ગુરુવાર, 9 જુલાઈ, 2020

પરાશર લેક (જાલોરી પાસ સાયક્લીંગ ટ્રેક)


આમ તો પરાશર તળાવની તસવીરો ફેસબુક માં "ધ હિમાલયન ગ્રુપ" માં છાશવારે પોસ્ટ થતી રહે છે.આ તસવીર પણ ત્યાં મહિના પહેલાં પોસ્ટ થઇ જ ગઇ હતી.

પણ આજે જ્યારે ગુજરાત સમાચારના પહેલાં પાને આ તસવીરે સ્થાન લીધું ત્યારે પરાશર લેક સાથે જોડાયેલી મારી યાદો તાજી થઇ ગઇ !

 કુલ્લુના "જાલોરી પાસ સાયક્લીંગ ટ્રેક" માં અમે બધા મિત્રો જોડાયા હતા.હું જ્યારે ટ્રેકિંગના મામલે "અમે" શબ્દ વાપરું ત્યારે ભારતભરના મિત્રો ગણી લેવા.મારી એક હાકલ પર ભારતભરમાં બિખરાયેલાં મિત્રો જે-તે ટ્રેકમાં જોડાઇ જ જતા હોય.જાલોરી પાસના આ ટ્રેકમાં અમારી તોફાની ટોળકીના જોધપુર(રાજસ્થાન), મુંબઇ,જલગાંવ,અકોલા,જબલપુર એમ ઠેકઠેકાણેથી પુરાના પાપીઓ જેવા દિલદાર દોસ્તો ભેગા થયા હતા.દિલ્હી હેડક્વાર્ટર્સથી ખરીદાયેલી ન્યુ બ્રાન્ડ મલ્ટી ટેરેઇન બાઇક (સાયકલ) TREKK ખરીદાઇને ટ્રકમાં કુલ્લુ આવી હતી.કુલ્લુ ના ઔટ ગામે અમારો બેઝકેમ્પ હતો.

બીજા દિવસે સાયકલ પર ઉંચા પહાડો સર કરવા નીકળી પડ્યાં હતાં.ઔટ થી જાલોરી પાસ સુધીનો રસ્તો નહીવત ટ્રાફિકવાળો અને પ્રમાણમાં શાંત છે.સફરજનની સિઝન હોવાથી ક્યારેક ક્યારેક ખુલ્લી સફેદ જીપ સફરજન ભરીને સામે મળે બસ એટલું જ !...એપલ ઑર્ચા્ડ્સ અને વનરાજીસભર એ રસ્તે સાયક્લિંગ કરીને ચોથા દિવસે સાંજે જાલોરી પાસ પહોંચ્યાં હતા.ત્યારે વરસાદ શરૂ થઇ ગયો હતો.ચારે બાજુ બર્ફના કારણે તાપમાન સાવ પડી ગયું હતું.તે સાંજ તીવ્ર ઠંડીવાળી હતી.

જાલોરી પાસની બીજા દિવસની સવાર ખૂશનુમાં ઉગી હતી.ચારે બાજુ બર્ફની સાથે લીલોતરી પણ છવાયેલી દેખાઇ.સવારે ચાય-નાસ્તા પછી અમને પરાશર લેક લઇ જવાયા.જંગલમાં થઇને પરાશર લેક સુધીનો  ઢોળાવવાળો રસ્તો કુદરતના ખોળે મહાલવા જેવો અફલાતૂન છે.રસ્તામાં દેવદારના ઉંચા-જૂના વૃક્ષો તો ખરા જ,પણ સાથે-સાથે બુરાંશ (રહોડોડેન્ડ્રોન) ના લાલ-ગુલાબી ફૂલોની પુષ્કળ ઝાડીઓ પણ છે.બુરાંશનું ફૂલ હિમાચલપ્રદેશ રાજ્ય નું "સ્ટેટ ફ્લાવર" છે. તેનો આયુર્વેદીક ઉપયોગ પણ છે અને ત્યાંના સ્થાનિક લોકો તે ફૂલોનું શરબત બનાવીને પણ પીવે છે.મેં પણ પીધુ છે.

 ઝાડીઓ પસાર કરતાં ઢોળાવમાં અચાનક એક રમણીય તળાવનું પેનારોમિક દ્રશ્ય ખૂલી જાય છે અને બે ઘડી ઉભા રહીને મન માં “વાહ“ શબ્દ નીકળી પડે છે.આંખ ની અંદર કીકી હોય તેમ તળાવની અંદર એક છેડે નાનો સરખો ગોળાકાર બેટ છે.કાંઠે શિવજીનું મંદિર છે.અમે પહોંચ્યાં ત્યારે પાંચેક સ્થાનિક સ્ત્રીઓ પૂજા કરી રહી હતી.તેમાંની એક બૂઢી ઔરત આખા તળાવની પૈદલ પ્રદક્ષિણા કરીને હાથમાં ચોખ્ખા ઘી ની ભરેલી તૂંબડીમાંથી ધાર કરતી જતી હતી.બે-એક સ્ત્રીઓ મોટી શીલાની આડશે નાનું સરખું ચૂલા જેવું બનાવીને રસોઇની તૈયારીમાં લાગેલી હતી.તેમની પૂજા લગભગ બપોર સુધી ચાલવાની હતી.

અમે બધાએ પણ તેમની સાથે વાતો કરી, ફોટોગ્રાફ્સ પાડ્યા,ઉછળકૂદ અને ધિંગામસ્તી કરી અને અમારી કેમ્પસાઇટ પરત ફર્યા.

આજે અખબારમાં છપાયેલી પરાશર લેકની આ તસવીર યાદોનો સૈલાબ લઇ આવી !