)